ETV Bharat / city

સાણંદના બે બહેનોને માતા યશોદા એવોર્ડથી કરાશે સન્માનિત

author img

By

Published : Oct 1, 2020, 12:33 PM IST

ahmedabad
અમદાવાદ

ગુજરાત સરકાર રાજ્યની મહિલાઓનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે માટે હંમેશા કટિબદ્ધ છે. આ દિશામાં ગુજરાતમાં પરિણામલક્ષી નક્કર પગલાંઓ પણ લેવામાં આવ્યા છે. રાજ્યની મહિલાઓ આર્થિક રીતે પગભર બને આરોગ્યપ્રદ જીવન જીવે તથા વહીવટી તેમજ નિર્ણય પ્રક્રિયામાં સહભાગી થાય તે માટે વિવિધ વિભાગોની યોજનાઓમાં મહિલા કલ્યાણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે.

અમદાવાદ : ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી માનવીના સાંસ્કૃતિક અને સામાજિક વિકાસમાં મહિલાઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. સશક્ત નારી તંદુરસ્ત સમાજનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સહી પોષણ-દેશ રોશન’’ના સંકલ્પને ચરિર્તાથ કરવા સુપોષણ અભિયાનની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકજાગૃતિના ભાગરૂપે આંગણવાડીની બહેનો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. જે ઉત્તમ કામગીરી કરે છે તેનું સન્માન કરવું તે આપણી ભારતીય પરંપરા છે.

ahmedabad
સાણંદના બે બહેનોને માતા યશોદા એવોર્ડથી કરાશે સન્માનિત


રાજય સરકાર દ્વારા ખુબ જ સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગરને માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. ICDSમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર એ કચેરી વચ્ચેની અગત્યની કડી છે. તેઓને પ્રોત્સાહિત કરવા માટે અને ICDS ની સેવાઓની પહોંચને મજબુત કરવા અમદાવાદ સ્થિત ટાગોર હોલ ખાતે 2 ઓક્ટોબરના રોજ યોજાનાર સમારોહમાં વર્ષ 2018-19 માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનને માતા યશોદા એવોર્ડથી સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાશે.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ ઉત્તમ કામગીરી કરનાર સાણંદ તાલુકાની આ વર્ષે પસંદગી કરવામાં આવી છે. જેનાં ઘટક -1 ની આંગણવાડી સંભાળનાર અલ્કાબહેન પટેલને શ્રેષ્ઠ કાર્યકર તરીકે રૂપિયા 31,000/- અને તેડાગર તરીકે હંસાબહેન રહેવરને રૂપિયા 21,000/-નો રોક્ડ પુરસ્કાર સાથે માતા યશોદા એવોર્ડ આપવામાં આવશે.

આ અંગે પોતાની કામગીરી પ્રત્યે હરખ વ્યકત કરતા અલ્કાબહેન કહે છે કે "અમે બંને બહેનો 7 વર્ષથી આ આંગણવાડી સાથે જોડાયા છીએ, અને વખતો વખતની માર્ગદર્શિકા અનુસાર અમો અમારી કામગીરી સુપેરે નિભાવીએ છીએ. ગયા વર્ષે નંદઘરમાં 50 બાળકો હતા, બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમનું પાયાનું ઘડતર કરવાની અમને આ સરસ તક મળી છે. ગામની દરેક કિશોરીઓ, મહિલાઓ,સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને તથા બાળકોને પોષણયુકત આહાર સાથે યોગ્ય માર્ગદર્શન મળે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. તેમજ સરકાર તરફથી પુરક પોષણ આહાર તરીકે આપવામાં આવતા પ્રીમિક્ષ લોટમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવડાવીને તેની હરિફાઇ પણ રાખવામાં આવે છે."


આંગણવાડીમાં આવતા બાળકોને કેવા પ્રકારની વિશેષ પ્રવ્રૃતિઓ કરાવો છો એ વિશે જણાવાતા તેઓ કહે છે કે "અમે નંદઘરમાં તમામ તહેવાર અને દિન-વિશેષની ઉજવણી કરીને વિવિધ રમતો સાથે બાળકોને તેનાથી સમજણ આપીએ છીએ. જેમાં સમૂહ ભાવના વિકસે તે માટે સમૂહમાં પ્રાથના, ગાન રમતો સાથે ભણતર કરાવીએ છીએ."
હાલ કોરોનાની મહામારીના કપરા સમયમાં ઘરે-ઘરે જઇને બાળકો, સગર્ભા માતાઓ અને ઘરનાં તમામ સભ્યોનો COVID-19 નો સર્વે આંગણવાડીના બહેનો દ્વારા જ કરવામાં આવ્યો હતો. એ વિશે જણાવતા અલકાબહેન જણાવે છે કે, અમદાવાદ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગની સાથોસાથ આઇ.સી.ડી.એસ વિભાગની આંગણવાડી બહેનો ખભેખભા મિલાવી કામગીરી કરી રહી છે. સાણંદ તાલુકાના તમામ ગામનો સર્વે આંગણવાડીની બહેનો તથા આરોગ્ય શાખાની આશા વર્કસ બહેનોએ સાથે રહીને કરેલ છે. જેમાં દરેક બહેનોએ ટીમ બનાવીને દરેક ઘરે જઇને લોકોનું ટેમ્પરેચર માપવાનું, ખાસી, શરદી, તાવ શરીરમાં દુઃખાવો, શ્વાસમાં મુશ્કેલી પડતા વ્યક્તિઓની વિગતોનો સર્વે હાથ ધર્યો હતો અને કોરોના અંગે સાવચેતી કેવી રીતે રાખવી તે અંગે સમજણ આપવામાં આવી હતી. મહામારીથી બચવા માટે સ્વચ્છતા જાળવે,સાબુ-સેનીટાઇઝરથી હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો, ભીડમાં ન જવું-કામ વિના બહાર ન જાય, ગરમ પાણી પીવે. જેવી સલાહ આપી લોકજાગૃતિનું કામ પણ અમારી બહેનોએ કર્યું છે.

આ સર્વે દરમ્યાન જો કોઇને કંઇ બિમારી હોય તો આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા મોકલવામાં આવે છે. આરોગ્ય કેન્દ્ર દ્વારા અપાયેલ ઉકાળા, આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ નિયમિત રીતે લોકો પીવે તે અંગે માહિતી આપવામાં આવી હતી. સાથેસાથે બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. આ સાથે દરેક ઘરનો સર્વે થયા બાદ તે ઘરને નંબર આપવામાં આવ્યો છે. તથા ફરીવાર તેનું ચેકિંગ પણ કરવામાં આવે છે. કોવિડ સેન્ટર પર જે નગરિકોને ટેસ્ટ કરાવવો હોય તે ફ્રી માં ટેસ્ટ કરાવી શકે તેવી સુવિધા પણ ઉભી કરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક માહિતી આંગણવાડી થકી પુરી પાડવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.