- ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવાર પસંદગી માટે ચૂંટણી સમિતિના સભ્યો નીમ્યા
- દરેક વર્ગના પ્રતિનિધીને સ્થાન
- ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટ બનવવાની વાત લોજીકલ
ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજે ગુરુવારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને પ્રદેશ ચૂંટણી સમિતિની નવા સભ્યોની નામની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યોનો પણ સમાવેશ કરાયો છે. આ કમિટીના કુલ 13 સભ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના નામ નક્કી કરશે. આ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
પ્રશ્નઃ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના પાછળ સભ્યોની પસંદગીમાં કયો બેઝ રાખવામાં આવ્યો છે ?
જવાબઃ આ સમિતિમાં મોટાભાગે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે કે જેઓ પ્રજા સમક્ષ જઇ શકવા સક્ષમ છે. આ સમિતિમાં 5 સાંસદ, પ્રધાન, મહિલા સભ્ય, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સહિતના આગેવાનોનો સમાવેશ કરાયો છે. તમામ વર્ગના પ્રતિનિધિને સ્થાન મળે તે પ્રયાસ કરાયો છે. યુવાઓને પણ પ્રતિનિધિત્વ અપાયું છે. અનુભવી વ્યક્તિઓને પ્રથમ પસંદગી અપાઈ છે. જેથી કરીને તે સારા ઉમેદવારની પસંદગી કરી શકે.
પ્રશ્નઃ સી.આર.પાટીલ ચૂંટાયેલા પ્રતિનિધીને સંગઠનમાં સ્થાન નહીં આપવા મુદ્દે યુ-ટર્ન લઇ રહ્યા છે
જવાબઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અગાઉ ચૂંટાયેલા સભ્યોને સંગઠનમાં સ્થાન નહીં આપવાની વાત કરી હતી, પરંતુ તેમણે પ્રદેશ સંગઠનની આ વાત ધ્યાને લીધી નથી અને આ ચૂંટણી સમિતિની રચનામાં પણ ચૂંટાયેલા લોકોને સ્થાન આપ્યું છે. આ મુદ્દે યમલ વ્યાસે જણાવ્યું છે કે, આ સમિતિ એક વિશિષ્ટ બોડી છે. જેમાં અનુભવની ખૂબ જરૂર હોય છે. જેથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ચૂંટાયેલા સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રશ્નઃ કેટલાક જૂના સભ્યોની બાદબાકી કરાઈ છે, તે અંગે આપ શું કહેશો ?
જવાબઃ ભાજપ હંમેશા નવા લોકોને આવકાર આપે છે. દરેક કાર્યકરોને જુદા-જુદા કાર્ય સોંપવામાં આવે છે. જે લોકોને સમિતિમાં સ્થાન નથી અપાયું તેનો મતલબ એ નથી કે તેમનું મહત્વ ઓછું છે, પરંતુ તેમને અન્ય જવાબદારી સોંપવામાં આવી છે. દરેક અનુભવી આગેવાનને કોઈકને કોઈક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રશ્નઃ ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ ફ્રૂટ રાખવા પાછળ શું કારણ?
જવાબઃ મુખ્યપ્રધાને આ મુદ્દે કેઝ્યુઅલ કોમેન્ટ કરી હતી, પરંતુ તેની પાછળની વાત લોજીકલ હતી. જે ફ્રૂટની ઉત્પત્તિ ચીનમાં થઈ નથી અને ભારતમાં ઉગે છે, તેનું ચાઈનીઝ નામ રાખવાની જગ્યાએ ફક્ત સંસ્કૃત નામ આપવામાં આવ્યું છે. વળી તેનો દેખાવ પણ કમળ જેવો જ છે. જેથી કમળને આગળ લાવવું તે ભાજપની ઈચ્છા હોય છે.