ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે: પહેલા કરતા કોરાના પછી લોકોમાં 36 ટકા અંધશ્રદ્ધા વધી

author img

By

Published : Jun 8, 2021, 1:19 PM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડૉ.હસમુખ ચાવડાએ સર્વે કર્યો હતો. 1,620 લોકો પાસેથી માહિતીને આધારે તારણ કાઢ્યા. જેમાં 54.80 ટકા ગ્રામ્ય વિસ્તારના અને 45.20 ટકા લોકો શહેરી વિસ્તારના હતા. પહેલા કરતા કોરાના પછી લોકોમાં 36ટકા અંધશ્રદ્ધા વધી છે.

  • ડૉ.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડૉ.હસમુખ ચાવડાએ સર્વે કર્યો
  • 54.80 ટકા ગ્રામ્ય વિસ્તારના અને 45.20 ટકા લોકો શહેરી વિસ્તારના હતા
  • 1,620 લોકો પાસેથી માહિતીને આધારે તારણ કાઢ્યા

રાજકોટઃ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડૉ.હસમુખ ચાવડાએ સર્વે કર્યો હતો. 1,620 લોકો પાસેથી માહિતીને આધારે તારણ કાઢ્યા. જેમાં 54.80 ટકા ગ્રામ્ય વિસ્તારના અને 45.20 ટકા લોકો શહેરી વિસ્તારના હતા. પહેલા કરતા કોરાના પછી લોકોમાં 36 ટકા અંધશ્રદ્ધા વધી છે. તમે પહેલા દોરા, ધાગા કે અન્ય બાબતોમાં માનતા ન હોવ અને કોરોના દરમિયાન એવું કરાવ્યું હોય તેવું બન્યું છે. ત્યારે 27 ટકાએ સ્વીકાર્યું કે પહેલા ન હોતા માનતા પણ કોરોનાએ એવું માનવા મજબુર કર્યા છે.

27.70 ટકા લોકોએ કહ્યું કે કોરોનાકાળમા જન્મેલા બાળકો અપશુકનિયાળ

દોરા, ધાગા, માનતા કે ભુવાથી કોરાના મટી શકે? જેમાં 45% એ સ્વીકાર્યું કે હા અમે માનીએ છીએ કે તેનાથી કોરોના મટી શકે. જ્યારે 60.30% લોકોએ કહ્યું કે ઘરના સભ્યો માંદા પડ્યા ત્યારે અમે ભુવા પાસે ગયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં 81.10 % લોકો કોઈ વ્યક્તિ માનસિક બીમારીથી પીડીત હોય તો તેના પર કોઈએ મેલી વિદ્યા કરી હશે તેવુ માને છે. 45.30 ટકા લોકોએ જણાવ્યું કે ડામ દેવાથી, માનતા માનવાથી કે ભુવા પાસે દાણા જોવડાવવાથી બિમારી દુર થઇ જાય છે. ગામડાના 93.50 ટકા લોકોએ જણાવ્યું કે અમને કે અમારા પરિવારને કોરોના ન થાય તે માટે અમે માનતા રાખેલ છે અને પુજાવિધિઓ પણ કરાવેલ છે. 27.70 ટકા લોકોએ જણાવ્યુ કે કોરોનાકાળમા જન્મેલા બાળકો અપશુકનિયાળ છે.

વેક્સિનેશન ન કરાવવા પાછળ પણ 36% અંધશ્રદ્ધા જવાબદાર

ગ્રામ્ય વિસ્તારનું ભ્રમણ કરતા, મુલાકાત કરતા મનોવિજ્ઞાન ભવનની ટીમને અંધશ્રદ્ધા અને સોશિયલ મીડિયા વેક્સિન ન લેવામાં મૂળભૂત કારણ દેખાયું. અંધશ્રદ્ધાનું મનોવિજ્ઞાન સમજી લેવા જેવું છે. ચોથા ધોરણમાં ચાર વાર નાપાસ થયેલા ડફોળને પણ એવું સાંભળવાનું જ વધુ ગમે છે કે, ‘તું ડફોળ નથી ખૂબ હોંશિયાર છે, પણ તારી ગ્રહદશા ખરાબ છે. એથી નસીબ તને સાથ નથી આપતુ. આવી વાત તેના ગળે શીરાના કોળિયાની જેમ ઉતરી જાય છે. અને તે ગુરુનો પરમ ભક્ત બની જાય છે. આવી માનસિક્તા પાછળનું મનોવિજ્ઞાન એ છે કે ભણવામાં વઘુ મહેનત કરવી પડતી હોય છે અને આજકાલ લોકોને વગર મહેનતે આસાનીથી બધું મેળવવું હોય છે. ગુરુ, ભુવાજી કે બાવાની ભક્તિ કરવામાં ઓછી મહેનત પડે છે. ‘તું મહેનત કરીશ તો પાસ થઈ જઈશ…!’ એવો આશીર્વાદ ખુદ ભગવાન આપે તો પણ માણસને તેમાં મજા આવતી નથી.

કોરોના દરમિયાન દેશમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ

1. અમદાવાદ નજીકના પલોડિયા ગામે સેંકડો મહિલાઓ બેડા લઇને નીકળી

2. દાહોદના ગામડાઓની બહેનોએ 7 દિવસ ઉપવાસ કર્યા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી કોરોના વાઈરસ આ દુનિયામાંથી જતો રહે તેવી પ્રાર્થનાઓ કરે છે.

3. અમદાવાદના શીલજમાં આવેલા પલોડિયા ગામમાં કોરોના કેસ ઘટે એ માટે ગામની મહિલાઓ વિધિ કરવા નીકળી હતી. જેમાં વિધિ દરમિયાન એકપણ મહિલાએ માસ્ક સુદ્ધા પહેર્યું ન હતું.

4. સાણંદ જેવો જ કિસ્સો ગાંધીનગરના રાયપુર ગામમાં બન્યો.જેમાં ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને ઢોલ, નગારા સાથે બળિયાદેવના મંદિરે પહોંચ્યા હતાં. આ સભામાં પણ કોરોના ગાઇડ લાઇનનો ફજેતો જ જોવા મળ્યો.

5. મુસ્લિમ સમાજનાં ઉત્થાન માટે સમગ્ર જીવન સર્મિપત કરી નાખનારા હજરત હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તી-એ-કચ્છએ દુનિયાને અલવિદા કહી હતી. પરિવારના સભ્યો દ્વારા લોકો વિનંતી કરવામાં આવી હતી કે કોરોનાને ધ્યાનમાં રાખીને દફનવિધિમાં ન જોડાય પણ લોકલાગણી એવી ઉમટી કે 300 થી 400 લોકોનો સમૂહ દફનવિધિમાં જોડાયો અને કોરોના ગાઇડલાઇનના છડે ચોક લીરા ઉડતા જોવા મળ્યા હતાં.

6. પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અંધશ્રદ્ધાના કારણે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયું હોવાની ઘટના

7. રાજકોટ શહેરથી ૧૬ કિમિ દૂર રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં આવેલ પારડી ગામમાં લોકોએ કોરોના ભગાડવા માટે શેરી પર શ્રીફળના તોરણ બાંધ્યા છે. પારડી, પરવલા અને ગાઢા ગામમાં જે લોકો દ્વારા શ્રીફળ બાંધવામાં આવ્યા છે તે સમાજના લોકોને તેમના પીર પર શ્રદ્ધા છે કે આ પ્રકારના તોરણ બાંધવામાં આવે તો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થતા નથી.

8. બનાસકાંઠા: અંધશ્રદ્ધાની હદ, માસૂમને તાવ મટાડવા આપ્યા ડામ, બાળકનું મોત

9. સૂર્યગ્રહણ દરમિયાન દક્ષિણ ભારતમાં કેટલાંક સ્થળે દિવ્યાંગ બાળકોને ગરદન સુધી રેતીમાં દાટવામાં આવ્યાં હતાં.

10. રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના એક ગામમા એક બાળકનુ શરીર ધડથી અલગ કરવામાં આવ્યું અને તેનું જુલુશ પણ કાઢવામાં આવ્યું.

અંધશ્રદ્ધા પાછળના કારણો

  • અજ્ઞાનતા
  • નિમ્ન આર્થિક દરજ્જો
  • માહિતીનો અભાવ
  • સામાજીકરણ
  • ખોટા પ્રચાર પ્રસારો
  • શિક્ષણનો અભાવ
  • રૂઢિગત માન્યતાઓ
  • અનુકરણ
  • પરંપરા અને લોકરીતિઓ
  • સંસ્કૃતિગત માન્યતાઓ

અંધશ્રદ્ધાને ઓછી કરવાના ઉપાયો

  • અંધશ્રદ્ધા ફેલાવનાર પ્રત્યે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.
  • અંધશ્રદ્ધા બાબતે જાગૃતિ કાર્યક્રમો કરવા જોઇએ.
  • આવુ કૃત્ય થતુ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી.
  • શિક્ષણનુ પ્રમાણ વધારવું નિરક્ષરતા નાબુદી - શિક્ષણ એ સમજણનો પાયો છે. તેનાથી વ્યક્તિની વૈચારિક શક્તિ વધે છે.
  • વિજ્ઞાનનો પ્રચાર - વહેમ - અંધશ્રદ્ધા દૂર કરવા માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિક પ્રયોગોથી સમજાવી શકાય.
  • સામાજિક આંદોલન - અંધશ્રદ્ધા ભગાડો દેશ બચાવો જેવા પ્રોગ્રામ થવા જોઇએ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.