ETV Bharat / city

સરકારી અને કોન્ટ્રાકટ ભરતી મુદ્દે સરકાર અને વિપક્ષ આમને-સામને

author img

By

Published : Mar 9, 2021, 5:19 PM IST

સરકાર અને વિપક્ષ આમને-સામને
સરકાર અને વિપક્ષ આમને-સામને

વિધાનસભા ગૃહમાં સરકાર અને વિપક્ષ સરકારી અને કોન્ટ્રાક્ટ નોકરી બાબતે ચર્ચા દરમિયાન આમને-સામને આવી ગયા હતા.સરકારી અને કોન્ટ્રાકટ નોકરીની ભરતી બાબતે ચર્ચાઓ ચાલી હતી.

  • સરકાર અને વિપક્ષ આમને-સામને
  • વિધાનસભા ગૃહમાં સરકારી નોકરી અને કોન્ટ્રાક્ટ નોકરી બાબતે થઈ ચર્ચા
  • સરકાર કરાર આધારિત કર્મચારીઓથી કાર્યરત: પરેશ ધાનાણી

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્ય સરકાર અને વિપક્ષ આમને-સામને આવી ગયા હતા, ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી વિધાનસભા ગૃહમાં સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકાર હવે કરાર આધારિત કર્મચારીઓથી કાર્યરત છે અને સરકારમાં અત્યારે 6 લાખ 93 હજાર કર્મચારી ફિક્સ પગાર અને આઉટ સોર્સિંગ કામ કરે છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવ પર સંસદમાં હોબાળો, રાજ્યસભા સ્થગિત

મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યો ગૃહમાં જવાબ

વિજય રૂપાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે તો 7 વર્ષ સુધી ભરતી પ્રક્રિયા પર પ્રતિબંધ મૂક્યો હતો એ અમારી સરકારે દૂર કર્યો છે અને નિયમિત ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર બનાવ્યું છે તેમજ પ્રતિવર્ષ ભરતી કરી રહ્યા છીએ. જ્યાં જરૂરિયાત વધુ હોય ત્યાં કાયમી જગ્યાઓ ઉપર આઉટ સોર્સિંગથી ભરતી કરીએ છીએ. આવા કર્મચારીઓને પણ પુરેપૂરો પગાર આપીએ છીએ. અમે કોઈપણ પ્રકારનું શોષણ કરતાં નથી. લઘુત્તમ વેતન મુજબ જ પગાર આપીએ છીએ.

સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓથી ચાલે છે

વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, રાજ્ય સરકાર વધુમાં વધુ કોન્ટ્રાક્ટ ઉપર ભરતીઓ કરી રહી છે, ત્યારે હવે અત્યારની રાજ્ય સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓથી કાર્યરત હોય તેવું લાગી રહ્યું છે. આમ પરેશ ધાનાણીના નિવેદન પર સરકાર અને વિપક્ષ સામ-સામે આવી ગઈ હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં 4,12,000 બેરોજગાર, શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી

નીતિન પટેલે કોન્ટ્રાકટ કર્મી બાબતે આપ્યો જવાબ

વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં આણંદ અને ખેડા જિલ્લામાં નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત મંજૂર જગ્યાઓના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ યોજના સંપૂર્ણ કેન્દ્ર સરકાર આધારિત છે. જેમાં વિવિધ સંવર્ગોની ભરતી 11 માસના કરાર આધારે કરવામાં આવી છે. જેમાં ઈન્ટરવ્યુ દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી મેરીટના ધોરણે ભરતી કરીને નિમણૂક આપવામાં આવે છે. તબીબો માટેનો વોક ઈન ઈન્ટરવ્યુ યોજીને તેમની પસંદગી અને રાજ્ય સરકારની જરૂરિયાત મુજબ નિમણૂક કરીને ગ્રામ્ય કક્ષાએ આરોગ્યની સારવાર પૂરી પાડવામાં આવે છે. સાથે-સાથે માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટે, રસીકરણ અને પોષક આહાર સહિતની સુવિધાઓ આપીએ છીએ.

કોન્ટ્રાક્ટ કર્મચારીઓને બેન્કથી પગાર

આઉટ સોર્સિંગના કર્મચારીઓને પૂરેપૂરો પગાર ન આપવા અંગેના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં જે જગ્યાઓ કાયમી છે તેની ભરતી સમયાંતરે જાહેરાત આપીને ઈન્ટરવ્યુ દ્વારા ભરીએ છીએ. આ ઉપરાંત વધુ જરૂરિયાત હોય એવી જગ્યાએ આઉટ સોર્સિંગથી ભરતી કરીએ છીએ. આઉટ સોર્સિંગના કર્મચારીઓને પૂરેપૂરું વળતર આપવા માટે અમે એસ્ક્રો એકાઉન્ટથી સીધે સીધો પગાર એમના ખાતામાં જમા કરીએ છીએ. 80થી 90 ટકા એસ્ક્રો એકાઉન્ટ ખોલવાની કામગીરી પૂર્ણ થઈ છે. આગામી સમયમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આઉટ સોર્સિંગના કર્મચારીઓને પૂરેપૂરો પગાર આપવા અમારી સરકાર કટિબદ્ધ છે. રાજ્યના આરોગ્ય, શિક્ષણ, પોલીસ, પંચાયત સહિતના વિભાગોમાં અમારી સરકારે 1.25 લાખથી વધુ યુવાઓને સરકારી સેવામાં જોડ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.