ETV Bharat / city

સ્વીટી પટેલ હત્યા કેસની જેમ જ હચમચાવી મૂકે તેવી પેથાપુર મર્ડર મિસ્ટ્રી, હજુ સુધી ઉકેલાયો નથી ભેદ

author img

By

Published : Jul 30, 2021, 4:48 PM IST

સ્વીટી પટેલ હત્યા કેસની જેમ જ હચમચાવી મૂકે તેવી પેથાપુર મર્ડર મિસ્ટ્રી
સ્વીટી પટેલ હત્યા કેસની જેમ જ હચમચાવી મૂકે તેવી પેથાપુર મર્ડર મિસ્ટ્રી

ચકચાર મચાવનારા સ્વીટી પટેલ મર્ડર કેસમાં PI પતિ જ હત્યારો હોવાનું 50 દિવસ બાદ સામે આવ્યું હતું. આ કેસનો નિકાલ ભલે માત્ર ગણતરીના દિવસોમાં જ આવ્યો હોય, પરંતુ ગાંધીનગરના પેથાપુર ખાતે દોઢ વર્ષ પહેલાં સર્જાયેલી મર્ડર મિસ્ટ્રી પોલીસ હજુ સુધી ઉકેલી શકી નથી. આ કેસમાં ઘરમાં પ્રવેશીને અજાણ્યો શખ્સ કે શખ્સોએ મહિલાને ગળેટૂંપો આપીને મારી નાંખી હતી. આ ઘટનાને દોઢ વર્ષ વીતી ગયા હોવા છતા અને પોલીસે પૂરતી તપાસ કરી હોવા છતા હજુ સુધી હત્યારો પકડાયો નથી.

  • પેથાપુર મર્ડર મિસ્ટ્રી હજુ પણ રહસ્યમય
  • મહિલાની હત્યાનો ભેદ આજ સુધી નથી ઉકેલાયો
  • 50થી વધુ લોકોના નિવેદન પોલીસે અત્યાર સુધી લીધા
  • કોર્ટની મંજૂરી બાદ શકમંદોના પોલિગ્રાફી, બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરાયા


ગાંધીનગર : પેથાપુર ખાતે રહેતી 35 વર્ષીય મહિલાને આજથી દોઢ વર્ષ પહેલા પોતાના ઘર પાસેથી મૃત હાલતમાં મળી આવી હતી. આ ઘટનામાં ગાધીનગર જિલ્લા LCB દ્વારા દરેક શકમંદોના વિવિધ વૈજ્ઞાનિક ટેસ્ટ કરાવવાની સાથે સાથે 50થી વધુ લોકોના નિવેદન લીધા હોવા છતા જિલ્લા LCBને માત્ર નિષ્ફળતા જ સાંપડી છે.

સ્વીટી પટેલ હત્યા કેસની જેમ જ હચમચાવી મૂકે તેવી પેથાપુર મર્ડર મિસ્ટ્રી

શું થયું હતું તે દિવસે ?

4 જાન્યુઆરી 2020ના રોજ પેથાપુર સ્થિત સંજરી પાર્કના 1 નંબરના ફ્લેટમાં ગળે ટુંપો આપેલી હાલતમાં 35 વર્ષીય સલમાબાનુ દાઉદસા ફકીરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં આરોપી સુધી ગાંધીનગર ગ્રામ્ય LCB આજ દિન સુધી પહોંચી શકી નથી. સંજરી પાર્ક વિસ્તાર ભરચક અને લોકોની અવર જવર ધરાવતો હોવા છતા તે દિવસે સવારે 8થી સાંજના 4 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ત્યાં આવે છે અને 6 નંબરના ફ્લેટમાં રહેતી સલમાબાનુને ઉઠાવીને ફ્લેટ નંબર 1માં લઈ જાય છે. આ અવાવરૂ ફ્લેટમાં અજાણ્યો શખ્સ સલમાબાનુને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઊતારે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે.

સ્વીટી પટેલ હત્યા કેસની જેમ જ હચમચાવી મૂકે તેવી પેથાપુર મર્ડર મિસ્ટ્રી
સ્વીટી પટેલ હત્યા કેસની જેમ જ હચમચાવી મૂકે તેવી પેથાપુર મર્ડર મિસ્ટ્રી

પતિ પર જ હતી શંકાની સોય

સ્વીટી પટેલ ગુમ થવાનો કેસ જ્યારે નોંધાયો ત્યારે પોલીસે સેંકડો લોકોના નિવેદન લીધા હતા. તે જ રીતે સલમાબાનુના કેસમાં પણ પોલીસે સંખ્યાબંધ લોકોના નિવેદનો લીધા હતા. આ નિવેદનોમાં માત્ર એક જ વસ્તુ સામે આવી હતી કે, પતિ પત્ની વચ્ચે ઘરકંકાસ હતો. આ લોકોના નિવેદનો બાદ પોલીસે તેના પતિ દાઉદસા ફકીર પર ગાળિયો મજબૂત બનાવ્યો હતો. અનેક શંકાઓના આધારે પોલીસ દ્વારા તેના LVA, લાઈ ડિટેક્શન ટેસ્ટ સહિતના ઢગલો ટેસ્ટ કરાવ્યા હતા. કોર્ટ પાસેથી પરવાનગી મેળવીને પોલિગ્રાફી ટેસ્ટ તેમજ બ્રેઈન મેપિંગ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. તેમ છતા શંકા મજબૂત બને તેવા પૂરતા કોઈ પુરાવાઓ મળ્યા ન હતા.

સ્વીટી પટેલ હત્યા કેસની જેમ જ હચમચાવી મૂકે તેવી પેથાપુર મર્ડર મિસ્ટ્રી
સ્વીટી પટેલ હત્યા કેસની જેમ જ હચમચાવી મૂકે તેવી પેથાપુર મર્ડર મિસ્ટ્રી

શરીર પર રહસ્યમય રીતે મળી આવ્યા ડાઘ

આ ઘટનામાં FSL દ્વારા કરાયેલી તપાસમાં માત્ર બ્લડ સેમ્પલ જ પુરાવા તરીકે મળી આવ્યા છે. પોલીસને વધુ એક પુરાવો એવો પણ મળ્યો હતો કે, સલમાબાનુના પેટના ભાગે 7 જેટલા ડામ આપવામાં આવ્યા હતા. તબીબોના મતે આ ડામ હત્યાના ત્રણેક દિવસ અગાઉના હતા. જ્યારે, દાઉદસા અને સલમાબાનુના તમામ બાળકોનું કહેવું હતું કે, 4 જાન્યુઆરીના એ દિવસે સવારે 8 વાગ્યા સુધી તેના શરીર પર આવા કોઈ ડાઘ ન હતા. આ ડાઘ ક્યાંથી આવ્યા ? તેના પર પણ આજદીન સુધી રહસ્ય ઘેરાઈ રહ્યું છે.

હાલમાં પણ તપાસનો દોર ચાલુ

પોલીસ દ્વારા ઘટનાના દોઢ વર્ષ બાદ પણ હજુ નક્કર કડી મેળવવા અને આરોપીને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતા આ શખ્સ પોલીસ કરતા પણ વધારે ચાલાક હોય તેમ લાગી રહ્યું છે. ઠોસ કડી મેળવવા માટે પોલીસ દર મહિને આસપાસના લોકોને નિવેદનો લેવા માટે બોલાવી રહી છે. 4 સંતાનોની માતા આજે પણ ન્યાય માગી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.