ETV Bharat / city

તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત માછીમારોએ વધુ વળતરની માંગ કરી

author img

By

Published : Jul 27, 2021, 4:18 PM IST

તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત માછીમારોએ વધુ વળતરની માંગ કરી
તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત માછીમારોએ વધુ વળતરની માંગ કરી

વાવાઝોડામાં અસરગ્રસ્ત માછીમારો માટેના વળતર પેકેજમાં વધારો કરવા અને આ પેકેજમાં સમાવિષ્ટ થયા ન હોય તેવા અન્ય અસરગ્રસ્ત માછીમારોના નુકસાન સામે વળતર પેકેજ જાહેર કરવા બાબતે સૌરાષ્ટ્ર કાંઠાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા માછીમારોએ જુના સચિવાલય ફિશરીઝ કમિશ્નરને રજૂઆત કરી હતી.

  • સચિવાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા માછીમારો
  • 35 લાખની લોન આપવા પણત માંગ કરી
  • 30 લાખથી વધુ કિંમતની બોટ સામે 2 લાખની સહાય

ગાંધીનગર : તૌકતે વાવાઝોડામાં માછીમારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને લઇને સરકારે 105 કરોડનું સહાય પેકેજ પણ જાહેર કર્યું હતું. આ સહાય માછીમારોને થયેલા નુકસાન સામે પૂરતી ન હોવનું અસરગ્રસ્તોએ કહ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, અમરેલી જિલ્લાના શિયાળબેટ, કાંઠા વિસ્તાર ચાંચબંદર, ગીર સોમનાથ જિલ્લાના સૈયદ રાજપરા, નવાબંદર વગેરે સ્થળોમાં મજુરોના વિસ્તાર અને મહુવા તાલુકાના નાના બંદરોમાં અંદાજે 1 લાખથી વધુ માછીમારોને તૌકતે વાવાઝોડામાં નુકસાન થયું છે, પરંતુ આ નુકસાન સામે પેકેજ ઓછું જાહેર કરાયું હોવાથી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: માછીમારોને Tauktae cyclone માં મોટું નુકસાન, સરકારી સહાયથી અસંતુષ્ટ, સીએમને કરી રજૂઆત: પરસોત્તમ સોલંકી

30 લાખની બોટ સામે માત્ર 2 લાખ સહાય

તૌકતે વાવાઝોડામાં માછીમારોની બોટોને નુકસાન થતાં રજૂઆત કરવા આવેલા માછીમારોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, એક બોટની કિંમત 30થી 40 લાખ જેટલી છે, જેની સામે 2 લાખ કે 5 લાખ સહાય પેટે બોટ માલિકને આપવામાં આવ્યા છે. જેથી ઘટતી રકમ તેઓ પૂરી કરી શકતા નથી. ઘટતી રકમના વધુ પૈસા જોડવાના હોવાથી તેમના ધંધાને મોટું નુકસાન થયું છે. બોટ માલિક સહાય મળ્યા પછી પણ મોટી રકમની સગવડ કરી શકે તેમ નથી. આ પરિસ્થિતિ સામે દરેક માલિકોને રૂપિયા 35થી 40 લાખની લોન આપવામાં આવે તેવી તેમણે રજૂઆત કરી હતી. દરેક બોટમાં 8 લાખના સાધન સામાનનું નુકસાન સામે 35થી 75,000 વળતર જાહેર કરાયું છે. તેના સ્થાન પર 5 લાખનું વળતર આપવા તેમણે માંગ કરી છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારની જાહેરાત : માછીમારો અને સાગરખેડૂતોને વાવાઝોડામાં નુકશાન બાદ 105 કરોડનું પેકેજ

તૌકતે બાદ માછીમારો બેરોજગાર

ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના બંદરના આગેવાનો ગાંધીનગર ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અહીં રજૂઆત કરવા માટે આવેલા માછીમારોએ વધુમાં જણાવ્યું હતું કે, તૌકતે બાદ માછીમારો બેરોજગરીનો સામનો કરી રહ્યા છે. પેકેજમાં મજૂર મહિલાઓ માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. પુરુષ ખલાસીને 6 મહિના સુધી વેતન મળવું જોઈએ. આ ઉપરાંત, પગરિયા માછીમારો માટે કોઈ સહાય જાહેર કરવામાં આવી નથી. જેથી પગરિયા માછીમારોને સહાય આપવાની પણ તેમને માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.