ETV Bharat / city

અમદાવાદની આ જગ્યાના દિવાઓ વિદેશોમાં પણ આપે છે રોશની, જાણો તેમના વિશે...

author img

By

Published : Oct 31, 2021, 5:35 PM IST

દિવાળીને (Diwali 2021 ) માત્ર ગણતરીના જ દિવસો રહ્યા છે, ત્યારે દિવાળીના સમયે ઘરમાં કે અન્ય જગ્યાએ દિવા ન દેખાય તો અચરજ લાગે છે. ટેકનોલીજીના સમયમાં ઇલેક્ટ્રોનિક દિવડાઓ જોવા મળી રહ્યા છે, પરંતુ માટીના દિવડાની પણ માંગ એવી જ છે. જેને લઈને આ દિવા માટેના કોડિયા કેવી રીતે બનાવવામાં આવે છે અને હાલના સમયમાં ઉત્પાદકો કેવી પરિસ્થિતિમાંથી પસારહ થઈ રહ્યા છે તે અંગે ખાસ અહેવાલ...

અમદાવાદની આ જગ્યાના દિવાઓ વિદેશોમાં પણ આપે છે રોશની
અમદાવાદની આ જગ્યાના દિવાઓ વિદેશોમાં પણ આપે છે રોશની

  • અમદાવાદના સરખેજમાં બને છે લાખોની મોઢે દિવા
  • સરખેજનો પ્રજાપતિ સમાજ દિવા બનાવવાના કાર્ય સાથે જોડાયેલો છે
  • આ દિવા વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે

અમદાવાદ : દિવાળીનો (Diwali 2021 ) તહેવાર રોશની સાથે સંકળાયેલો છે, આજે ઇલેક્ટ્રોનિક રોશનીના સમયમાં કોડીયાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતો પ્રજાપતિ સમાજ આજે પણ કોડિયા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેઓ આખું વર્ષ કોડીયા બનાવતા હોય છે, જેનું વેચાણ સમગ્ર ભારત ઉપરાંત વિદેશોમાં પણ કરવામાં આવે છે.

અમદાવાદની આ જગ્યાના દિવાઓ વિદેશોમાં પણ આપે છે રોશની

કોડિયા બનાવવા વપરાય છે ચીનાઈ માટી

15 વર્ષથી માટી કામ સાથે સંકળાયેલા લાભુભાઈ પ્રજાપતિએ ETV Bharatને જણાવ્યું હતું કે, તેઓ કોડિયામાં 80 થી 100 જેટલી વેરાઈટીઓ બનાવે છે. આ સાથે જ ચાની પ્યાલી જેવી માટીની અન્ય વસ્તુઓ પણ બનાવે છે. તેઓ વર્ષે 30 લાખ જેટલા કોડિયા બનાવે છે. આ ઉપરાંત તેમનું કહેવું છે કે, ગયા બે વર્ષમાં કોરોનાને કારણે તેમનો વ્યવસાય ઠપ રહ્યો હતો. આ ઉપરાંત, ચાલુ વર્ષે વરસાદમાં પણ તેમને નુકશાન રહ્યું હતું. જો કે દિવાળીમાં કોડિયાની સારી માંગ રહે છે. આ વર્ષે પણ બજારમાં કોડિયાની સારી માંગ છે.

કાચો માલ મોંઘો થયો

લાભુભાઈએ જણાવ્યું હતું કે, કોડિયા બનાવવા માટે મોરબી અને થાનથી માટી મંગાવવી પડતી હોય છે. જે સામાન્ય રીતે 1500 રૂપિયાના ભાવે મળતી હોય છે, પરંતુ આ વખતે 2200 રૂપિયા ટનના ભાવે મળી છે. જેથી હોલસેલ માર્કેટમાં કોડિયાના ભાવમાં પ્રતિ નંગ દસ પૈસાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ ચાઈનાથી આવતા માલમાં ઘટાડો થતા આ વખતે સ્થાનિક બજારોમાં સ્વદેશી વસ્તુઓની માંગ વધી છે. જેનો લાભ તેમને પણ મળ્યો છે.

ઘર સાચવતા સાથે કામ

લાભુભાઈના કારખાનામાં પાંચથી-સાત વ્યક્તિઓ કામ કરે છે. કોડીયા બનાવવામાં મહિલાઓ મોટા પાયે સંકળાયેલી છે. કોડિયા બનાવવાના કાર્ય સાથે સંકળાયેલા પારુલબેન પરમાર જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા સાત વર્ષથી આ કામ સાથે સંકળાયેલા છે. આ વર્ષે ચોમાસું ખરાબ જવાથી અત્યારે તેઓ ઓવરટાઈમ કરીને કોડિયા બનાવી રહ્યા છે. તેઓ દરરોજ 3500 થી 4000 જેટલા કોડિયા બનાવે છે. જેમાં તેમને દિવસના 400-500 રૂપિયાની આવક થાય છે.

કેવી રીતે બને છે કોડિયા ?

પારુલબેને જણાવ્યું હતું કે, સૌપ્રથમ માટી આવતા તેને ચોરસ ચોસલામાં કાપીને તેને સુકવી દેવામાં આવે છે, ત્યારબાદ તેને ડાંઇંગ મશીન પર લઈ જઈ છાપ પાડીને કોડિયા બનાવાય છે. બાદમાં તેને ભઠ્ઠીમાં પકવીને કોડિયા તૈયાર થાય છે. કોડિયાને વધુ આકર્ષક બનાવવા અને એક્સપોર્ટ માટે તેની અંદર મીણ ભરાય છે. તેની ઉપર હાથ દ્વારા જુદા જુદા રંગની ડિઝાઇન અને સ્ટોન વર્ક પણ કરવામાં આવે છે.

એક્સપોર્ટના કન્ટેનર મોંઘા

કોડિયાના વ્યવસાય સાથે 12 વર્ષથી સંકળાયેલા સુરેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ વર્ષે દિવાળી સારી રહી છે. તેમના કોડિયા યુકે, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને મલેશિયા જેવા દેશોમાં નિકાસ થાય છે. જો કે કન્ટેનરના ભાવ જે બજારમાં 3500 ડોલર હતા, તે દસ હજાર ડોલર આપતા પણ મળતા નથી, આથી આ વર્ષે નિકાસમાં તેમને તકલીફ પડી છે.

લોકોના ઘરમાં ઉજાસનો સંતોષ

કોડિયાના આર્ટવર્ક સાથે સંકળાયેલા સુનીતાબેને જણાવ્યું હતું કે, તેઓ કોડિયાની અંદર મીણ ભરવાનું, તેના પર પેઇન્ટિંગ કરવાનું, તેના પર સ્ટોન લગાવવા તેમજ પેકીંગ જેવા કાર્ય કરે છે. તેમના બનાવેલા કોડિયા દેશ-વિદેશોમાં ઉજાસ પાથરે છે, જેથી તેમને આ કામ કરવાનો આનંદ આવે છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.