ETV Bharat / bharat

Year Ender 2023: મણિપુર હિંસાએ સમગ્ર દેશ, નાગરિકો અને પાર્લિયામેન્ટ હચમચાવી દીધા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2023, 10:27 PM IST

મણિપુર હિંસાએ સમગ્ર દેશ, નાગરિકો અને પાર્લિયામેન્ટ હચમચાવી દીધા
મણિપુર હિંસાએ સમગ્ર દેશ, નાગરિકો અને પાર્લિયામેન્ટ હચમચાવી દીધા

વર્ષ 2023ની ઘૃણિત ઘટનાઓ પૈકી સૌથી મુખ્ય છે મણિપુર હિંસા. આ હિંસામાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. કૉંગ્રેસે અનેક વાર આ મુદ્દે સત્તા પક્ષ પર આરોપ લગાવ્યા છે. જો કે વડા પ્રધાને એક પણ વાર આ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાાકાત લીધી નથી. વાંચો ઈટીવી ભારતના નિખિલ બાપટનો વિસ્તૃત અહેવાલ. Year Ender 2023 Manipur Violence

હૈદરાબાદ/ ઈમ્ફાલઃ ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરમાં 3 મે, 2023ના રોજ હિંસા ફાટી નીકળી હતી. આ દિવસ મણિપુર રાજ્યના ઈતિહાસમાં બ્લેક ડે તરીકે લખાઈ ગયો છે. મેતઈ સમુદાયે એસટી અનામત માટે માંગણી કરી હતી. જેના વિરોધમાં કુકી સમુદાયે આદિવાસી એક્તા માર્ચ યોજી હતી. બસ ત્યારથી જ આ રાજ્યમાં હિંસા ભડકી ઉઠી હતી.

આ હિંસાની ખબરો દરિયામાં ડુબેલા હિમશીખરની ટોચ જેટલી જ બહાર આવી છે. જેટલા સમાચાર બહાર આવ્યા તેનાથી વધુ હિંસા શાંત ગણાતા આ મણિપુર રાજ્યની ધરતીએ સહન કરી છે. ઈમ્ફાલ ખીણની આસપાસ રહેતા મૈતઈ સમુદાય મણિપુરની કુલ વસ્તીના 53 ટકા જેટલા છે. જયારે પર્વતીય વિસ્તારોમાં રહેતા નાગા અને કુકી સમુદાયના લોકોની વસ્તી 40 ટકા છે.

મણિપુર હિંસા વધુ ઉગ્ર એક બનાવને લીધે થઈ ગઈ. આ બનાવમાં બે આદિવાસી મહિલાઓનો બળાત્કાર કરીને તેમને નિવસ્ત્ર કરીને પરેડ કરાવવામાં આવી હતી. આ હચમચાવી દે તેવી ઘટનાથી મણિપુર વૈશ્વિક સમાચારોમાં ચમક્યું હતું. આ ઘટના બાદ મણિપુર દોઢ મહિના સુધી સળગી ઉઠ્યું હતું.

વર્ષ 2023માં થયેલ હિંસાઓ પ્રથમવાર થઈ છે તેવું નથી. મણિપુરમાં 1992માં કુકી અને નાગા સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારબાદ 1997માં ફરીથી કુકી અને પૈત સમુદાય વચ્ચે થયેલ હિંસાને પરિણામે મણિપુર ધૃજી ઉઠ્યું હતું. મૈતેઈ સમુદાયની દસકાઓ જૂની માંગ છે કે તેમને શિડ્યુઅલ ટ્રાઈબ(એસટી) દરજ્જો આપવામાં આવે.

આશ્ચર્યની વાત એ છે કે કૉંગ્રેસ દ્વારા અનેકવાર મણિપુર હિંસાને લઈને વડા પ્રધાનને ઘેરવામાં આવ્યા છે. કૉંગ્રેસની માંગ છે કે વડા પ્રધાને એકવાર તો મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ. જો કે વડા પ્રધાન આ દરેક આક્ષેપો વિરુદ્ધ આંખ આડા કાન કરીને ખબર નહિ કયા કારણથી મણિપુર રાજ્યની મુલાકાત લેવાનું ટાળે છે. આ વર્ષે વડા પ્રધાને અનેક રાજ્યો અને દેશોની મુલાકાત લીધી છે જેમાં અમેરિકા, ઈજિપ્ત, યુએઈ તેમજ વિધાનસભા ચૂંટણી હતી તે પાંચ રાજ્યોનો સમાવેશ થાય છે. જો કે એક પણ વાર વડા પ્રધાને સળગતા મણિપુરની મુલાકાત લીધી નથી. જેમાં 150થી વધુ માનવ જિંદગીઓ હોમાઈ ગઈ છે. તેમજ મોટા પાયે નુકસાન થયું છે.

વડા પ્રધાને પોતે મણિપુરની મુલાકાત લેવાને બદલે અમિત શાહને મણિપુરની મુલાકાતે મોકલ્યા હતા. અમિત શાહે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમજ તેમણે હિંસાને કાબુમાં લેવા સૈન્ય કાર્યવાહીના આદેશ પણ આપ્યા હતા. અમિત શાહે પીસ કમિટીની રચના કરી હતી. જેનું નેતૃત્વ ગવર્નર કરી રહ્યા છે.

બીજી તરફ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મણિપુરની મુલાકાતે ગયા હતા. તેમણે મણિપુર કૉંગ્રેસને મદદની સૂચનાઓ આપી હતી. રાહુલ ગાંધીએ ત્રણેય સમુદાયના અગ્રણીઓ સાથે બેઠક પણ કરી હતી. શરણાર્થીઓ જે રાહત કેમ્પમાં રહે છે તેની પણ મુલાકાત રાહુલ ગાંધીએ લીધી હતી.

સીબીઆઈએ મણિપુર હિંસા મામલે નોંધાયેલ 27 એફઆરઆઈ મામલે કાર્યવાહી કરી હતી. મણિપુર પોલીસે આ કેસ સીબીઆઈને હેન્ડઓવર કર્યા હતા. જેમાં ટોળા દ્વારા મહિલા અત્યાચારો, હથિયારોની લૂંટ અને હત્યાના કેસનો સમાવેશ થાય છે.

મણિપુર હિંસા એટલી બેકાબૂ બની ગઈ હતી કે ગુસ્સે ભરાયેલા ટોળાએ કેન્દ્રીય પ્રધાનના ઘરને જ આગ ચાંપી દીધી હતી. આ ઘર મોદી સરકારના કેબિનેટ પ્રધાન રંજન સીંઘનું હતું. બનાવના દિવસે તેઓ કેરળની મુલાકાતે હતી. જો કે આ ઘટના ટોળાનો ગુસ્સો દર્શાવવા પૂરતી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ વડા પ્રધાન મોદીની મન કી બાત રજૂ કરતા રેડિયોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

78 દિવસ બાદ વડા પ્રધાન મોદીએ મણિપુર હિંસા મુદ્દે પોતાનું મૌન તોડ્યું હતું. નવી દિલ્હીમાં સંસદ ભવનમાં ચોમાસુ સત્રની શરુઆતમાં મીડિયા બ્રીફિંગમાં વડા પ્રધાને મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને કહ્યું કે, કોઈપણ સમાજમાં મહિલાઓ પર બળાત્કાર ગુજારીને નિવસ્ત્ર કરીને પરેડ કરાવવાની ઘટના ચલાવી લેવાય નહીં. આ ઘટનાથી હૃદય ગુસ્સા અને પીડાથી ભરાઈ ગયું છે. વડા પ્રધાનના મતે આ ઘટનાથી 140 કરોડ દેશવાસીઓનું અપમાન થયું છે.

જો કે વડા પ્રધાનના આ નિવેદનથી વિરોધ પક્ષ કૉંગ્રેસને સંતોષ નહતો. કૉંગ્રેસ આ મુદ્દે સદનના બંને ગૃહોમાં ચર્ચા કરવા માંગતી હતી. જેના પરિણામે અનેકવાર સદનની કાર્યવાહી ખોટકાઈ હતી. 26મી જુલાઈએ કૉંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભામાં નો કોન્ફિડન્સ મોશનની માંગણી પણ કરી હતી. જેમાં સૌથી જૂની પાર્ટીએ લોકસભામાંથી વોક આઉટ કર્યુ હતું. જેથી વડા પ્રધાન મોદી આ મણિપુર હિંસા મુદ્દે વધુ નિવેદન આપવા મજબૂર બને.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન અને કેન્દ્ર સરકાર પર વાક પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે મણિપુર અને હરિયાણા જેવા રાજ્યોમાં કેન્દ્ર સરકાર આગ ભડકાવવાનું કામ કરી રહી છે. પહેલા મણિપુર અને હવે હરિયાણામાં સરકાર કેરોસીન છાંટી રહી છે. તમે આખા દેશમાં આ આગ ફેલાવી દેશો. રાહુલ ગાંધીએ નો કોન્ફિડન્સ મોશનની શરુઆતમાં પોતાના ભાષણમાં આ નિવેદનો કર્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નો કોન્ફિડન્સ મોશનમાં પોતાના વક્તવ્યમાં કૉંગ્રેસ પર વાક પ્રહાર કર્યા હતા. તેમણે કૉંગ્રેસ મણિપુર હિંસા મુદ્દે ચર્ચા કરવા માંગતી નથી તેવું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કૉંગ્રેસ મણિપુર મુદ્દે માત્ર વિરોધ કરવામાં માને છે. તેમણે વડા પ્રધાન મોદી સતત મણિપુર હિંસા મામલે પોતાની સાથે સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વડા પ્રધાન મોદી સેના અને સુરક્ષા સલાહકારને મણિપુર મોકલીને તાજી માહિતી મેળવી રહ્યા છે. ઓગસ્ટ મહિનાની 9મી તારીકે કેન્દ્રીય ગૃહ પ્રધાને સદનમાં જણાવ્યું કે અત્યાર સુધી 152 લોકો મણિપુર હિંસામાં માર્યા ગયા છે અને જેમાંથી કુલ 107 મૃત્યુ મે, 30 મૃત્યુ જૂન, 15 મૃત્યુ જુલાઈ અને 4 મૃત્યુ ઓગસ્ટમાં થયા હતા.

10મી ઓગસ્ટે વડા પ્રધાને નો કોન્ફિડન્સ મોશનમાં પોતાનું વક્તવ્ય રજૂ કર્યુ ત્યારે કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાને મને ઉત્તરપૂર્વીય રાજ્યની તમામ માહિતી આપી છે. સમગ્ર દેશના લોકો મણિપુરની સાથે છે અને મણિપુરના વિકાસમાર્ગના નિર્માણમાં એક પણ પથ્થર બાકી નહી રહે. તેમણે આ મુદ્દે કૉંગ્રેસ પર પણ વાકપ્રહાર કરવાની તક ઝડપી લીધી હતી.

મણિપુરમાં થયેલ હિંસાએ સમગ્ર રાજ્યને ધૃજાવી દીધું છે અને 14000 લોકોની ધરપકડ થઈ છે. 2027માં મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે તેથી આ હિંસાની દુરોગામી અસર તેના પર પડશે પણ 2024માં આવનારી ચૂંટણી પર મણિપુર હિંસાની અસરો ચોક્કસ થશે. એન. બિરેન સિંઘના નેતૃત્વમાં મણિપુરમાં અત્યારે શાંતિ પથરાયેલી છે અને હિંસા બંધ છે.

  1. Manipur Violence Updates: મોરેહમાં કરાયેલા સર્ચ ઓપરેશનમાં 32 બર્માવાસીઓ ઝડપાયા
  2. Manipur Violence : મણિપુરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, ઈંફાલમાંથી હથિયાર અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.