નવી દિલ્હીઃ ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને પડકારતી અનેક અરજીઓને સુપ્રીમ કોર્ટે પાંચ ન્યાયાધીશોની સંયુક્ત બેન્ચને ફોરવર્ડ કરી છે. સોમવારે સુપ્રીમ કોર્ટે આ અરજીઓને બંધારણીય બેન્ચને મોકલી આપી છે. સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચે જણાવ્યું કે આ મામલે સુનાવણી પાંચ ન્યાયાધીશોને બેન્ચ કરે તે આવશ્યક છે. તેથી આ કેસ આ બેન્ચને ફોરવર્ડ કરવામાં આવે છે.
30મી ઓક્ટોબરે સુનાવણીઃ પાંચ ન્યાયાધીશવાળી બેન્ચ આ મામલે સુનાવણી 30મી ઓક્ટોબરે કરવામાં આવશે. આ પહેલા બેન્ચે વકીલ પ્રશાંત ભૂષણની દલીલો સાંભળી હતી. જેમાં 2024ની લોકસભા ચૂંટણીઓ માટે ચૂંટણી બોન્ડ યોજના શરુ થયા પહેલા ચુકાદો આવે તેવો ભાર મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચુકાદા માટે અંતિમ સુનાવણી નિર્ધારિત કરી હતી. આ કેસમાં કુલ 4 પીઆઈએલ થયેલ છે.
રુ. 12,000 કરોડની ચૂકવણીઃ આમાં એક અરજીકર્તાએ માર્ચમાં કહ્યું હતું કે ચૂંટણી બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને હજુ સુધી 12,000 કરોડ રુપિયાની ચૂકવણી કરી છે અને જેમાંથી બે તૃતિયાંશ રકમ એક અગ્રણી રાજકીય પક્ષને મળી છે. રાજકીય ફંડિંગમાં પારદર્શકતા લાવવા માટેના પ્રયત્નો અંતર્ગત ચૂંટણી બોન્ડને રાજકીય પક્ષોને મળતા રોકડ નાણાંના વિકલ્પના રુપમાં રજૂ કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષોને થતા ફંડિંગમાં પારદર્શકતા લાવવી અત્યંત જરૂરી છે. તેથી આ મામલે સુપ્રીમ કોર્ટ સત્વરે ચુકાદો લાવે તેવી દલીલ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કરી છે. રાજકીય પક્ષોને ચૂંટણીમાં કરોડોનું ફંડિગ કાળાનાણાને સ્વરૂપે કરવામાં આવતું હોવાના આરોપો અનેકવાર લાગી ચૂકયા છે. જે અટકાવવા માટે ચૂંટણી બોન્ડની યોજના કેન્દ્ર સરકાર લાવી છે.