ETV Bharat / city

ઝવેરચંદ મેઘાણીની જન્મથી મરણ સુધીની યાદગાર પળો : રાજકવિના મુખે મેઘાણી માટે શું હતા શબ્દો

author img

By

Published : Aug 27, 2021, 11:20 PM IST

Updated : Aug 28, 2021, 4:21 PM IST

સૌરાષ્ટ્રનું સાહિત્ય એટલે "ઝવેરચંદ મેઘાણી". તેમની 125મી જન્મ જયંતિએ તેમના જીવન ઝરમરને ટૂંકી રીતે રજૂ કર્યો છે. ઝવેરચંદ મેઘાણીના જન્મથી તેમના જીવનસફરના છેલ્લા દિવસ સુધીમાં 88 પુસ્તકો તેમને લેખન કર્યા હતા. લીમડી સ્ટેટના રાજકવી વ્યાખ્યાનમાં આવેલા ચારણો અને ગઢવી વિદ્વાનો વચ્ચે શું કહ્યું સમજવા જેવું છે. ઝવેરચંદ મેઘાણીએ પોતાને "ટપાલી" ઉપનામ વ્યાખ્યાનમાં આપ્યું. વાંચો ઝવેરચંદ મેઘાણીજીની ટૂંકી યાદગાર સફર.

ઝવેરચંદ મેઘાણીની જન્મથી મરણ સુધીની સફર અને ટૂંકા યાદગાર પળો
ઝવેરચંદ મેઘાણીની જન્મથી મરણ સુધીની સફર અને ટૂંકા યાદગાર પળો

  • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 28 ઓગસ્ટ 125મી જન્મજયંતી
  • સુરેન્દ્રનગરના ચોટીલા જેવા ગામમાં 28 ઓગસ્ટ 1896માં થયો હતો જન્મ
  • લીંબડી સ્ટેટના રાજકવીએ મેઘાણીને કહ્યું હતું કે અમને તો મૂંગામંતર કરી દીધા
  • લોકસાહિત્યથી લઈને પત્રકારત્વ સુધીની સફર અને જીવન દરમ્યાન 88 પુસ્તકોનું લેખન

ન્યૂઝ ડેસ્ક : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયતી છે ત્યારે સૌરાષ્ટ્રની રસધાર કહેવાતા ઝવેરચંદ મેઘાણીનો જન્મ ઇ.સ 1896માં સુરેન્દ્રનગરના ચોટીલા ગામે 28 ઓગસ્ટના રોજ થયો હતો. "આજ મને લાગ્યો કસુંબીનો રંગ" સાહિત્યની કડી 21મી સદીના યુવાનોના મુખે અને કાનોમાં હજુ ગુંજી રહી છે ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ETV BHARAT હૃદયપૂર્વક અંજલિ અર્પણ કરે છે.

ઝવેરચંદ મેઘાણીજીની લોકસાહિત્ય સફર,પ્રતિભા અને લોકચાહના
સૌરાષ્ટ્રની ધરાનો એવા તારલો જેને આજે પણ નમન કરવાનું મન થાય છે વાત છે ઝવરચંદ મેઘાણીની જેમની 28 ઓગસ્ટ એટલે આજે જન્મજયંતી છે ઝવેરચંદ મેઘાણીની જીવન ઝરમર યાત્રાની ટૂંકી વિગત જોઈએ તો રસથી ભરેલી છે. દાયકાઓથી સાહિત્ય ક્ષેત્રે લોકચાહના ધરાવનાર ઝવેરચંદ મેઘાણીની રચનાઓ પાળિયાને પણ બેઠા કરે તેવી છે. લોકસાહિત્યના મોતીડાં ઘરે ઘરે પાથરનાર ઝવેરચંદ મેઘાણીનો નાતો ભાવનગર સાથે પણ જોડાયેલો છે. મેઘાણી ઇ.સ. 1912 થી 1916 દરમ્યાન સંસ્કૃત અને અંગ્રેજીનો પાઠ શામળદાસ આર્ટ્સ કોલેજમાં ભણ્યા હતા. શામળદાસથી તેમને સ્નાતકની પદવી મેળવી હતી.

ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના એક એક ગામડાઓ ખૂંદવાનું બાકી નથી રાખ્યુ. દુર્લભ અને ઐતિહાસિક સાહિત્યનું સંકલન કરવાનું શ્રેષ્ઠ કાર્ય તેમને ગામડાઓથી પૂર્ણ કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયો, સોરઠી સંતો, માણસાઈના દિવા, ધરતીનું ધાવણ જેવી અનેક રચનાઓ કરી છે. આ રચનાઓથી લોકોમાં પ્રેમભાવના, કરુણા, દયા અને ખાનદાનીના પાઠ લોકોને ભણવા મળ્યા છે. કવિ, લેખક, પત્રકાર વિવેચક અને લોકસાહિત્ય સહિત સંશોધક અને સંપાદક જેવી લોકપ્રતિભા ધરાવતા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હતા. ત્યારે તેમની જન્મજયંતીએ તે કેવી રીતે વિસરાય.

ઝવેરચંદ મેઘાણીજીની માતાપિતા અને તેમના સંસ્કારબીજ કયાના
સુરેન્દ્રનગરના ચોટીલા જેવા ગામમાં 28 ઓગસ્ટ 1896માં જન્મનાર ઝવેરચંદ મેઘાણીજીના પિતાનું નામ કાળીદાસ અને માતાનું નામ ધોળીબાઈ હતું. મૂળ અમરેલી જિલ્લાના બગસરાના વતની અને વણિક પરિવારના ઝવેરચંદ મેઘાણીના પિતા બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોઝદાર હતા. પિતા પોલીસ એજન્સીના અમલદાર હોવાથી બદલીના કારણે મેઘાણીજીના પરિવારે સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થળોએ વસવાટ કર્યો હતો. ઝવેરચંદ મેઘાણીજીનો અભ્યાસનો પ્રારંભ રાજકોટથી થઈ અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં પૂર્ણ થયો હતો. તેજસ્વી વિદ્યાર્થીમાં ઝવેરચંદ મેઘાણી સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીના સંસ્કારબીજ અભ્યાસકાળ દરમ્યાન જ વવાઈ ગયા હતા.

ઝવેરચંદ મેઘાણીના ચશ્મા
ઝવેરચંદ મેઘાણીના ચશ્મા



ઝવેરચંદ મેઘાણીની નોકરી, બંગાળી ભાષા અને વતન પરતની યાત્રા બાદ પત્રકારત્વ
ઝવેરચંદ મેઘાણી M.Aનો અભ્યાસ અધૂરો છોડી તેઓ કલકત્તા ખાતે જીવણલાલ એન્ડ કમ્પનીની પેઢીમાં નોકરી સ્વીકારી હતી. બંગાળી ભાષા અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરજીના પરિચયમાં આવ્યા હતા. બાદમાં અનેક બંગાળી ગીતોનું ગુજરાતી ભાષાંતર અને ભાવાનુવાદ કરી રવિન્દ્ર વીણા નામનો કાવ્યસંગ્રહ ભાવિ પેઢીને અર્પણ કરી ગયા છે. વતનનો સાદ સાંભળીને પરત આવી સૌરાષ્ટ્રમાં સ્થાયી થયા બાદ "સૌરાષ્ટ્ર" અને " ફૂલછાબ" અખબારમાં સૌ પ્રથમ પત્રકાર અને બાદમાં તંત્રી તરીકેની પ્રશંસનીય કામગીરી બજાવી હતી. આ કામગીરી દરમિયાન તેમને પત્રકાર જગત ક્ષેત્રે અલગ ભાત ઉભી કરી હતી.



ઝવેરચંદ મેઘાણીનું વ્યાખ્યાન અને રાજકવિના શબ્દો બાદ મેઘાણીજીએ કહ્યું " હું તો ટપાલી છું"
ઇ.સ. 1940માં ઝવેરચંદ મેઘાણીએ રાજકોટ ખાતે હિન્દ ચારણ સંમેલન મળ્યું અને તેમાં હાજરી આપીને વ્યાખ્યાન માટે આમંત્રણ હોવાથી વ્યાખ્યાન પૂરું પાડ્યું હતું. સંમેલનમાં સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ સહિત અનેક સ્થળોએથી વિદ્વાન ચારણ ગઢવી કવિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સંમેલનમાં ઝવેરચંદ મેઘાણીએ પોણા બે કલાક વાણીનો ધોધ વહેતો કરતા વિદ્વાનો પણ મંત્રમુગ્ધએ સાંભળતા રહ્યાં હતાં.

સભા ગજવતા મેઘાણી
સભા ગજવતા મેઘાણી
સંમેલન સમય બાદ લીમડી સ્ટેટના રાજકવિ અને વિદ્વાન ચારણ સાક્ષર શંકાદાનજીએ કહ્યું " ઝવેરચંદ મેઘાણી, હવે કળજુગ પૂરે પૂરો આવ્યો" મેઘાણીજીએ પૂછ્યું " કેમ બાપા, એમ બોલો છો?" રાજ કવિ શંકરદાનજીએ કહ્યું," અમે દેવીપુત્રો અહીં મોટી સંખ્યામાં બેઠા છીએ અને એક વાણિયાનો દીકરો અમને અમારા સાહિત્યનું મહત્વ એવી રીતે સમજાવતો રહ્યો કે અમે હોકાની ઘૂંટ લેવાનુંય વિસરી ગયા અને મૂઢ બનીને સાંભળતા જ રહ્યાં. બાપ, વાણિયા પાસે તો અમે હિસાબ લખાવવા આવીએ, કાગળપત્ર વંચાવવા આવીએ અને તે અમોને બધાને મૂંગામંતર કરી દીધા, પૂતળા બનાવી મુક્યા તે કળજુગ નહીં તો બીજું શું ?" ઝવેરચંદ મેઘાણીજીએ તેનો ખૂબ સરસ જવાબ વિવેકથી આપ્યો " હું તો ચારણનો ટપાલી છું બાપુ. એક ઠેકાણાની ટપાલ બીજે ઠેકાણે વહેંચતો ફરું છું. મારું પોતાનું તો આમાં કાંઈ નથી" મેઘાણીજીનો આ નમ્રતામાં વર્ષોનો દેશ પરદેશનો ઊંડો અભ્યાસ લોકસાહિત્યનો છૂપો રહ્યો નથી.



ઝવેરચંદ મેઘાણીજીએ કેટલા પુસ્તકોનું સર્જન કર્યું અને શું શું એમાં અને જીવનની છેલ્લી ક્ષણ
ઝવેરચંદ મેઘાણીજીએ પોતાના જીવન દરમ્યાન નવલકથા, નવલિકા, જીવન- ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ વર્ણન, સંશોધિત સંપાદિત લોકસાહિત્ય,વિવેચન, લોકકથા અને લોકગીત જેવા અનેક વિષયો પર 88 જેટલા પુસ્તકોનું લેખન પ્રગટ કરેલું છે. આ બધી રચનાઓ ખૂબ પ્રગટ થવાની સાથે આવકાર પણ પામી છે. લોકસાહિત્ય સંશોધન કાર્ય માટે તેમને ગુજરાતી ભાષાની સેવા માટે અપાતો શિરમોર એવો સર્વ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેઓની સ્મૃતિમાં ભારતીય ટપાલ વિભાગે ઇ.સ 1999માં ટપાલ ટિકીટ પણ બહાર પાડવામાં આવી હતી. ઝવેરચંદ મેઘાણીજીનું જીવન સફરનો પૂર્ણવિરામ બોટાદ થયો હતો. 9 માર્ચ 1947ની મધ્ય રાત્રીએ હૃદયરોગના હુમલાના કારણે તેમનું દેહાવસાન થયું હતું.

ઝવેરચંદ મેઘાણીની કલમ
ઝવેરચંદ મેઘાણીની કલમ

મેઘાણીનું સાહિત્ય

મેઘાણીએ નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ-વર્ણન તેમજ સંશોધિત-સંપાદિત લોકસાહિત્ય, વિવેચન,લોકકથા અને લોકગીત જેવા વિવિધ વિષયોના અનેક રચનાઓ ઇતિહાસમાં કંડારી દીધી છે. જેમાં સૌથી વધુ પ્રખ્યાત, ડોશીમાની વાતો, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીયા, કંકાવટી, દાદાજીની વાતો, સોરઠી સંતો, સોરઠી ગીતકથાઓ, પુરાતન જ્યોત, રંગ છે બારોટ, સત્યની શોધમાં, નિરંજન, વસુંધરાનાં વહાલાં દવલાં, સોરઠ, તારાં વહેતાં પાણી, સમરાંગણ, અપરાધી, વેવિશાળ, રા' ગંગાજળિયો‎, બિડેલાં દ્વાર, ગુજરાતનો જય, તુલસી-ક્યારો, ગુજરાતનો જય, પ્રભુ પધાર્યા, કાળચક્ર, ચારણ-કન્યા, લમાળ, કોડિયું, છેલ્લી પ્રાર્થના, મોર બની થનગાટ કરે, ઘણ રે બોલે ને, છેલ્લો કટોરો, ઝાકળબિંદુ કવિતા અને અનેક રચનાઓ આજે પણ મેઘાણીને નજર સામે ઉભા કરી દે છે.

લોકસાહિત્યના મહેરામણ એવા ઝવેરચંદ મેઘાણીની આજે સમગ્ર દેશમાં 125મું જન્મજયંતિ ઉજવાઇ રહી છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સાહિત્યને આજે ચાલો વાંચીએ અને સૌને વાંચવા માટે પ્રોત્સાહિત પણ કરીએ.

Last Updated :Aug 28, 2021, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.