નવા પ્રધાન મંડળના શપથ ગ્રહણમાંથી જે. વી. કાકડિયાનું નામ ગાયબ થતા તેમના સમર્થકો થયા નિરાશ

author img

By

Published : Sep 17, 2021, 2:07 PM IST

નવા પ્રધાન મંડળના શપથ ગ્રહણમાંથી જે. વી. કાકડિયાનું નામ ગાયબ થતા તેમના સમર્થકો થયા નિરાશ, સમર્થકોએ તો ઉજવણી પણ કરી દીધી હતી

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે. એક બાજુ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના નવા મુખ્યપ્રધાન બન્યા છે. તો બીજી તરફ ગઈકાલે આખેઆખા નવા પ્રધાનમંડળે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે પ્રધાનમંડળમાં ધારીના ધારાસભ્ય જે. વી. કાકડિયાનું નામ સામેલ કરાયું હતું, પરંતુ શપથ ગ્રહણ માટે તેમનું નામ બાકાત રાખવામાં આવ્યું હતું. આથી અમરેલીનું રાજકારણ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. જે. વી. કાકડિયાના સમર્થકોએ તો શપથવિધિ પહેલાં જ ઉજવણી શરૂ કરી દીધી હતી, પરંતુ તેમનું નામ જ ન આવતા કાકડિયા સહિત સમર્થકો નિરાશ થયા છે.

  • નવા પ્રધાનમંડળના શપથ ગ્રહણમાંથી ધારીના ધારાસભ્ય જે. વી. કાકડિયાનું નામ થયું ગાયબ
  • જે. વી. કાકડિયાના સમર્થકોએ તો શપથવિધિ પહેલા દોઢા થઈને ફટાકડા ફોડીને ઉજવણી પણ કરી હતી
  • છેલ્લી ઘડીએ જે. વી. કાકડિયાનુું નામ જ ન આવતા કાકડિયા સહિત સમર્થકો નિરાશ થયા

જૂનાગઢ: મુખ્યપ્રધાનના નામની જાહેરાત પહેલા જે પ્રકારે સસ્પેન્સ બાદ ભૂપેન્દ્ર પટેલને રાજ્ય સરકારની જવાબદારી સોંપવાનો નિર્ણય થયો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બનશે. તે પહેલાં અનેક નેતાઓના નામ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ચાલી રહ્યા હતા. તેમાં અચાનક ભૂપેન્દ્ર પટેલને વિધાનસભા દળના નેતા ચૂંટવામાં આવ્યા અને મુખ્ય પ્રધાનનો પદભાર સોંપવામાં આવ્યો. તો રાજ્ય પ્રધાનમંડળમાં ધારીના ધારાસભ્ય જે. વી. કાકડિયાનું નામ સામેલ કરવામાં આવ્યું હતું, પરંતુ શપથ ગ્રહણ માટે તેમનું નામ અચાનક બાકાત રાખવામાં આવ્યું હતું. આથી હવે અમરેલી જિલ્લાનું રાજકારણ ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની શકે છે. જે. વી. કાકડિયાના સમર્થકોએ પ્રધાનમંડળના શપથવિધિ પહેલા ઉજવણીઓ શરૂ કરી દીધી હતી ત્યારે જેવી કાકડિયાને અચાનક પ્રધાનમંડળમાં સામેલ નહીં કરવાના નિર્ણયને લઈને હવે તેમના કાર્યકરો શ્રોભ માં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો- ધોરણ-12 સુધી ભણેલા કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયા નવા પ્રધાનમંડળમાં સામેલ

કાકડિયાને બાકાત રાખવા પાછળ અમરેલી જિલ્લાનું સ્થાનિક રાજકારણ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે

ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળનું વિસ્તરણ થયું હતું, જેમાં છેલ્લા 48 કલાકથી સંભવિત પ્રધાનોના નામોને લઈને અનેક નામો વહેતા થયા હતા. ગઈકાલે સવારે જ્યારે યાદીને અંતિમ ઓપ આપવામાં આપ્યો હતો. તો તેમાં ધારી બેઠકના ધારાસભ્ય જયસુખ કાકડીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના પારિવારિક સૂત્રોમાંથી પણ તેમણે પ્રધાન મંડળમાં સામેલ થવાને લઈને પ્રદેશ ભાજપ દ્વારા અનુમોદન આપવામાં આવ્યું છે. તેને લઈને તેમના કાર્યકરો અને પરિવારજનોમાં ભારે ખુશી જોવા મળી હતી. ધારી અને બગસરા વિસ્તારના તેમના કાર્યકરોએ તો જે વી કાકડિયા પ્રધાન બને તે પહેલાં જ ઉજવણીની શરૂઆત પણ કરી દીધી હતી, પરંતુ જયારે પ્રધાન મંડળના સભ્યો શપથ ગ્રહણ માટે પહોંચે તે નામની યાદીમાંથી જે. વી. કાકડિયાનું નામ અચાનક બાકાત જોવા મળ્યું હતું. આના કારણે અમરેલીના સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- રાઘવ મકવાણાને પ્રધાન મંડળમાં સ્થાન મળતા મહુવા ભાજપના કાર્યકરો અને પરિવારમાં જોવા મળ્યો ખુશીનો માહોલ

જિલ્લાના સ્થાનિક રાજકારણે જે. વી. કાકડિયાના પ્રધાન બનવા પર લગાવી હેન્ડબ્રેક

અમરેલી જિલ્લાનું રાજકારણ કાયમ માટે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાથી લઈને વર્તમાન કેન્દ્રિય પ્રધાન પરષોત્તમ રૂપાલાના સમય સુધી અમરેલીનું રાજકારણ ખૂબ ઉતારચઢાવવાળું જોવા મળે છે. મનુભાઈ કોટડીયા પછી પરસોતમ રૂપાલા કેન્દ્ર સરકારમાં પ્રધાન બનવા સુધીની રાજકીય સફર માણી રહ્યા છે. દિલીપ સંઘાણી અને વીરજી ઠુમ્મર પણ મોટા ગજાના નેતાઓ માનવામાં આવે છે અને તેઓ સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે. તો આવી પરિસ્થિતિમાં બીજી હરોળના નેતાઓ રાજકારણમાં કોંગ્રેસના પરેશ ધાનાણીને બાદ કરતા કાઠું કાઢી શક્યા નથી.

કાકડિયાનું નામ અચાનક જ પ્રધાનમંડળમાંથી ગાયબ થયું

તો ગઈકાલે રાજ્ય પ્રધાનમંડળના વિસ્તરણમાં પણ ફરી એક વખત અમરેલી જિલ્લાનું અકળ રાજકારણ જેવી કાકડિયાને રાજ્ય સરકારમાં પ્રધાન બનવાને લઈને અકળાવી ગયું હતુું. વર્તમાન રાજ્ય વિધાનસભામાં ધારી બેઠક પરથી ભાજપના એકમાત્ર ધારાસભ્ય તરીકે જે. વી. કાકડિયા કામ કરી રહ્યા છે ત્યારે પ્રધાનમંડળના વિસ્તરણમાં તેમણે ચોક્કસપણે સ્થાન મળશે તેવું લાગતું હતું, પરંતુ અમરેલી જિલ્લાનું રાજકારણ ફરી એક વખત પોતાના અસલ રંગમાં જોવા મળ્યું અને અચાનક જે. વી. કાકડિયાના ઘર સુધી આવેલું પ્રધાન પદનું નિમંત્રણ અચાનક પ્રધાનમંડળના વિસ્તરણ સ્થળ સુધી પહોંચવા માટે અપૂરતું બન્યું હતું. અમરેલીના રાજકીય તજજ્ઞોના મતે, જે. વી. કાકડિયા પ્રધાન નહીં બનવા પાછળ અમરેલી જિલ્લાનું સ્થાનિક રાજકારણ પણ ખૂબ જ અસરકારક રહ્યું હશે તેવું સામે આવી રહ્યું છે. પરસોતમ રૂપાલા અને દિલીપ સંઘાણી બાદ અમરેલી જિલ્લામાંથી મોટા ગજાના કહી શકાય તેવા એક પણ નેતા હજી સુધી બહાર આવ્યા નથી.

અમરેલી જિલ્લા ભાજપમાં બીજી હરોળના નેતાઓને સરકારમાં પદ મળવું બની રહ્યું છે મુશ્કેલ

નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે અમરેલીના ધારાસભ્ય દિલીપ સંઘાણી મોદીને બાદ કરતા સૌથી વધારે અને મહત્ત્વના વિભાગો ધરાવતા એક માત્ર કદાવર નેતા અને પ્રધાન હતા. આજે કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અને ખાસ ગણાતા પરષોત્તમ રૂપાલા પણ ખૂબ મહત્ત્વના વિભાગ સાથે કેન્દ્ર સરકારમાં મોદી પ્રધાનમંડળના સાથીદાર બનીને કામ કરી રહ્યા છે. દિલીપ સંઘાણી પણ વર્તમાન સમયમાં સહકારી સંસ્થાઓના પદો પર આરૂઢ છે, પરંતુ વાત જ્યારે અન્ય નેતાઓના પ્રધાન કે પદ પર પહોંચવાની આવે ત્યારે તેઓ અપશુકનીયાળ જ સાબિત થાય છે. તેની પાછળ પણ અમરેલી જિલ્લાનું અકળાવનારૂં રાજકારણ ભાગ ભજવે છે. આજે પણ જે. વી. કાકડિયાને રાજ્ય સરકારમાં પ્રધાન બનવાનું નિમંત્રણ મળ્યું હતું, જે તેમના પરિવારના સભ્યો અને તેમના શુભેચ્છકો દ્વારા જાણવા મળ્યું છે, પરંતુ અંતિમ સમયમાં જાણે કે, વિસ્તરણ કાર્યક્રમ સુધી પહોંચવા માટે તેમની ગાડીને અમરેલીના રાજકારણે અટકાવી હોય તેવું અમરેલી જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે

સરકારમાં પ્રધાન કે અન્ય સંસ્થાઓમાં પદ મેળવવા અમરેલી ભાજપના બીજી હરોળના નેતાઓ સાબિત થઈ રહ્યા છે અપશુકનિયાળ

સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાની 14 વિધાનસભા બેઠકો છે, જેમાં માણાવદર, કેશોદ અને ધારી વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો કામ કરી રહ્યા છે. પ્રધાનમંડળનું જે વિસ્તરણ કરવામાં આવ્યું હતું, તેમાં કેશોદના એકમાત્ર ધારાસભ્ય દેવાભાઈ માલમને રાજ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે. ત્રણ જિલ્લામાં આવેલી 14 ધારાસભા બેઠકો પૈકી એકમાત્ર ધારાસભ્ય વર્તમાન રાજ્ય સરકારમાં પ્રધાન બનવા માટે સફળ થયા છે. દેવાભાઈ માલમને પણ વર્તમાન રાજકીય સમય અને સમીકરણને ધ્યાને રાખીને તેમને પ્રધાન બનાવવામાં આવ્યા છે. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાને પ્રધાનમંડળમાં જગ્યા આપવામાં આવી નથી અને જે. વી. કાકડિયાને પ્રધાન બનાવવા સુધીની વાતોને લઈને તેમને વેઈટિંગ પ્રધાન બનાવવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાનું રાજકારણ વર્તમાન પ્રધાનમંડળના વિસ્તરણ અને જ્ઞાતિ-જાતિના સમિકરણોને ધ્યાને રાખીને આવનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં અસર ચોક્કસપણે બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.