- અમદાવાદમાં કોરોના વેક્સિન સર્વેની કામગીરી પૂર્ણતાના આરે
- વેક્સિન માટે 7,435 હેલ્થ વર્કર્સ રજીસ્ટર
- 50થી વધુ ઉંમરના 3.22 લાખ જેટલા વ્યક્તિઓની વેક્સિન આપવા માટે ઓળખ
અમદાવાદઃ જિલ્લા અને શહેરમાં વેક્સિન સર્વેની કામગીરી અંગે ETV BHARAT દ્વારા અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
પ્રશ્નઃ અમદાવાદ જિલ્લામાં કોરોના વેક્સિન સર્વેની કામગીરી અંતર્ગત શું પ્રક્રિયા ચાલી રહી છે ?
જવાબઃ કોરોનાની રસી આપવાના અગ્રતાક્રમ પ્રમાણે રાજ્ય સરકારની સુચના મુજબ હેલ્થકેરના કર્મચારીઓનો સર્વે પૂર્ણ કરીને 'કોવિડ પોર્ટલ' ઉપર અપલોડ કરી દેવાયો છે. કુલ 7,435 હેલ્થકેરના કર્મચારીઓ અમદાવાદ જિલ્લામાંથી રજીસ્ટર થયા છે.
ફ્રન્ટલાઈન કર્મીઓની વાત કરવામા આવે તો રાજય અને કેન્દ્ર સરકારની સૂચના મુજબ વ્યક્તિઓને આઈડેન્ટિફાય કરી નાખવામાં આવેલા છે, જ્યારે 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ જેમનો પ્રાયોરિટી ગ્રુપમાં સમાવેશ થાય છે, તેવા 3.22 લાખ લોકોની ઓળખાણ થઈ છે અને તેની ડેટા એન્ટ્રીની પ્રક્રિયા ચાલુ છે.
આ ઉપરાંત 50થી ઓછી ઉંમર ધરાવતા, પરંતુ કો-મોર્બીડિટીથી પીડિત વ્યક્તિઓની સર્વેમાં નોંધણી કરવામાં આવી રહી છે. આ માટે 624 જેટલી ટીમોને કામે લગાડવામાં આવી છે. 18 વર્ષ સુધીના યુવાન જેવો ગંભીર બિમારીઓથી પિડાતા હોય તેમનો પણ આ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રશ્નઃ આ સર્વેમાં કેટલો સમય લાગ્યો અને કેટલો સ્ટાફ રોકવામાં આવ્યો?
જવાબઃ 50 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓનો સર્વેની 96 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બાકીના 4 ટકા 19 ડિસેમ્બરે પૂર્ણ થઈ જશે. 50 વર્ષની નીચેના કો-મોર્બીડ વ્યકતીઓનો સર્વે પૂર્ણ થવામાં હજુ એક-બે દિવસ વધુ લાગશે. જેથી કુલ 624 ટીમ અમદાવાદ જિલ્લામાં સર્વે માટે ઉતારી છે.
પ્રશ્નઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારણા જેવા કાર્યોમાં કેવી પ્રગતિ છે ?
જવાબઃ રાજ્યમાં જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આદેશ મુજબ અને CEOની સૂચનાથી મતદાર નોંધણી ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં 3 કેમ્પેઇન કરાયા છે, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 4 કેમ્પેઇન પૂર્ણ કરાયા છે. જેની અંદર મહત્વના 6, 7 અને 8 નંબરના ફોર્મ ભરીને સુધારા કરવામાં આવે છે.
પ્રશ્નઃ અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક થયા બાદ આપે કચેરીના કાર્યમાં ઝડપ આવે તે માટે કેવા પગલાં ભર્યાં છે?
જવાબઃ રૂબરૂ અગત્યના પ્રશ્નો નાગરિકો પાસેથી સાંભળે છે અને તેનું નિરાકરણ લાવે છે. જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, TDO કચેરીમાં નાગરિકોને તકલીફ ના પડે તે માટે કલેક્ટર કચેરી તરફથી સૂચનાઓ આપવામાં આવી છે. જનસેવા કેન્દ્રમાં ક્રોસ ચેકિંગ પણ કરવામાં આવે છે.
પ્રશ્નઃ કયા કાર્યોને અગ્રતાક્રમ અપાઈ રહ્યો છે?
જવાબઃ નાગરિકોના દરેક કાર્યોને અગ્રતાક્રમ અપાઈ રહ્યો છે.
પ્રશ્નઃ કોરોના વાઇરસને લઈને કેવી સાવધાણીઓ રખાઈ રહી છે?
જવાબઃ કોરોના વાઇરસ સંક્રમણકાળમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જળવાય, લોકો માસ્ક પહેરે, સેનિટાઈઝરવો ઉપયોગ કરે તે પ્રમાણે જનસેવા કેન્દ્રમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
પ્રશ્નઃ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદનો જેમાં સમાવેશ થાય છે. તે જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક બાદ કામગીરી વધી છે કે કેમ?
જવાબઃ કામગીરી વધુ છે અને તેનો સંપૂર્ણ સક્ષમતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.