રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત

author img

By

Published : Jul 12, 2022, 9:42 AM IST

Updated : Jul 12, 2022, 2:03 PM IST

રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત

રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ક્યાંક લોકોના ઘરમાં પાણી ઘૂસી (Heavy Rain in all over Gujarat) ગયા છે. તો ક્યાંક તો અંડરપાસ બંધ થઈ ગયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તે અંગે જોઈએ એક અહેવાલ.

અમદાવાદઃ શહેરમાં ભારે વરસાદના કારણે (Heavy Rain in Ahmedabad) જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ પાલડી મુખ્ય કન્ટ્રોલ રૂમ (Chief Secretary visited Paldi Control Room) પહોંચ્યા હતા. અહીં તેમણે દરેક વિસ્તારની સમીક્ષા કરી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે આદેશ આપ્યા હતા. જોકે, રવિવારે રાત્રે પડેલા ત્રણ કલાકના વરસાદે મ્યુનિસિપલ તંત્રની પોલ ખોલી નાખી હતી. આટલા સમયગાળામાં આખું શહેર પાણીપાણી થઈ ગયું હતું. બીજી તરફ હજી પણ ભારે વરસાદની આગાહી છે.

પાણી નીતરતા વાર લાગી - અમદાવાદમાં શેરીઓ, સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેને નીતરતાં 12 કલાકથી વધુનો સમય લાગી ગયો હતો. બીજી તરફ લોકો ઘૂટણસમા પાણીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા મજબૂર બન્યા હતા.

અમદાવાદમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ - અમદાવાદમાં ભારે વરસાદના કારણે સોમવારે ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. તેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. 15 જુલાઈ સુધીમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે.

આ પણ વાંચો- મુખ્ય સચિવે લીધી મુખ્ય કન્ટ્રોલ રૂમની મુલાકાત, શહેરીજનોને કરી અપીલ

વડોદરાની વરસાદની સ્થિતિ - અહીં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની (Heavy Rain in Vadodara) વાત કરીએ તો, વડોદરામાં 66 મિમી, કરજણમાં 79 મિમી, ડભોઈમાં 98 મિમી, ડેસરમાં 18 મિમી, પાદરામાં 34 મિમી, વાઘોડિયામાં 53 મિમી, સાવલીમાં 30 મિમી, શિનોરમાં 86 મિમી વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો- Rain in Ahmedabad : અમદાવાદની આ સોસાયટીમાં ભરાયા 3 ફુટ પાણી

ભાવનગરમાં રાત્રે ભારે વરસાદ પડ્યો - ભાવનગર શહેર અને જિલ્લામાં રાત્રે ભારે વરસાદ (Heavy Rain in Bhavnagar) પડ્યો હતો. અહીં રાત્રે વલભીપુરમાં 44 મિમી, ભાવનગરમાં 35 મિમી, ઉમરાળામાં 30 મિમી, સિહોરમાં 29 મિમી અને પાલીતાણામાં 24 મિમી વરસાદ પડ્યો હતો. અહીં રાત્રિ દરમિયાન દોઢથી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય 5 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

પંચમહાલમાં મુશ્કેલીઓ વધી - પંચમહાલના ગોધરામાં (Heavy Rain in Panchmahal) સતત વરસી રહેલા વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી રહી છે. અહીં રાત્રે સતત 3 કલાક અનરાધાર વરસાદ પડ્યો હતો. સાથે જ રેલવે લાઈન પર અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. અહીં જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના દેવલી કુવાથી ઓટાલા વાવકુંડલી પાદેડી સહિત અન્ય 10 જેટલા ગામોને જોડતો કોઝ-વે તૂટ્યો હતો. નવાઈની વાત એ છે કે, ગોમા નદી પર બનાવાયેલો આ કોઝ-વે પૂલ લગભગ 5 વર્ષ પહેલા જ બન્યો હતો. આના કારણે હવે ગામના લોકોએ એક ગામથી બીજા ગામ જવા 8 કિમીનો લાંબો ફેરો કરવો પડશે.

કેન્દ્રિય ગૃહપ્રધાને કરી સમીક્ષા - કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે (HM Amit Shah talks with CM Bhupendra patel) સોમવારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. કારણ કે, ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના મુખ્યપ્રધાન સાથેની ટેલિફોનિક વાતચીતમાં કેન્દ્રિય ગૃહપ્રધાને રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક ગામોને અસર કરતા સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી.

કેન્દ્રિય ગૃહપ્રધાને મુખ્યપ્રધાન સાથે કરી વાતચીત - કેન્દ્રિય ગૃહપ્રધાને ટ્વિટમાં (HM Amit Shah talks with CM Bhupendra patel) જણાવ્યું હતું કે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિના સંદર્ભમાં મેં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. તેમ જ મોદી સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ગુજરાત વહીવટીતંત્ર, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અસરગ્રસ્ત લોકોને ઝડપી મદદ પૂરી પાડવામાં રોકાયેલા છે.

વડાપ્રધાને પણ આપી હતી ખાતરી - આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM reviews situation of Gujarat Rain) પણ ગુજરાતના મુખ્યપ્રધાનને રાજ્યમાં પૂરથી અસરગ્રસ્ત લોકોની વેદનાને ઘટાડવા માટે કેન્દ્ર તરફથી પરિસ્થિતિને પહોંચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. મુખ્યપ્રધાને પણ વડાપ્રધાનને છેલ્લા 48 કલાકમાં રાજ્યભરમાં પડેલા ભારે વરસાદ, ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં અને તેના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિ વિશે સંપૂર્ણ વિગતો આપી હતી.

પંચમહાલમાં કોઝ વે તૂટ્યો
પંચમહાલમાં કોઝ વે તૂટ્યો

PMએ પરિસ્થિતિની કરી પૂછપરછ - ગુજરાતના CM PRO અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM reviews situation of Gujarat Rain) રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વિશે પૂછપરછ કરવા મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

બચાવ કામગીરી ચાલુ છે- તો આ તરફ રાજ્યમાં વરસાદી પાણીના કારણે પૂર આવ્યું હતું. એટલે અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, NDRFની ટીમો લોકોને બચાવવા માટે કામ કરી રહી છે. વિવિધ વિસ્તારોમાંથી 2,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વધુને બચાવવાના પ્રયાસો ચાલુ છે. હવામાન વિભાગે આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થિતિ અચાનક પૂરના કારણે છે. રાજ્યમાં માત્ર 4 કલાકમાં 18 ઈંચ વરસાદ નોંધાયો છે. લોકો હવે આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે.

ગાંધીનગરે બનાવ્યો રેકોર્ડ - ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં રવિવારે માત્ર 3 કલાકમાં 115 મિમી વરસાદના રેકોર્ડ સાથે પાણી ભરાઈ ગયું હતું, જે જુલાઈમાં એક જ દિવસમાં છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ બનાવ્યો હતો.

રાજકોટના ગામોને કરાયો એલર્ટ - રાજકોટના ધોરાજીમાં આવેલા ભાદર 2 ડેમમાં પાણીના પ્રવાહ વધતા ડેમનો દરવાજો ખોલી કઢાયો છે. જ્યારે જુલાઈ મહિનાન સ્તર મુજબ, પ્રવાહ વધતા 1 દરવાજો 0.5 ફૂટ ખોલવામાં આવ્યો છે. જ્યારે હેઠવાસના 37 ગામોને એલર્ટ કરાયા છે.

બનાસકાંઠામાં વરસાદની સ્થિતિ - જિલ્લામાં અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો, અમીરગઢમાં 13 મિમી, દાંતામાં 40 મિમી, દાંતીવાડામાં 106 મિમી, ધાનેરામાં 10 મિમી, પાલનપુરમાં 78 મિમી, વડગામમાં 23 મિમી, વાવમાં 11 મિમી અને સુઈગામમાં 44 મિમી વરસાદ પડ્યો હતો.

વલસાડના ડેમમાંથી છોડાશે પાણી - વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. અહીં લોકોને હેલિકોપ્ટરના માધ્યમથી રેસ્ક્યૂ કરાયા હતા. તો આજે 11 વાગ્યા બાદ મધુબન ડેમમાંથી 2 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે.

ડાંગ જિલ્લાની સ્થિતિ- અહીં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 273.5 મિમી વરસાદ પડ્યો (Heavy Rain in Dang) હતો. તેના કારણે તંત્ર એલર્ટ પર છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોને સજાગ કરાયા છે. અહીં જિલ્લા પંચાયત હસ્તકના 27 માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જ્યારે 45 ગામો પ્રભાવિત થયા છે. તો શાનગહાન-સાપુતારા નેશનલ હાઈ-વે હજી પણ વાહનવ્યવહાર માટે બંધ છે. આ સાથે જ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

ડાંગમાં સરેરાશ 273.5 મિમી વરસાદ પડ્યો - ડાંગ જિલ્લા ફ્લડ કન્ટ્રોલ કક્ષ તરફથી (Dang District Flood Control Room) પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામા 24 કલાક દરમિયાન 323 મિમી (મોસમનો કુલ વરસાદ 1,180 મિમી) વઘઇ તાલુકામાં 169 મિમી (કુલ 1,041 મિમી), સુબિર તાલુકામાં 295 મિમી (કુલ 1,047 મિમી), સાપુતારા પંથકમાં 307 મિમી (મોસમનો કુલ 1,026 મિમી) મળી જિલ્લામા કુલ 1,094 મિમી વરસાદ નોંધાયો હતો. સાથે જ ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ 4,294 મિમી એટલે કે, સરેરાશ 1,073.5 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ઘાટમાર્ગ પર ભેખડો ધસી આવી - ડાંગ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે સાપુતારા ઘાટમાર્ગમાં ભેખડો ધસી પડવાની ઘટના પણ બની હતી. જ્યારે જિલ્લા ભાજપ કાર્યકરોએ મહારાષ્ટ્રથી ગુજરાત જતી ST બસના 130 પ્રવાસીઓને સાપુતારા ખાતે જમવાની વ્યવસ્થા સાથે તંત્ર સાથે સંકલન સાધી તેમની રહેવાની વ્યવસ્થા કરી હતી.

તાપી જિલ્લાની સ્થિતિ - હવામાન વિભાગની આગાહી વચ્ચે ડોલવણ તાલુકામાં વરસાદ પડ્યો હતો. અહીં સવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 2 ઈંચ (54 મિમી) જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વ્યારા માં 10 મિમી, ઉચ્છલમાં 5 મિમી અને કુકરમુંડા તેમ જ સોનગઢમાં 1 મિમી વરસાદ નોંધાયો હતો.

જિલ્લા કલેક્ટરે આપી સૂચના - તો આ તરફ નર્મદાની ઢાઢર નદી અંગે જિલ્લા વહીવટી તંત્રએ તાકીદની સૂચના જાહેર કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઢાઢર નદી જ્યાંથી પસાર થાય છે. એ વિસ્તારના પ્રાન્ત અધિકારીઓ અને મામલતદારોને તાકીદની સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેકટર અતુલ ગોરે આ અધિકારીઓને તકેદારીના તમામ પગલાં લેવા અને નદી કાંઠાના વિસ્તારોની નિરીક્ષણ અને મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરવા સૂચના આપી છે.

નદી કાંઠાના લોકોને સાવધ રહેવા સૂચના - સાથે જ જિલ્લા કલેક્ટરે નદી કાંઠાના રહીસોને સાવધ કરવા અને અસરગ્રસ્ત થવાની શક્યતાવાળા તમામ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને પણ ઢાઢર નદી કાંઠે ન જવા, તટમાં હાજર ન રહેવા, ઢોર ન ચરાવવા અને ભય જણાય તો સલામત સ્થળે ખસી જવા અને તંત્રને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Last Updated :Jul 12, 2022, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.