રાજનીતિની ‘મફતની રેવડી’ દેશના આર્થિક સ્વાસ્થ્ય માટે કેવી નીવડશે?

author img

By

Published : Jul 28, 2022, 8:33 PM IST

Updated : Jul 28, 2022, 8:54 PM IST

રાજનીતિની ‘મફતની રેવડી’ દેશના આર્થિક સ્વાસ્થ્ય માટે કેવી નીવડશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ડિસેમ્બર 2022માં આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હીની જેમ વીજળી ફ્રી આપવાની જાહેરાત ગુજરાતમાં કરી દીધી છે. જો કે ગુજરાત સરકારે અત્યાર સુધી કંઈ જ ફ્રી આપતી નથી, અન્ય રાજ્યો કરતાં ગુજરાત સમૃદ્ધ (Gujarat Politics) રાજ્ય છે. તેમજ છેલ્લા કેટલાય વર્ષોથી સરપ્લસ બજેટ પણ રજૂ કરે છે. મફતની રેવડી દેશના આર્થિક સ્વાસ્થ્ય માટે કેવી નીવડશે? ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદઘાટન સમયે કહ્યું હતું કે મફતની રેવડી (Free Revdi) વહેંચીને મત મેળવવાનું કલ્ચર લાવવાનો પ્રયાસ દેશમાં થઈ રહ્યો છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ઘણુ જ ઘાતકી છે. લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. રેવડી કલ્ચરવાળાઓ દેશની રાજનીતિથી હટાવવાની છે. વડાપ્રધાન મોદીએ (Gujarat Assembly Election 2022) અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે કંઈ મફત (Election in Gujarat) લેવાથી દેશનો વિકાસ નહી થાય. જો કે કેજરીવાલે તે દિવસે ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો કે જનતા માટે મફત રેવડીએ ભગવાનનો પ્રસાદ છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાને આદિજાતિ મહિલા પશુપાલકો સાથે સંવાદ કરીને જણાવી મહત્વની વાત...

ઈકોનોમીનો દાટ વળે છેઃ RBI રીપોર્ટમાં ચેતવણીનો સુર પડઘાઈ રહ્યો છે. બીજી તરફ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એના રીપોર્ટમાં ટાંકયું છે કે, રાજ્યોમાં ચૂંટણી વખતે ફ્રીમાં આપવાના વચનો દેશની ઈકોનોમી માટે લાંબાગાળે નુકસાનકારક છે. વાત એ પણ સાચી છે કે ચૂંટણી વચનોમાં જનતાને ફ્રીમાં આપવાની સામે આવક પણ ઉભી કરવી પડે, તે આવક મેળવવા ટેક્સ વધારવો પડે. ટેક્સ વધાર્યા વગર ફ્રીમાં અપાય તો રાજ્યોની બેલેન્સશીટ ડેફિસીટમાં જતી રહેશે. ફ્રીવાળા રાજ કરીને જતા રહેશે, પછી તે રાજ્યની આર્થિક સ્થિતી કથળેલી રહેશે.

મફતમાં વીજળીનું એલાનઃ ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સુરતમાં ફ્રીમાં વીજળી આપવાની સત્તાવાર જાહેરાત કરી હતી. દર મહિને 300 યુનિટની વીજળી ફ્રી અને બે મહિને 600 યુનિટ વીજળી ફ્રી માં મળશે એવું કહ્યું છે. ગુજરાતીઓ ફ્રીમાં વીજળીનું વચન કેટલું સ્વીકારશે? તે ફ્રીમાં આપવાનું વચન આપનારને મત આપશે ખરી? આ બે સવાલ અતિમહત્વના છે. મફતમાં વીજળી અપાય તો ગુજરાત સરકાર પર રૂપિયા 60,000 કરોડનો આર્થિક બોજ પડે તેમ છે. કેશુભાઈ પટેલે 1995માં 100 યુનિટ વીજળી ફ્રી આપી હતી.

આ પણ વાંચોઃ VNSGUની સેનેટ ચૂંટણી 5-Pની થિયરી સાથે AAPના યુવા નેતાઓ લડશે

પરિવર્તન પાર્ટીનો ફિયાસ્કોઃ આ અગાઉ ફ્રીમાં આપવાની જાહેરાત થઈ ચુકી છે અને ચૂંટણીમાં ફ્રી આપવાના વચન પર ગુજરાતની પ્રજાએ વિશ્વાસ મુક્યો નથી. વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી પહેલા કેશુભાઈ પટેલે નરેન્દ્ર મોદીની સામે ગુજરાત પરિવર્તન પાર્ટી ઉભી કરી હતી. અને તે વખતે ગામડાના પ્રત્યેક પરિવારોને મફત વીજળીની જાહેરાત કરી હતી. 47 લાખ ખેડૂતોને ખેતી માટે વિના મુલ્યે વીજળી આપવાની જાહેરાત કરી હતી. પણ કેશુભાઈ પટેલને માત્ર બે જ બેઠક મળી હતી. એટલે કે ગુજરાતીઓ ફ્રીમાં આપનારને મત આપતા નથી. એ આના પરથી કહી શકાય.

ઘરનું ઘરઃ બીજુ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસે ઘરનું ઘર આપવાનું વચન આપ્યું હતું અને આ તેમની સૌથી મોટી જાહેરાત હતી. કોંગ્રેસ ભવન પર ઘરનું ઘર લેવાના ફોર્મ ભરવા અને આપવા લાઈનો લાગી હતી. પણ ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને આંચકો જ લાગ્યો હતો. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો મળી હતી અને કોંગ્રેસને 61 બેઠક મળી હતી. આમ ફ્રીનું રાજકારણ ગુજરાત સ્વીકારતું નથી, તે વાત નક્કી છે. ગુજરાત સુશાસનને મત આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસની પૉલીસી પર પ્રજાને વિશ્વાસ છે.

આ પણ વાંચોઃ લમ્પી લહેરનો કાળો કહેર, શું છે આ રોગનો આયુર્વેદિક ઉપચાર

સરપ્લસ બજેટઃ ગુજરાતના અર્થતંત્રની વાત કરીએ તો છેલ્લા 7 વર્ષથી ગુજરાત સરકાર સરપ્લસ બજેટ આપી રહી છે. તેમ છતાં અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત સમૃદ્ધ છે અને ગુજરાતનું વિકાસ મોડલ દેશ અને દુનિયામાં વખણાય છે. ગુજરાતના દેવામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આ પણ એક હકીકત છે. વર્ષ 2020-21માં ગુજરાત સરકારે રૂપિયા 58,857 કરોડનું દેવું કર્યું હતું. દેવાની ચુકવણી માટે રૂ.17,922 કરોડનું ખર્ચ કર્યો હતો. સામે રાજ્ય સરકારને વર્ષ 2020-21માં રૂપિયા 4,404 કરોડની કરવેરાની આવક થઈ હતી. ગુજરાત સરકારને માથે વર્ષ 2020-21 સુધીમાં કુલ રૂ.2,98,810 કરોડનું દેવું છે. જેમાં ગત વર્ષની સરખામણીએ 11.87 ટકાનો વધારો થયો છે. વ્યાજની ચુકવણી પેટે રૂપિયા 22,023 કરોડ ચુકવાયા છે.

આવક અને દેવું બન્ને વધ્યાઃ આવી જ રીતે ગુજરાતને માથે વર્ષ 2021-22માં કુલ રૂ.3,20,812 કરોડનું દેવું છે. જે ગત વર્ષ કરતાં 7.36 ટકાનો વધારો દર્શાવે છે. વ્યાજની ચુકવણી રૂ.23,063 કરોડ થઈ છે. તેની સામે સરકારને વેરાની આવક 1,05,331 કરોડ થઈ છે, જે વેરાની આવક 21.90 ટકા વધી છે. ગુજરાત સરકારનું ચાલુ વર્ષે કુલ બજેટ 2.40 લાખ કરોડનું છે. પણ તેની સામે સરકારનું કુલ દેવું 3.5 લાખ કરોડ થવાનો અંદાજ છે. આ વિગત પણ એક વાત ફલિત થાય છે વેરાની આવક વધે તેની સામે દેવું પણ વધે છે.

આ પણ વાંચોઃ લઠ્ઠાકાંડને લઈને MSUમાં બે જૂથ વચ્ચે છુટ્ટા હાથે મારામારી, જૂઓ વીડિયો

ખેડૂતોના ખાતામાં 2000 જમા આ મફત રેવડી ન કહેવાય? અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંતકુમાર શાહે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરબીઆઈ રીપોર્ટમાં કહે છે કે મફત આપવું તે ખોટું છે. આરબીઆઈ પાસેથી કેન્દ્ર સરકાર શા માટે પૈસા લે છે. મોદી સરકાર ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 જમા કરે છે. ભાજપની સરકારે અગાઉ ખેડૂતોના દેવા માફ કર્યા હતા. 1995માં કેશુભાઈ પટેલની સરકારે ગુજરાતની પ્રજાને 100 યુનિટ સુધી વીજળી ફ્રી આપી હતી. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર પારદર્શી વહીવટ કરે, ભષ્ટ્રાચાર મુક્ત શાસન કરે તો દેશની પ્રજાને ઘણુ બધુ મફત આપી શકાય તેમ છે. મફતમાં આપનારી ભાજપ સરકારને હવે કેમ રેવડી યાદ આવી... અને તે રેવડી જ કેમ કહી? કારણ કે રેવડી ગળીચટ્ટી હોય છે. આથી પ્રજાને રેવડી ગમે છે. ધનવાનો પર ટેક્સ વધારીને પણ ગરીબોને સુખાકારી માટે વીજળી અને આરોગ્યની સેવા ફ્રી આપવી જોઈએ.

શ્રીલંકા-પાકિસ્તાન જેવી સ્થિતીઃ રાજકીય તજજ્ઞ જયવંતભાઈ પંડ્યાએ ETV Bharatને જણાવ્યું હતું કે આપણે શ્રીલંકાની સ્થિતી જોઈ છે. ફ્રીમાં આપવાની અને લોકોને ગમે તેવું અર્થકારણ કરવામાં આવ્યું હતું. પરિણામે શ્રીલંકા દેવામાં ડુબતું ગયું અને અંતે ડીફોલ્ટ થવું પડ્યું. એક સમયે પાકિસ્તાન અંગે ભારતના કેટલાક લોકો કહેતા હતા કે પેટ્રોલ, ડીઝલ પાકિસ્તાનમાં ભારત કરતાં સસ્તુ મળે છે. આજે સ્થિતી એવી છે કે પાકિસ્તાન દેવમાં ડુબી ગયું છે અને કંગાળ થયું છે. ભારતમાં સ્વતંત્રતા પછી સમાજવાદી લોકોએ મફતની રાજનીતિ કરી તેને કારણે 1990માં સોનું ગીરવે મુકવું પડે તેવી સ્થિતી સર્જાઈ ગઈ હતી. ત્યાર પછી આર્થિક ઉદારીકરણની નીતિને કારણે ભારત બચી ગયું હતું અને આર્થિક પ્રગતિ તરફ આગળ વધ્યું હતું. ફરીથી આપણે જો મફતની રાજનીતિ કરીશું તો આપણી સ્થિતી 1990 કરતાં વધુ ખરાબ થશે. માટે રાજકારણીઓ અને પ્રજાએ સાવધ રહેવાની જરૂર છે.

ભરત પંચાલ
બ્યૂરોચીફ, ઈ ટીવી ભારત ગુજરાત

Last Updated :Jul 28, 2022, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.