ફિઝિયોથેરપી ફક્ત હાડકાંને સ્નાયુઓ માટે નથી હોતી, જોણો વિશેષ માહિતી...

author img

By

Published : Sep 8, 2021, 7:56 AM IST

ફિઝિયોથેરપી ફક્ત હાડકાંને સ્નાયુઓ માટે નથી હોતી, જોણો વિશેષ માહિતી...

કોઈ વ્યક્તિને સામાન્ય રીતે પૂછીએ કે ફિઝિયોથેરપિસ્ટ પાસે ક્યારે જવાય તો તે કહેશે કે હાડકાં ભાંગે ત્યારે કે શરીરમાં દુખાવો થાય ત્યારે ઘણા દેશી લોકો તો થેરપી લેવા જાઉં છું એમ કહેવાને બદલે શેક લેવા જાઉં છું એમ જ કહે છે. એક સામાન્ય માન્યતા પ્રમાણે હાડકાંના નિષ્ણાત ડૉક્ટરો જ દરદીને ફિઝિયોથેરપિસ્ટ પાસે મોકલે છે.

  • આજે વલ્ડ ફિઝિકલ થેરપી ડે
  • ફિઝિયોથેરપીનું મહત્વ શુ છે
  • કોઈ પણ પરિસ્થિતિમાં ફિઝિયોથેરપી

ન્યૂઝ ડેસ્ક : આજે વલ્ડ ફિઝિકલ થેરપી ડે છે. આ દિવસની ઉજવણી એટલા માટે થાય છે કે લોકોને ફિઝિયોથેરપીનું મહત્વ સમજાવી શકાય. ત્યારે જુદા-જુદા રોગોમાં જુદા-જુદા પ્રકારની તકલીફોમાં આપણને ફિઝિયોથેરપીની જરૂર પડે છે. ઘણા રોગોમાં દવા કરતાં પણ વધુ અકસીર કામ આપતી આ થેરપીની કેટલી જુદી-જુદી સ્પેશ્યલ બ્રાન્ચ છે અને એ બ્રાન્ચ કઈ-કઈ રીતે મદદરૂપ થાય છે એ આજે જાણીએ.

હાડકાં, સ્નાયુ અને સાંધા માટે ફિઝિયોથેરપી

સ્નાયુ, હાડકાં અને સાંધા માટે ઉપયોગમાં આવતી ફિઝિયોથેરપીની આ બ્રાન્ચને મસ્ક્યુલોસ્કેલિટલ રીહૅબ કહે છે. સ્નાયુ ખેંચાઈ ગયા હોય, જકડાઈ ગયા હોય, સ્નાયુ પર સોજો આવી ગયો હોય, સાંધાનો દુખાવો થયો હોય, સાંધામાં પાણી ભરાતું હોય, હાડકાંમાં તિરાડ પડી હોય કે ફ્રૅક્ચર આવ્યું હોય, હાડકાં નબળાં પડી ગયાં હોય એવી કોઈ પણ પરિસ્થિતિમાં ફિઝિયોથેરપીની મદદ લેવામાં આવે છે. આ વિશે વધુમાં જણાવતાં ફિઝિયોરીહૅબ-મલાડનાં ફિઝિયોથેરપિસ્ટ અંજના લોન્ગાની કહે છે, ‘આ ઉપરાંત ની-રિપ્લેસમેન્ટ સર્જરી, હિપ-બોન સર્જરીમાં ફિઝિયોથેરપી વ્યક્તિને ખૂબ મદદ કરે છે. સ્નાયુ, સાંધા કે હાડકાંના ઇલાજમાં દવાઓ જે પણ તકલીફ હોય એને દૂર કરી શકે છે; પરંતુ સ્નાયુ, સાંધા કે હાડકાંને મજબૂતી પ્રદાન કરી શકતી નથી. આ કામ ફિઝિયોથેરપીનું છે જેથી વ્યક્તિને આગળ જતાં બીજી તકલીફ થતી નથી. ઘણા કેસમાં દવાઓ કરતાં પણ વધુ જરૂર ફિઝિયોથેરપીની હોય છે.’

મગજ અને જ્ઞાનતંતુઓ માટે

મગજમાંથી સમગ્ર શરીરમાં ફેલાયેલા જ્ઞાનતંતુઓ સાથે સંબંધિત કોઈ પણ તકલીફમાં ફિઝિયોથેરપી અત્યંત ઉપયોગી છે. આ થેરપીની બ્રાન્ચનું નામ ન્યુરો રીહૅબ છે જેમાં મગજ, કરોડરજ્જુ અને જ્ઞાનતંતુઓને સંબંધિત તકલીફોનો ઇલાજ કરવામાં આવે છે. એ વિશે જણાવતાં અંજના લોન્ગાની કહે છે, ‘મોટા ભાગે મગજને સંબંધિત બીમારીઓ જેમ કે ઑલ્ઝાઇમર્સ, બ્રેઇન-સ્ટ્રોક, હૅમરેજ, સ્પાઇન ઇન્જરી વગેરેમાં જ્યારે વ્યક્તિ લગભગ અક્ષમ જેવી હાલતમાં મુકાઈ જાય છે કે પથારીવશ બની જાય છે ત્યારે એમાંથી તેને બેઠી કરવાની અને ઘણા કેસમાં પહેલાં જેવી હરતી-ફરતી કરી દેવાનાં ચમત્કારિક પરિણામો ફિઝિયોથેરપીથી પ્રાપ્ત થઈ શકે છે.

ફેફસાં અને શ્વાસ માટે

ફેફસાંના રોગો કે જૂના-જટિલ શ્વાસ સંબંધિત રોગોમાં પણ ફિઝિયોથેરપી ઘણી મદદરૂપ થાય છે. આ બ્રાન્ચને પલ્મનરી રીહૅબ પણ કહે છે. એ વિશે સમજાવતાં અંજના લોન્ગાની કહે છે, ‘આ વિભાગમાં બે જુદાં-જુદાં કામ છે. એક તો જ્યારે દર્દી હૉસ્પિટલમાં દાખલ હોય ત્યારે ઇન્ટેન્સિવ કૅર યુનિટ કે વેન્ટિલેટર પર હોય, અસ્થમાનો આકરો અટૅક આવ્યો હોય કે કોઈ સર્જરી થઈ હોય તો હૉસ્પિટલમાં જ વ્યક્તિ વ્યવસ્થિત શ્વાસ લઈ શકે એ માટે તેમને ફિઝિયોથેરપી આપવામાં આવે છે. આ સિવાય શ્વાસના જૂના રોગો, અસ્થમા, બ્રૉન્કાઇટિસ કે ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસઑર્ડરમાં પણ આ થેરપી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એમાં મોટા ભાગે એક્સરસાઇઝ દ્વારા ફેફસાંની કૅપેસિટી વધારવામાં આવે છે.’

હાર્ટ માટે

હૃદય સંબંધિત જે રોગો છે એ માટે ફિઝિયોથેરપીની એક બ્રાન્ચ કાર્ડિઍક રીહૅબ કામ કરે છે. એ વિશે વાત કરતાં અંજના લોન્ગાની કહે છે, ‘હાર્ટને સંબંધિત પ્રૉબ્લેમ્સ જેમ કે સ્ટ્રોક કે કૉરોનરી આર્ટરી ડિસીઝ, વાલ્વની ખરાબીને લીધે હાર્ટ જે નબળું પડી જાય છે એને ફરીથી સશક્ત કરવા માટે ફિઝિયોથેરપી કામ કરે છે. ખાસ કરીને હાર્ટની કોઈ પણ પ્રકારની સર્જરી પછી રિકવરી લાવવા માટે દરદીને ફિઝિયોથેરપી લેવાનું સૂચવવામાં આવે છે.

બાળકો માટે

૧૫ વર્ષની નીચેનાં બાળકોને કોઈ પણ પ્રકારની શારીરિક ખામી હોય તો તેમના માટે પીડિયાટ્રિક રીહૅબ કામ કરે છે જેમાં નવજાત બાળકો, સ્કૂલમાં જતાં બાળકો અને ટીનેજર બાળકો બધાં આવી જાય છે. આ વિશે વાત કરતાં અંજના લોન્ગાની કહે છે, ‘ઘણાં નવજાત બાળકોને જન્મજાત શરીરમાં ખોડ હોય છે. પ્રેગ્નન્સી કે ડિલિવરી સમયે કોઈ કૉમ્પ્લીકેશન થયાં હોય અને બાળક પર એની અસર થઈ હોય, વધતા બાળકને ચાલવામાં કે કોઈ અંગને હલાવવામાં તકલીફ થતી હોય કે આવા કોઈ પણ પ્રૉબ્લેમ્સમાં ફિઝિયોથેરપી ખૂબ કામ આવે છે. એમાં નાનાં બાળકો પર એ ખૂબ જલદી કામ કરે છે.’

બીજા પ્રકારો

કૅન્સરમાં પણ અમુક અંગો પર જે અસર થઈ હોય છે. એ હટાવવા માટે ફિઝિયોથેરપી વપરાય છે એને ઓન્કો રીહૅબ કહે છે. આ સિવાય જે લોકો બળી ગયા છે તેમની સર્જરી પછી તેમને જડબાંને હલાવવા મુશ્કેલ બની જાય છે. સ્કિન તો નવી આવી જાય, પરંતુ મસલ્સને ફરીથી કામ કરતા કરવા માટે ફિઝિયોથેરપી મદદ કરે છે. આ માહિતી સાથે સમજાવતાં અંજના લોન્ગાની કહે છે, ‘કોઈ પણ પ્રકારની સર્જરી પછી દરદીને ફિઝિયોથેરપીની જરૂર પડે જ છે, કારણ કે કોઈ પણ અંગની સર્જરી હોય એની રિકવરી માટે ફિઝિયોથેરપી જોઈએ જ. ઘણા લોકો એવા છે જેઓ સમજે છે કે દવાથી ઠીક થવાય છે તો ફિઝિયોની શું જરૂર છે, પરંતુ આવું સમજીને થેરપી ન લેનારા લોકોને એવી રિકવરી આવતી નથી જેવી થેરપી લેનારાને આવે છે.

ઇલાજ પહેલાં બચાવ

ફિઝિયોથેરપીમાં હવે રીહૅબિલિટેશનની સાથે-સાથે પ્રીહૅબિલિટેશન પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. સ્પોટ્ર્સમૅન, ડાન્સર્સ, ઍથ્લીટ્સની સાથે-સાથે એવા ઘણા લોકો છે જે આજે પોતાનું શરીર ડૅમેજ ન થાય એ માટે ફિઝિયોથેરપી લે છે. પ્રેગ્નન્સી દરમ્યાન અને એ પછી લેવામાં આવતા પ્રી-નેટલ અને પોસ્ટ-નેટલ પ્રોગ્રામ પણ પ્રીહૅબિલિટેશનનો એક ભાગ છે. પ્રીહૅબિલિટેશન શું છે એ સમજાવતાં અંજના લોન્ગાની કહે છે, ‘ઘણા વૃદ્ધ લોકો કહે છે કે અમે અમારા શરીરને સ્ટ્રૉન્ગ રાખવા માગીએ છીએ જેને લીધે અમે વૃદ્ધાવસ્થામાં પણ કોઈ પર નિર્ભર ન રહીએ અને જીવનને માણી શકીએ. એ માટે તેમને સ્ટ્રેન્થ વધે એવી કસરતો કરાવવામાં આવે છે. ઘણા લોકો કહે છે કે રેગ્યુલર એક્સરસાઇઝમાં હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવા માટેની એક્સરસાઇઝ અમને શીખવો. ઘણા લોકો મૅરથૉન માટે ટ્રેઇન થવા આવે છે તો કેટલાક પર્વત ચડતા પહેલાં સ્ટ્રેન્થ એકઠી કરવા માટે ટ્રેઇન થવા લોકો અમારી પાસે આવે છે. આ આખો અપ્રોચ એવો છે જેમાં શરીરને કંઈ થાય એ પહેલાં જ મજબૂત બનાવવાની જે પહેલ છે એ મહત્વની છે. પ્રિવેન્શનનો આ અપ્રોચ જે આવી રહ્યો છે એ ખૂબ ઉપયોગી છે અને બધાએ અપનાવવા જેવો છે.’

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.