ETV Bharat / bharat

બીટરૂટના મુખ્ય 5 ફાયદા

author img

By

Published : Jan 15, 2021, 8:25 PM IST

બીટરૂટ
બીટરૂટ

ઘેરા રંગનું સુંદર બીટરૂટ સુપરફૂડ તરીકે લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યું છે અને એથ્લેટિક પર્ફોર્મન્સમાં સુધારો લાવવાની તેની ક્ષમતા માટે તે જાણીતું છે. પરંતુ આ સિવાય પણ બીટરૂટના ઘણા ફાયદા રહેલા છે. બીટનું વૈજ્ઞાનિક નામ બિટા વલ્ગરીસ છે અને તેને સલાડના સ્વરૂપમાં કાચું પણ ખાઇ શકાય છે, તથા તેનું અથાણું પણ બનાવી શકાય છે. તો ચાલો, બીટરૂટના થોડા વધુ ફાયદા જાણીએ અને તે કેટલું પૌષ્ટિક છે, તે વિશે વધુ માહિતી મેળવીએ.

ન્યૂઝ ડેસ્ક: ઘેરા રંગનું સુંદર બીટરૂટ સુપરફૂડ તરીકે લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યું છે અને એથ્લેટિક પર્ફોર્મન્સમાં સુધારો લાવવાની તેની ક્ષમતા માટે તે જાણીતું છે. પરંતુ આ સિવાય પણ બીટરૂટના ઘણા ફાયદા રહેલા છે. બીટનું વૈજ્ઞાનિક નામ બિટા વલ્ગરીસ છે અને તેને સલાડના સ્વરૂપમાં કાચું પણ ખાઇ શકાય છે, તથા તેનું અથાણું પણ બનાવી શકાય છે. તો ચાલો, બીટરૂટના થોડા વધુ ફાયદા જાણીએ અને તે કેટલું પૌષ્ટિક છે, તે વિશે વધુ માહિતી મેળવીએ.


પોષક તત્વો

બીટરૂટમાં વિટામીન B6, વિટામીન સી, કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, મેંગેનિઝ, પોટેશિયમ વગેરે જેવાં ઘણાં મહત્વનાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં રહેલાં હોય છે. તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે અને પાણીનું પ્રમાણ ૮૮ ટકા જેટલું હોય છે. સાથે જ તેમાં બિટાનિન અને વલ્ગેક્ઝેન્થિન જેવાં ઇનોર્ગેનિક નાઇટ્રેટ્સ તથા પિગમેન્ટ્સ પણ રહેલાં હોય છે.

બ્લડ પ્રેશરનું નિયમન કરે

હાઇ બ્લડ પ્રેશરને કારણે સ્ટ્રોક, હાર્ટ એટેક વગેરે જેવી હૃદય સંબંધિત કેટલીક સમસ્યાઓ સર્જાઇ શકે છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે, બીટરૂટનું સેવન કરવાથી આ સમસ્યાનો સામનો કરવામાં મદદ મળી શકે છે. બીટમાં રહેલા નાઇટ્રેટ્સની મદદથી તે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે, આમ, હૃદય સંબંધિત બિમારી લાગુ પડવાની શક્યતા ઘટી જાય છે.

એથ્લેટિક પર્ફોર્મન્સ

ઘણા અભ્યાસો દર્શાવે છે કે, બીટરૂટના રસનું સેવન કરવાથી વ્યક્તિના એથ્લેટિક પર્ફોર્મન્સમાં સુધારો થાય છે. તેનો અર્થ એ કે, બીટ વ્યક્તિનો સ્ટેમિના વધારે છે અને શરીરમાં ઓક્સિજનના ઉપયોગમાં સુધારો લાવે છે. આ ઉપરાંત, તે વર્કઆઉટ કર્યા બાદ સ્નાયુઓમાં થતી પીડાને રાહત આપવામાં પણ મદદરૂપ થાય છે.

પાચન આરોગ્ય

બીટરૂટમાં ફાઇબર રહેલું હોય છે, જે પેટને સાફ રાખવા માટેના મહત્વના ઘટક તરીકે જાણીતું છે. આમ, બીટ પાચનક્રિયા સુધારવામાં સહાય કરે છે, અપચા જેવી સમસ્યામાં રાહત આપે છે અને પાચનક્રિયા સંબંધિત અન્ય મૂંઝવણોને નિવારે છે.

એન્ટિ-કેન્સર ગુણો

મર્યાદિત અભ્યાસો પરથી માલૂમ પડે છે કે, બીટરૂટનું સેવન કરવાથી વ્યક્તિ ચોક્કસ પ્રકારના કેન્સરના જોખમથી બચી શકે છે. તેમાં રહેલાં પિગમેન્ટ્સ શરીરમાં કેન્સરજન્ય કોશોની વૃદ્ધિ અટકાવવામાં સહાયરૂપ નીવડી શકે છે. જોકે, આ સંશોધન છૂટાછવાયા માનવ કોશો સુધી મર્યાદિત હતું અને આ માટે વધુ પુરાવા હોવા જરૂરી છે.

શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ

બીટરૂટ એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તે ઓક્સિડેટિવ સ્ટ્રેસને હળવો કરે છે. સંશોધનો અનુસાર, બીટરૂટ ઇન્ફ્લેમેશનને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે અને સાથે જ તે ઓસ્ટિઓઆર્થરાઇટિસના દુખાવામાં પણ નોંધપાત્ર રાહત પૂરી પાડે છે.

આ ઉપરાંત, બીટમાં આયર્ન અને ફોલિક એસિડ વિપુલ માત્રામાં રહેલાં હોવાથી તે એનેમિયા (પાંડુરોગ)ને પણ દૂર રાખે છે. બીટ લાલ રક્તકણો બનવાની ક્રિયામાં વધારો કરે છે. લાલ રક્તકણો ઓક્સિજનને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડે છે. સાથે જ તે જ્ઞાનાત્મક કાર્યમાં સુધારો લાવીને મસ્તિષ્કનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. વધતી વય સાથે મસ્તિષ્કના સ્વાસ્થ્યમાં ઘટાડો થવાની શક્યતા રહે છે, ત્યારે બીટરૂટ મસ્તિષ્કમાં રક્તનો પ્રવાહ વધારે છે અને સંભવિતપણે ડિમેન્શિયાનું જોખમ ઘટાડે છે. સાથે જ તે વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભદાયી પુરવાર થઇ શકે છે.

સૂપ, સલાડ, જ્યુસ, અથાણા, બીટરૂટ કે તેનાં પાનનો ઉપયોગ કરીને શાક બનાવવું વગેરે રીતે બીટનું સેવન કરી શકાય છે. આ ઉપરાંત ડિપમાં પણ તેને ઉમેરી શકાય છે. બીટરૂટની વ્યાપક આડઅસરો તો નથી, પણ કિડનીની બિમારી ધરાવનારા લોકોએ બીટનું વધુ પડતું સેવન ટાળવું જોઇએ, કારણ કે તેનાથી દર્દીની સ્થિતિ વધુ બગડી શકે છે. જો તમે અન્ય કોઇ શારીરિક તકલીફ ધરાવતા હોવ, જે બીટના સેવનથી વણસી શકે તેવી તમને આશંકા હોય, તો તે વિશે વધુ જાણકારી મેળવવા માટે તમારા ડોક્ટર કે ડાયેટિશ્યનની સલાહ લેવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.