કૃષિ સુધારાઓ આઝાદી બાદ દેશના કરોડો ખેડૂતોને પ્રગતિના પંથે લઈ જશે: પુરૂષોત્તમ રૂપાલા

author img

By

Published : Dec 14, 2020, 4:40 PM IST

પુરુષોત્તમ રૂપાલા

કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા કૃષિ સુધારા બિલ -2020 અંતર્ગત 'The Farmers' Produce Trade and Commerce Bill અને 'The Farmers Agreement of Price Assurance and Farm Services Billમાં ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તેવી એક પણ જોગવાઈ નથી. રાજકીય વિરોધીઓ ફક્ત અને ફક્ત રાજકીય રોટલા શેકવા માટે દેશના કરોડો ખેડૂતોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય અંગે અપપ્રચાર કરી ભ્રામકતા ફેલાવી રહ્યા છે.

  • કૃષિ સુધાર બિલમાં ફક્ત અને ફક્ત ખેડૂતોના હિતોની વાત છે: રૂપાલા
  • 'વચેટીયાઓ જે ખેડૂતની મહેનતની કમાણી લઇ જતા હતા તેઓ ખેડૂતોને ડરાવે છે'
  • 'કૃષિ સુધારા બિલમાં ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તેવી એક પણ જોગવાઈ નથી'

ગાંધીનગર: દેશ આઝાદ થયો ત્યારથી જ દેશના રાજકારણમાં 'ખેડૂત' શબ્દનો ખૂબ જ ઉપયોગ થયો છે. તેમાં એક માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા નેતા છે જેમણે દેશના કરોડો ખેડૂતોની આવક બમણી કરવા અંગે નિવેદન કર્યું અને તેને પરિપૂર્ણ કરવા ખેડૂતો માટે અનેકવિધ ઐતિહાસિક નિર્ણય તેઓ કરી રહ્યા છે.

કોંગ્રેસ દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરી કરી રહી છે: રૂપાલા

પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, 2004માં બનાવવામાં આવેલા 'સ્વામીનાથન આયોગ'ના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરનાં ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતાં. 10 વર્ષ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી પણ તેમણે આ અંગે કંઈ ન કર્યું. હવે દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ કૃષિ સુધારાઓ થકી એક સૂચક પગલું ભર્યું છે.

કૃષિ સુધારાઓ આઝાદી બાદ દેશના કરોડો ખેડૂતોને પ્રગતિના પંથે લઈ જશે

ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી: રૂપાલા

પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, આ કૃષિ સુધારા બિલ અંગે રાજકીય વિરોધીઓ દ્વારા એવું કહીને દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે, તેના અમલથી કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોની જમીન વેપારીઓ અને ઉદ્યોગપતિઓને આપી રહી છે. પરંતુ તથ્ય એ છે કે, આ બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી. ખેડૂત પોતાની જમીન ઉપર ઉગનારી પેદાશના ભાવ અંગેનો કરાર વેપારી કે કંપની સાથે કરી કાયદાકીય સુરક્ષા સાથે વધુ સારું આર્થિક ઉપાર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ કંપની કે વેપારી ખેડૂત સાથે થયેલા કરારમાં કોઈ ચૂક કરે તો ખેડૂત સ્થાનિક SDMને ફરિયાદ કરી શકશે. જેનો 30 દિવસમાં નિકાલ કરી ખેડૂતને વળતર અપાવવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. આમ આ બિલમાં ખેડૂતોને કાયદાકીય સુરક્ષા સાથે ખેડૂતોના હિતોનું રક્ષણ થાય તે પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે.

કૃષિ સુધાર બીલથી MSPને કોઈ અસર નહીં

પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, કોંગ્રેસ સહિતના રાજકીય વિરોધીઓ ટેકાના ભાવથી (MSP) ખેડૂતોની પેદાશોની ખરીદી કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા બંધ કરી રહી છે તેવો દુષ્પ્રચાર કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ કૃષિ સુધારા બિલને MSP સાથે કોઈ જ લેવાદેવા નથી. MSPથી ખેતપેદાશોની ખરીદી થઈ રહી છે અને આગળ પણ થતી રહેશે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં, ચણા દાળ, મસૂર, રાઈ, તેલીબિયાં સહિતના રવિ પાકના MSP-ટેકાના ભાવમાં કરાયેલો વધારો કેન્દ્ર સરકાર ટેકાના ભાવથી ખેતપેદાશોની ખરીદી બંધ કરી રહી છે તેવો અપપ્રચાર કરનારી કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોને જડબાતોડ જવાબ છે.

ટેકાના ભાવની ખરીદીમાં 40 ટકાનો વધારો

પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાશનમાં વર્ષ 2013-14માં ડાંગરની MSP રૂ.1310, ઘઉંની રૂ.1350, મગફળીની રૂ.4000, રાયડાની રૂ.3050 પ્રતિ કવિન્ટલ હતી. જેની સામે પીએમ મોદીના શાશનમાં વર્ષ 2020-21 માં ડાંગરની MSP રૂ.1,868/-, ઘઉંની રૂ.1,925/-, અને વર્ષ 2019-20ના આંકડાઓ પ્રમાણે મગફળીની MSPથી ખરીદીનો ભાવ રૂ. 5275/- રાયડાની રૂ 4650/- પ્રતિ કવિન્ટલ છે. ભાજપાની કેન્દ્ર સરકારે છેલ્લાં 6 વર્ષમાં ખેડૂતોના હિતમાં જુદા જુદા પાકોની MSPમાં અંદાજીત 40 ટકા જેટલો વધારો કર્યો છે. દાળ, મસૂર, મગ જેવા ઉત્પાદોની લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી 2013-14માં કોંગ્રેસના શાશનમાં તો થતી જ ન હતી, જ્યારે ભાજપાના શાશનમાં તેની પણ MSPથી ખરીદી કરવામાં આવી છે.

ગુજરાતમાં પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વની ભાજપ સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષમાં રૂ. 15 હજાર કરોડથી વધુના મૂલ્યની ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી કરી છે. આમ, ભાજપની સરકારમાં ખેત ઉત્પાદોની MSPમાં પણ નોધપાત્ર વધારો કરવામાં આવ્યો છે અને રેકોર્ડબ્રેક માત્રામાં MSPથી ખરીદી પણ થઈ છે. ખેડૂતોનો હંમેશા વોટબેંક તરીકે ઉપયોગ કરનારી કોંગ્રેસ કે જે, ખેડૂતોની દુર્દશા માટે જવાબદાર છે તે આજે ખેડૂત આંદોલનને પોતાના રાજકારણનું માધ્યમ બનાવી રહી છે તે લાજવાના બદલે ગાજી રહી છે.

UPA સરકાર કરતા વર્તમાન સરકારે ટેકાના ભાવે 74 ગણી ખરીદી કરી

કોંગ્રેસની UPA સરકારની વર્ષ 2009થી 2014ની રૂપિયા 3.74 લાખ કરોડની ડાંગર અને ઘઉંની MSPથી ખરીદી સામે છેલ્લા 6 વર્ષમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા ડાંગર અને ઘઉંની MSPથી અંદાજે રૂપિયા 8 લાખ કરોડની એટલે કે કોંગ્રેસની સરકાર કરતા બમણાં કરતા પણ વધુની ટેકાના ભાવથી ખરીદી કરી છે. યુપીએ-2 માં 1.52 લાખ મેટ્રિક ટન કઠોળની ટેકાના ભાવથી ખરીદી થઈ હતી તેની સામે છેલ્લા 6 વર્ષમાં ભાજપની સરકાર દ્વારા 112 લાખ મેટ્રિક ટન કઠોળની MSPથી વિક્રમજનક ખરીદી કરવામાં આવી છે જે કોંગ્રેસની સરકાર કરતા 74 ગણી વધુ છે.

APMCની વ્યવસાથા ચાલુ જ છે: રૂપાલા

પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, વર્તમાન વ્યવસ્થામાં દેશભરના ખેડૂતો પોતાના વિસ્તારની આસપાસની સ્થાનિક APMCમાં પોતાની ખેત પેદાશનું વેચાણ કરે છે, APMC સુધારા બિલ દ્વારા દેશના કરોડો ખેડૂતો સ્થાનિક APMC સહિત દેશભરમાં જે કોઈપણ સ્થળે તેમને વધુ અને યોગ્ય ભાવ મળતો હોય તે વેપારીને ખેત પેદાશ વેચી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા આ કૃષિ સુધારાઓનો એકમાત્ર ઉદ્દેશ અન્નદાતા એવા દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો, તેમની આવક બમણી કરવાનો છે. કૃષિ સુધારા બિલમાં ફક્ત અને ફક્ત ખેડૂતોના હિતોની વાત છે. તેમાં એક પણ બાબત એવી નથી કે જેનાથી ખેડૂતને નુકસાન વેઠવું પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર તેમજ અન્ય વરિષ્ઠ પ્રધાનોએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે, MSPથી ખેડૂતોની ઉપજની ખરીદી, APMCની વ્યવસ્થા ચાલુ છે અને આગળ પણ ચાલુ જ રહેશે.

કેન્દ્ર સરકાર કૃષિ સુધારા અંગે ખેડૂતોની તમામ શંકાઓ દૂર કરવા તૈયાર: રૂપાલા

પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મને વાતચીત કરી કૃષિ સુધારાઓ અંગે રહેલી તમામ શંકાઓને દૂર કરવા તૈયાર છે. આજે ખેડૂતોને હાથો બનાવીને કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો ખેડૂતોને ભ્રમિત કરી નિમ્નસ્તરનું રાજકરણ કરી રહ્યાં છે, ખેડૂતોનું અહિત કરી રહ્યાં છે. પીએમ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હૈયે સદાયે ખેડૂતોનું હિત વસેલું છે, તેમના દ્વારા લેવાયેલું એક - એક પગલું ખેડૂતોના ઉત્થાન માટે છે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત અને દેશના અન્ય રાજ્યના ખેડૂતવિરોધી તત્વોના ભ્રામક અપપ્રચારમાં આવશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.