ETV Bharat / city

રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડશે, જાણો સહાયના નિયમો

author img

By

Published : Sep 20, 2021, 6:26 PM IST

રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડશે, જાણો સહાયના નિયમો
રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડશે, જાણો સહાયના નિયમો

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અનેક ઝોનમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકયો છે જ્યારે અનેક ઝોનમાં પ્રમાણમાં ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકારે અતિવૃષ્ટિ અને દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આર્થિક સહાય આપે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. રાજકોટ અને જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકારે 120 ગ્રામસેવકો દ્વારા જામનગર જિલ્લામાં સર્વે કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે..

  • રાજ્ય સરકાર કરશે ખેડૂતોનો નુકશાનીનો સર્વે
  • ટૂંક સમયમાં રાજ્ય સરકારે જામનગર જિલ્લામાં શરૂ કરાવશે સર્વે
  • તબક્કાવાર શરૂ થશે ખેડૂતોને નુકશાનીનો સર્વે
  • મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ આપવામાં આવશે સહાય


    ગાંધીનગર : ખેડૂતોને સહાયની વાત કરવામાં આવે તો રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 10 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી ખાનગી વીમા કંપનીઓમાં પ્રીમિયમ વધારે આવવાના કારણે રાજ્ય સરકારે ખાનગી વીમાકંપની પાસેનો કરાર રદ કરીને રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી. આમ ગયા વર્ષે પ્રીમિયમ 4000 થી 4500 કરોડની આસપાસ પ્રીમિયમ આવતા સરકારે પોતાની જ યોજનાની જાહેરાત કરી હતી.

    કિસાન સહાય યોજના હેઠળના જોખમો અને નિયમો

    1. દુષ્કાળ : રાજ્યના જે તાલુકામાં વરસાદની ચાલુ સિઝનમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડતો હોય અથવા તો ચોમાસુ શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયમાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા વરસાદ ન પડ્યો હોય તો ખેડૂતોને રાજ્ય સરકારની દુષ્કાળની સહાય પ્રાપ્ત થશે.

    2. અતિવૃષ્ટિ : અતિવૃષ્ટિમાં વાદળ સાથે સતત ભારે વરસાદ થાય જેમાં દક્ષિણ ગુજરાતમાં રિજિયનના જિલ્લાઓમાં 48 કલાકમાં 32 ઇંચ કે તેથી વધુ વરસાદ અને તે સિવાયના તમામ જિલ્લાઓમાં 48 કલાકમાં 25 ઇંચ જેટલો વરસાદ થાય અને ખેતીના ઉભા પાકમાં નુકસાન થાય તો અતિવૃષ્ટિ નુકશાન ગણવામાં આવે છે.

    3. કમોસમી વરસાદ : 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં 48 કલાકમાં 50mmથી વધુ વરસાદ પડે અને ખેતીના ઊભા પાકને નુકસાન થાય તો તે કમોસમી વરસાદનું જોખમ ગણવામાં આવે છે.


    સહાયનું ધોરણ

    1. ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાની 33 ટકાથી 60 ટકા માટે રૂપિયા 20,000 પ્રતિ હેકટરમાં વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

    2. ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાન 60 ટકાથી વધુના નુકસાન માટે રૂ 5000 પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે.

    યાદી કોણ તૈયાર કરશે ?

    રાજ્યમાં અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થાય તેવા અસરગ્રસ્ત વિસ્તારોની યાદી જિલ્લા કલેકટર દ્વારા તૈયાર કરવામાં આવશે. ઘટના બન્યાના સાત દિવસની અંદર કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની મહેસૂલ વિભાગની મંજૂરી અર્થે મોકલવામાં આવશે. રાજ્ય સરકારને દરખાસ્ત મળ્યાના સાત દિવસમાં આ યોજનાના લાભ માટે અસરગ્રસ્ત વિસ્તારના તાલુકાની યાદી મંજૂર કરવાના પણ હુકમ આપવામાં આવશે.
    મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ આપવામાં આવશે સહાય


    પાક સર્વેની કામગીરી માટે સરકાર કરશે જાહેરાત

    ચોમાસાની ચાલુ સિઝનમાં ભારે વરસાદ અથવા તો અન્ય ઝોનમાં ઓછા વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અત્યારે ફક્ત જામનગર જિલ્લાના ખેડૂતોની સર્વે માટેની કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો પાક નુકસાન સર્વેની કામગીરીમાં રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ગામ તાલુકા અને વિસ્તારની યાદી મુજબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વે કરીને અસરગ્રસ્ત વિસ્તારના ખેતરોના પંચનામા સહિતની સર્વે 15 દિવસમાં કરવાના રહેશે. સર્વે પૂર્ણ થયા બાદ આ યોજના હેઠળ સહાય મેળવવા પાત્ર ધરાવતા ખેડૂતોની યાદી જિલ્લા વિકાસ અધિકારી ને સહીવાળા હુકમથી જાહેર કરવામાં આવશે. આમ આ યાદીમાં 33 ટકા થી 60 ટકા અને 60 ટકાથી વધુ નુકસાન એમ બે પ્રકારની યાદી તૈયાર કરવામાં આવશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય તે ખેડૂતોના સીધા બેંક ખાતામાં જ જમા કરવામાં આવશે.

    બાઈટ...રાઘવજી પટેલ (કૃષિપ્રધાન)

    ગયા વર્ષે કેટલી સહાય ચૂકવવામાં આવી ?

    વિધાનસભા ગૃહમાં બજેટ શાસન દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિધાનસભા ગૃહમાં જ નિવેદન આપ્યું હતું કે વર્ષ 2021માં ખેડૂતોને જે નુકસાન થયું હતું તેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ કુલ 3700 કરોડ રૃપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં એક પણ ખેડૂતોને સહાય ચૂકવવામાં બાકી રાખવામાં આવી નથી. સરકારે જાહેર કરેલા નિયમો પ્રમાણે તમામ ખેડૂતોને સહાય ચૂકવવા આવી છે. જ્યારે વર્ષ 2019માં રાજ્ય સરકારે 700 કરોડની સહાયમાં વધારો કરીને કુલ 3795 કરોડની સહાય પેકેજ જાહેર કર્યું હતું. જેમાં 21 લાખથી વધુ ખેડૂતોને સહાય પ્રાપ્ત થઈ હતી.

આ પણ વાંચોઃ જામનગર જિલ્લામાં વરસાદી પ્રકોપમાં ખેતીમાં નુકશાન : પંચાયતી વિભાગના 120 ગ્રામસેવકો સર્વે કરશે

આ પણ વાંચોઃ ભાવનગર જિલ્લામાં 50 ટકા વરસાદ બાદ ખેંચથી કપાસ, મગફળીના પાક પર અસર: ખેડૂત ચિંતામાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.