ETV Bharat / city

સીએમ હાઉસમાં રક્ષાબંધનની ઉજવણી: રાજ્યના 33 જિલ્લાઓમાંથી આવેલી 825થી વધુ બહેનોએ મુખ્યપ્રધાનને રાખડી બાંધી

author img

By

Published : Aug 22, 2021, 2:31 PM IST

cm
સીએમ હાઉસમાં રક્ષાબંધનની ઉજવણી: રાજ્યના 33 જિલ્લાઓમાંથી આવેલી 825થી વધુ બહેનોએ મુખ્યપ્રધાનને રાખડી બાંધી

આજે રક્ષાબંધનનું પર્વ છે, આ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ગુજરાત ભરમાંથી આવેલી 825થી વધુ બહેનોએ રાખડી બાંધી હતી. 33 જિલ્લામાંથી જુદી સંસ્થાઓ ઓર્ગેનાઇઝેશન તેમજ વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલી બહેનો રક્ષાબંધનની ઉજવણી માટે સીએમ હાઉસ આવી હતી અને વિજયભાઈ રૂપાણીને રાખડી બાંધી આશીર્વચન આપ્યા હતા.

  • સીએમને રાખડી બાંધી બહેનોએ આપ્યા આશીર્વચન
  • મુખ્યપ્રધાન નિવાસ સ્થાને રક્ષાબંધન પર્વની થઈ ઉજવણી
  • ગત વર્ષે કોરોનાના કારણે આ ઉજવણી બંધ રહી હતી


ગાંધીનગર : રક્ષાબંધન પર્વ નિમિત્તે દર વર્ષે સીએમ હાઉસ ખાતે રક્ષાબંધનનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના કારણે સી.એમ. હાઉસમાં આ ઉજવણી થઈ શકી નહોતી. આ વર્ષે રક્ષાબંધનનો આ પર્વ ગાંધીનગર મુખ્યપ્રધાન નિવાસસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં જુદા-જુદા શહેરો અને જિલ્લાઓમાંથી આવેલી બહેનોએ સીએમને રાખડી બાંધી અને શુભેચ્છાઓ આપી હતી. આ દરમિયાન બ્રહ્માકુમારીની બહેનો, ગંગા સ્વરૂપા બહેન, ધારાસભ્ય આશાબહેન પટેલ, માયાબહેન કોડનાની, ધારાસભ્ય નિમિષાબેન, ધારાસભ્ય સીમાબહેન, પૂર્વ મેયર બિજલ પટેલ સહિતની મહિલાઓએ હાજર રહી મુખ્યપ્રધાનને રાખડી બાંધી હતી.

રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર : સી.એમ.

વિજય રૂપાણીએ કહ્યું કે, રક્ષાબંધન સંસ્કૃતિમાં એક ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી ભગવાનને પ્રાર્થના કરતી હોય છે. ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આ રીતે તહેવારોની ઉજવણીની પરંપરા શરૂ થઇ છે. આજના દિવસે રાજ્યભરમાંથી બહેનો રાખડી બાંધવા આવે છે. ગત વર્ષે કોરોના પીક પર હતો જેના કારણે ઉજવણી થઈ શકી નહોતી પરંતુ છેલ્લા બે મહિનાથી 100થી નીચે કેસો છે અને ઘણા દિવસથી 15, 20 કે 25 જેટલા કેસો આવી રહ્યા છે. સંક્રમણને આપણે રોકી શક્યા છીએ તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગુજરાત ભરમાંથી મહિલા મોરચાની બહેનો, કાર્યકર્તાઓ અહીં આવ્યા છે. હું મારી જાતને ધન્યતા અનુભવ છું અને આ બહેનોના આશીર્વાદ આવનાર દિવસોમાં વધુ સારા કામ કરવા માટે મળશે.

આ પણ વાંચો : કાબુલથી પરત આવતા લોકોને એરપોર્ટ પર આપવામાં આવી વેક્સિન

વરસાદની શરૂઆતથી ખેડૂતોની ચિંતા દૂર થશે

મુખ્યપ્રધાને વધુમાં કહ્યું, જોકે વરસાદની પણ શરૂઆત આજના આ દિવસે થઈ છે. સાર્વત્રિક છૂટો, છવાયો વરસાદ શરૂ થયો છે. ખેડૂતોની ચિંતા, મૂંગા પશુઓની ચિંતા દૂર થઈ છે. સારો વરસાદ ગુજરાતમાં થાય અને આ વર્ષ સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના છે.

કલ્યાણસિંહના કાર્યોને ક્યારેય ભૂલાશે નહીં

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ ગવર્નર કલ્યાણસિંહનું ગઈકાલે નિધન થયું છે. સમગ્ર ગુજરાતની જનતા વતી એમણે શ્રંદ્ધાજલી અર્પુ છું. તેમના આત્માને મોક્ષ પ્રદાન થાય. કલ્યાણસિંહ બીજેપીના એક રાષ્ટ્રીય નેતા હતા. રામ મંદિર નિર્માણ માટે જે સેવા થઈ ત્યારે સત્તાનો પણ તેમને ત્યાગ કર્યો હતો. તેમના કાર્યોને ક્યારેય ભુલાશે નહીં ભારતીય જનતા પાર્ટીને તો મોટી ખોટ પડી છે પરંતુ ઉત્તર પ્રદેશના જનજીવનમાં અને રાષ્ટ્રીય રીતે પણ ખોટ પડી છે. કલ્યાણસિંહના જન જીવનમાંથી કાર્યકર્તા પ્રેરણા લે. કલ્યાણસિંહ ના જે કંઈ પણ અધૂરા કાર્યો છે તે કાર્યકર્તાઓ પુરા કરશે. તેવું વિજય રૂપાણીએ કહ્યું હતું.

આ પણ વાંચો : વડાપ્રધાન થી લઈને ગૃહપ્રધાન અમિત શાહે દેશને પાઠવી રક્ષાબંધનની શુભેચ્છા

આખા રાજ્યમાં વિવિધ સંસ્થાઓ, મંડળોમાંથી બહેનો જોડાઈ

મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રી વિભાવરી દવેએ કહ્યું, આ પર્વ વર્ષોથી ઉજવીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારથી આ પરંપરા ચાલે છે. બધી બહેનોની ઈચ્છા અને લાગણી હતી ત્યારે મુખ્યપ્રધાને આયોજન ગોઠવ્યું છે. ગુજરાતના તમામ જિલ્લામાંથી મોટી સંખ્યામાં બહેનો આવી છે. ગંગા સ્વરૂપ નવલાખ બહેનોને ગંગાસ્વરૂપની સહાય મળે છે. ગંગા સ્વરૂપ આ બહેનોને સાડી આજના દિવસે ભેટ તરીકે આપવામાં આવી હતી. ઝીરો ટકા વ્યાજે બહેનોને લોન મળે છે. જે બહેનોને રાખડી બાંધવાની ઇચ્છા હતી તેઓ પણ અહીં આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા બહેનો દ્વારા અનેક વિભાગો ચલાવવામાં આવે છે તેવી આદિવાસી બહેનો પણ અહીં મુખ્યપ્રધાનને રાખડી બાંધવા માટે આવી હતી. આખા રાજ્યમાં વિવિધ સંસ્થાઓ, મંડળોમાંથી બહેનો જોડાઈ હતી. સફળતાપૂર્વક મુખ્યમંત્રી શાસન ચાલે તેવા તેમને આશીર્વાદ આપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.