ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમવાર ત્રિપાંખીયો જંગ, 'આપ' પણ પહેલીવાર મેદાનમાં

author img

By

Published : Oct 1, 2021, 5:35 PM IST

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમવાર ત્રિપાંખીયો જંગ

3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Municipal Corporation Election)માં મતદાન થવાનું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત 3 રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામશે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પહેલી વખત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Gandhinagar Municipal Corporation)ની ચૂંટણી લડી રહી છે. આ ચૂંટણીની અસર આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પર પણ થઈ શકે છે.

  • 3 ઓક્ટોબરના ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં મતદાન
  • પહેલીવાર 3 રાજકીય પક્ષો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડશે
  • આમ આદમી પાર્ટી પહેલીવાર ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનના ચૂંટણી મેદાનમાં

ગાંધીનગર: ગાંધીનગર કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gandhinagar Municipal Corporation Election)ને હવે ગણતરીના કલાકો જ બાકી છે. 3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન (Gandhinagar Municipal Corporation Election Voting) થવાનું છે. ગાંધીનગર કોર્પોરેશનમાં પહેલા ફક્ત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણીનો જંગ જામતો હતો, પરંતુ વર્ષ 2021માં કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન હવે 3 પક્ષ એટલે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ જામશે અને કોર્પોરેશનની ચૂંટણીમાં ઈતિહાસમાં પ્રથમ વખત ત્રિકોણીયો જંગ જામશે.

ગાંધીનગર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો વિસ્તાર

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સમગ્ર વિસ્તારનો સમાવેશ ગાંધીનગર લોકસભામાં થાય છે, ત્યારે 3 ઓકટોબરના રોજ યોજાનારી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આડકતરી રીતે અમિત શાહ ફેક્ટર પર પણ નજર રહેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પણ પરિણામ આવે તેની સીધી અસર વર્ષ 2024માં આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ દેખાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

'આપ' પ્રથમ વખત ગાંધીનગર મ્યુસિપલ કોર્પોરેશનના ચૂંટણી મેદાનમાં

આમ આદમી પાર્ટીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રીજા રાજકીય પક્ષ તરીકે ગણવામાં આવી રહી છે, જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પર આવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. સાથે જ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ સભ્ય અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ પણ ગાંધીનગરના પેથાપુરથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિસ્તારોમાં રોડ શોનું આયોજન કરીને ભારે જંગી ભીડ પણ ભેગી કરી હતી. આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 બેઠકની આસપાસ જીત મેળવશે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

ભાજપને ક્યારેય ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમતી નથી મળી

છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારનું શાસન ચાલી રહ્યું છે, ત્યારે વર્ષ 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે બહુમતીના જોરે સરકારમાં સ્થાન મેળવ્યું હતું. વર્ષ 2010માં મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકેની સત્તા ગાંધીનગરને પ્રાપ્ત થઈ હતી, ત્યારથી જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને ક્યારેય બહુમતી પ્રાપ્ત થઈ નથી. વર્ષ 2016માં યોજાયેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ જોડો-તોડો નીતિથી જ ભાજપ કોર્પોરેશનમાં સત્તા પ્રાપ્ત કરી શક્યું હતું.

2011 અને વર્ષ 2015માં યોજાઈ હતી ચૂંટણી

વર્ષ 2010માં ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને વર્ષ 2011માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પક્ષનો વિજય થયો હતો અને ત્યારબાદ વર્ષ 2015માં પણ કોર્પોરેશનની 5 વર્ષ બાદ પદ્ધતિસર અને નિયમ મુજબ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને એક સરખી 16 બેઠકો પ્રાપ્ત થઈ હતી. અંતિમ સમયે કોંગ્રેસના એક ઉમેદવાર રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ ભાજપ ગાંધીનગર કોર્પોરેશનમાં સત્તા પક્ષ તરીકે જાહેર થયું હતું.

સીમાંકન બાદ બેઠકોમાં વધારો થયો

ગાંધીનગર કોર્પોરેશનમાં પહેલા 8 વોર્ડ અને પ્રતિ વોર્ડમાં 4 બેઠકો સાથે કુલ 32 જેટલી બેઠકો માટે ચૂંટણી યોજાતી હતી, પરંતુ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાજ્ય સરકારે સીમાંકન કર્યું છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉમેરો કરતા હવે કુલ 11 વોર્ડ બનાવવામાં આવ્યા છે અને પ્રતિ વોર્ડ 4 બેઠક સાથે કુલ 44 બેઠકો ઉપર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાશે.

તમામ રાજકીય પક્ષ માટે પ્રિલિમિનરી પરીક્ષા

ગુજરાત વિધાનસભાની આવનારી વર્ષ 2022ની ચૂંટણીને હવે ગણતરીના 15 મહિના આસપાસની જ વાર છે, ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે અને પૂરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો માટે આવનારી વિધાનસભાની ચૂંટણી પ્રિલિમિનરી પરીક્ષા હોય તેવી રીતે આ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીનું પરિણામ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ અસર કરશે.

ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ અહેવાલ

આ પણ વાંચો: ગત વર્ષની જેમ આ વખતે અમારો એક પણ ઉમેદવાર જીતીને BJP માં નહીં જોડાય: સી.જે.ચાવડા

આ પણ વાંચો: ગાંધીનગરની જનતા BJPથી મુક્તિ ઈચ્છે છે, અત્યાર સુધી વિકલ્પ ન હતો, હવે AAP છે: મનીષ સિસોદિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.