ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિના આઠમનાં દિવસે ગુજરાતમાં મહત્વના ત્રણ પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે. જેમાં અમદાવાદ સિવિલ કેમ્પસમાં તૈયાર થયેલી યુ.એન.મહેતા હોસ્પિટલ, જૂનાગઢ ગિરનાર પર તૈયાર થયેલો રોપ વે તથા ભાવનગરની રો રો ફેરી સર્વિસ સામેલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 24 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ એવા જૂનાગઢના રોપ વે સેવાનો વીડિઓ કોન્ફરન્સથી પ્રારંભ કરાવશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે જ તેમણે જૂનાગઢ રોપ વેનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેથી 24 ઓકટોબરના રોજ પોતાના હસ્તે કરેલ ખાતમુહૂર્ત પ્રોજેક્ટનું દેશને લોકાર્પણ કરશે.
ઘણા વર્ષોથી મુશ્કેલીમાં ઘેરાયેલો રહેનારો આ પ્રોજેક્ટ હવે 100 ટકા પૂર્ણ થઇ ગયો છે, ત્યારે જૂનાગઢના ઉચ્ચ અધિકારી સાથે થયેલી વાતચીતના આધારે વડાપ્રધાન મોદી 24 ઓક્ટોબરે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના આધારે જૂનાગઢના રોપ વે સર્વિસનું લોકાર્પણ કરશે. આ સાથે જ PM મોદી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલનું લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી રો-રો ફેરી સર્વિસ અને જૂનાગઢના ખેડૂતોને વીજળી આપવાના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.
આમ PM મોદી નવરાત્રિના આઠમના દિવસે એટલે કે 24 ઓક્ટોબરે જૂનાગઢના ગિરનાર રોપ-વે સર્વિસ, રો રો સર્વિસ અને અમદાવાદની સિવિલ કેમ્પસમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે.