ETV Bharat / city

ગ્રેચ્યુઇટીની ચૂકવણી ન કરનારી 8 કંપનીઓ સામે ફોજદારી ગુનો, શ્રમ અને રોજગાર વિભાગે ફટકારી નોટિસ

author img

By

Published : Dec 11, 2020, 7:24 PM IST

ગ્રેચ્યુઇટીની ચૂકવણી ન કરનારી 8 કંપનીઓ સામે ફોજદારી ગુનો, શ્રમ અને રોજગાર વિભાગે ફટકારી નોટિસ
ગ્રેચ્યુઇટીની ચૂકવણી ન કરનારી 8 કંપનીઓ સામે ફોજદારી ગુનો, શ્રમ અને રોજગાર વિભાગે ફટકારી નોટિસ

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કેટલીક ખાનગી કંપનીઓ જે પોતાના કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની રકમ ન ચૂકવતી હોય તેમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રા દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને વલસાડની આઠ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  • ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કાર્યવાહી
  • અમદાવાદ, સુરત, વડોદરા અને વલસાડની 8 કંપની સામે કાર્યવાહી
  • 8 કંપનીઓ સામે ગુનો દાખલ થયો

ગાંધીનગર: શ્રમ વિભાગને વિવિધ સંસ્થાના કર્મચારીઓ તેમજ સંગઠનો દ્વારા પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, 1972 હેઠળ કંપનીઓ દ્વારા ગ્રેચ્યુઇટી ન ચૂકવવા અંગે અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના અનુસંધાને શ્રમ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી, ખરાઈ કરવામાં આવી હતી કે રાજ્યનાં આઠ એકમો દ્વારા ગ્રેચ્યુઇટીની ચૂકવણીમાં વિલંબ કરવામાં આવ્યો છે અથવા ગ્રેચ્યુઇટીની ચૂકવણી કરવામાં આવી નથી. જેના લીધે આ આઠેય સંસ્થાઓને કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી હતી.

પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ, 1972 જાણો

આ સંસ્થાઓ વિરુદ્ધ દંડની જોગવાઈઓ સહિત પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, 1972ની કલમ 9 અને કલમ 11 હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવશે. જે પ્રમાણે કોઈપણ નિયોક્તા આ કાયદાની અથવા તો આ કાયદા હેઠળ બનાવવામાં આવેલા કોઈ પણ નિયમો અથવા તો હુકમોની કોઈ પણ જોગવાઈઓનું પાલન ન કરે અથવા તેનું ઉલ્લંઘન કરે, તો તેને ઓછામાં ઓછી ત્રણ મહિનાની અને વધુમાં વધુ એક વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ.10,000 અને વધુમાં વધુ રૂ.20,000 સુધીનો દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

અમદાવાદની 4 કંપનીઓને નોટિસ ફટકારાઇ

આ 8 સંસ્થાઓમાં ચાર સંસ્થાઓ અમદાવાદની છે, જેમાં પેસ સેન્ટર્સ બિઝનેસ સોલ્યુશન પ્રા. લિ., નિંબ્સ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ., રોઝબેલ બાયોસાયન્સ લિ. અને પરફેક્ટ બોરિંગ પ્રા.લિ.નો સમાવેશ થાય છે. આ સિવાય, ટીમલીઝ- એલ એન્ડ ટી, રાજકોટ; ડી.જી. નાકરાણી GMERS હોસ્પિટલ, વડોદરા; એકતા પ્રિન્ટ્સ પ્રા.લિ., સુરત અને ક્રિએટિવ ટેક્સ મિલ્સ પ્રા.લિ., વલસાડને પણ કારણદર્શક નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે.

ઓકટોબરમાં 9 કંપનીઓને શોકોઝ નોટિસ ઈસ્યૂ થઇ

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર માસમાં શ્રમ વિભાગ દ્વારા કટારિયા ઓટોમોબાઇલ્સ સહિત કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની ચૂકવણી ન કરનારી અમદાવાદ, ગાંધીનગર અને સુરતની કુલ 9 સંસ્થાઓ સામે પણ કારણદર્શક નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી. ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા ગ્રેચ્યુઇટીના નિયમોનું પાલન ન કરવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન બહાર આવતાં, આ તમામ સંસ્થાઓ સામે પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, 1972 હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.