ETV Bharat / bharat

સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાનો સમય પાકી ગયો છે!

author img

By

Published : Jan 11, 2021, 6:59 PM IST

સ્ટાર્ટઅપ
સ્ટાર્ટઅપ

જે દેશો પ્રશંસનીય વાણિજ્યિક વિચારો અને નવીનતાસભર ટૅક્નૉલૉજીને પ્રોત્સાહિત કરે છે તેમાં વિકાસ વેગવંતો બને છે. તેનાં અનેક પ્રેરણારૂપ ઉદાહરણ છે. આની વિરુદ્ધ, આપણો દેશ છે જ્યાં એન્જિનિયરિંગ કૉલેજો બેરોજગાર ડિગ્રીધારકોનું ઉત્પાદન કરવાનાં કારખાનાં બની ગઈ છે અને તેનું કારણ શિક્ષણનું કથળેલું સ્તર છે.

ન્યૂઝ ડેસ્ક: જે દેશો પ્રશંસનીય વાણિજ્યિક વિચારો અને નવીનતાસભર ટૅક્નૉલૉજીને પ્રોત્સાહિત કરે છે તેમાં વિકાસ વેગવંતો બને છે. તેનાં અનેક પ્રેરણારૂપ ઉદાહરણ છે. આની વિરુદ્ધ, આપણો દેશ છે જ્યાં એન્જિનિયરિંગ કૉલેજો બેરોજગાર ડિગ્રીધારકોનું ઉત્પાદન કરવાનાં કારખાનાં બની ગઈ છે અને તેનું કારણ શિક્ષણનું કથળેલું સ્તર છે. આ સંદર્ભમાં તેલંગણાના માહિતી ટૅક્નૉલૉજી પ્રધાન શ્રી કેટીઆરે સૂચન કર્યું છે કે બી. ટૅક. વિદ્યાર્થીઓએ કરેલી શોધોને માન્યતા આપવી જોઈએ અને તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. શ્રી કેટીઆરનું આ સૂચન ગંભીર વિચારણા માગી લે છે. જો સર્જનાત્મકતા અને નવા વિચારોને પ્રોત્સાહન અપાય તો અદ્ભુત ઉદ્યોગો બહાર આવી શકે તેમ છે. આને કાલ્પનિક આશાવાદ તરીકે રાખવા કરતાં, દરેક રાજ્યએ આ દિશામાં આગળ વધવા એક કાર્ય યોજના બનાવવી જોઈએ.

વડા પ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવું હોય તો સરકારના ભાગે ઘણું કરવાનું રહે છે. આજનાં સ્ટાર્ટ અપને આવતીકાલની બહુરાષ્ટ્રીય કંપનીઓમાં પરિવર્તિત કરવાની વડા પ્રધાનની મહેચ્છાને સાકાર કરવા ઘણું કરવાની આવશ્યકતા છે. હૈદરાબાદમાં યોજાયેલી સાહસિક અને ઔદ્યોગિક શિખરમાં સંકલ્પ વ્યક્ત કરાયા મુજબ, ચમત્કારો કરવા માટે વિશ્વાસ, પ્રોત્સાહન અને મૂડીરોકાણ મહત્ત્વનાં ઘટકો છે. જો સાહસિકો દ્વારા મજબૂત અને શોધરૂપ વિચારોને સંસ્થાગત પ્રોત્સાહન અપાય અને તેમના સાહસને આર્થિક સહાય સુનિશ્ચિત કરાય તો કોઈ પણ પડકારને સરળતાથી જીતી શકાય છે.

એક તરફ, આપણા દેશમાં કૉવિડ-૧૯થી સર્જાયેલી કટોકટીએ અસંખ્ય સ્ટાર્ટ અપની આકાંક્ષા કચડી નાખી છે ત્યારે પડોશી પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના એટલે કે ચીન આ જ સમયગાળામાં મેન્યુફૅક્ચરિંગ ઉદ્યોગોમાં વિશ્વનું કેન્દ્ર બનીને ઉભર્યું છે. ચીન સમયે સમયે ઉભરતી ટૅક્નૉલૉજિકલ તકોનો ફાયદો પણ લઈ રહ્યું છે. આપણી સરકારો દાવો કરે છે કે દેશમાં રોજગાર માગવાના બદલે રોજગારની તર્કો સર્જે તેવી વ્યક્તિઓ વિકસાવવાનો તેમનો હેતુ છે. જ્યારે સરકારો નવા વિચારોને પ્રોત્સાહન આપે અને હવા આપે તેવી રણનીતિઓ અને યોજનાઓને પ્રાથમિકતા આપે ત્યારે જ દેશમાં પરિસ્થિતિ સુધરી શકે તેમ છે.

ઈઝરાયેલ, યુ.કે., રશિયા અને જર્મની જેવા દેશો એવો શાળાકીય અભ્યાસક્રમ અનુસરે છે જે વિદ્યાર્થીઓમાં કમ્પ્યૂટર વિજ્ઞાનમાં ખાસ રસ વિકસાવે. તેનાથી વધુ સારી એન્જિનિયરિંગ શોધો પ્રાપ્ત કરવામાં તેમને મદદ મળી રહી છે. આવી પ્રતિબદ્ધતાનો આપણા દેશમાં અભાવ છે. પ્રતિબદ્ધતાના આવા અભાવે તરુણ ખન્ના સમિતિને ઠપકો આપવા પ્રેરી છે કે જ્યારે અમેરિકા સાથે સરખામણી કરવામાં આવે તો, સાહસિકોને ભારતમાં તેમનાં સ્ટાર્ટ અપ માટે ભંડોળ મેળવવામાં ચારથી પાંચ ગણો સંઘર્ષ કરવો પડે છે.

જેએનટીયુએચ જેવી સંસ્થાઓ તેમના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો થયા પછી તેમનો પોતાનો વેપાર શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે આવું પ્રોત્સાહન રાષ્ટ્રીય નીતિનો હિસ્સો બનવો જોઈએ. ગુણવત્તાને ઓળખે અને તેને પ્રોત્સાહિત કરે તેવી પારદર્શક વ્યવસ્થા આપણે વિકસાવવી જોઈએ જેથી નવા સ્ટાર્ટ અપના વિચારોનું બાળ મરણ ન થઈ જાય. વૉટ્સએપની જન્મગાથા સ્પષ્ટપણે દર્શાવે છે કે સફળતા માટે માત્ર ડિગ્રી જ એકલી લાયકાત નથી. ફેસબુકમાં નોકરી ન મળતાં, બ્રાયન ઍક્ટન અને જાન કોઉમે વર્ષ ૨૦૦૯માં વૉટ્સએપનું સર્જન કર્યું. પાંચ વર્ષ માટે તેમણે તેને અધધધ કિંમતે વેચી દીધું. જે ફેસબુકે તેમને નોકરીની ના પાડી હતી તેણે જ વૉટ્સએપ ૧૯૩૦ કરોડ અમેરિકી ડૉલર (લગભગ રૂ. ૧.૨૫ લાખ કરોડ)માં ખરીદ્યું! પેટીએમ, ફ્લિપકાર્ટ, સ્વિગી, બાયજસ અને બિગ બાસ્કેટની ગાથા પણ સ્ટાર્ટ અપની તાકાત આપણી સમક્ષ દર્શાવે છે.

એવો અંદાજ છે કે ૫-જી યુગ ડિજિટલ ભારતમાં આરોગ્ય, શિક્ષણ, આતિથ્ય (હૉસ્પિટાલિટી) અને કૃષિ ક્ષેત્રમાં નવી-નવી તકો સર્જશે, તે પૃષ્ઠભૂમિમાં, દેશમાં વધુ સર્જનાત્મક શોધો વિકસવી જોઈએ. આવા વિકાસ માટે માર્ગ મોકળો કરવાના હેતુથી, શૈક્ષણિક અભ્યાસક્રમમાં સઘન સુધારાઓ, શૈક્ષણિક કર્મચારીઓને પ્રશિક્ષણ અને ગુણવત્તાવાળી શોધોને યોગ્ય પ્રોત્સાહન અપાવાં જોઈએ. આ અંગેની નીતિથી જ ભારત ચમકી ઉઠશે અને સમર્થ વિકાસ થશે જે આત્મનિર્ભર ભારત બનાવવામાં મદદ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.