'રાગી'ના પોષણ મૂલ્યને જાણો છો ?

author img

By

Published : Sep 27, 2021, 3:25 PM IST

'રાગી'ના પોષણ મૂલ્યને જાણો છો ?

ન્યુટ્રિશનિસ્ટ્સ અને ખોરાક નિષ્ણાતો હંમેશા વજન ઘટાડવા માટે ડાયટિંગને બદલે યોગ્ય આહાર અને કસરતોની ભલામણ કરે છે. તંદુરસ્ત રહેવામાં વજન ઘટાડવામાં કસરતની ભૂમિકા યોગ્ય, સંતુલિત અને પૌષ્ટિક આહાર જેટલી જ મહત્વની છે. અમે આપને એવા જ એક આહાર વિશે માહિતી આપવા જઈ રહ્યાં છીએ જે માત્ર વજન ઘટાડવામાં જ નહીં, શરીરને સંપૂર્ણ પોષણ આપવામાં પણ ખૂબ મદદરૂપ છે.

  • સંપૂર્ણ ખોરાકની જરુરિુયાતો અને રાગીનું મહત્ત્વ
  • રાગીનો નિયમિત ઉપયોગ કયા લાભ આપે છે જાણો
  • રાગી કોણે ન ખાવી જોઇએ તે પણ જાણો

વજન ઘટાડવા માગતા લોકો સામાન્ય રીતે એવા ખોરાક અને વિશેષ આહારની માર્ગદર્શિકાઓનું પાલન કરે છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે. પણ વજન ઘટાડવા સાથે આપણે જે આહારનું સેવન કરીએ છીએ તેના પર ધ્યાન આપવું જરૂરી છે. વિચારવું જોઇએ કે શું તે ખોરાક પોષક અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

પોષણયુક્ત સમૃદ્ધ અનાજની શ્રેણીમાં છે રાગી

જોકે નાચણી અથવા રાગી હંમેશા પોષણયુક્ત સમૃદ્ધ અનાજની શ્રેણીમાં ગણવામાં આવે છે, પરંતુ તેના ફાયદાઓ વિશે માહિતીનો અભાવ છે. જેને કારણે મોટાભાગના લોકો રાગીનો ઓછો ઉપયોગ કરે છે. જ્યારથી રાગીનો ટ્રેન્ડી ડાયટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી જોકે રાગીની લોકપ્રિયતા વધી તો છે. ચાલો જાણીએ કે કેવી રીતે રાગી વજન ઘટાડવા અને સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

શું છે નાચણી અથવા રાગી

રાગી અથવા નાચણી એક ફાઇબરથી સમૃદ્ધ ભારતીય અનાજ છે, જેનો ઉપયોગ રોજિંદા ભોજન તરીકે ચોખા, ઘઉં અથવા જવની જેમ થાય છે. રાગીમાં એમિનો એસિડ જેવા કે આઇસોલેયુસીન, ટ્રિપ્ટોફન, વેલીન, મેથિયોનાઇન અને થ્રેઓનિન જેવા તત્વો છે. રાગીને ચુસ્ત શાકાહારી આહારનો પણ એક ભાગ માનવામાં આવે છે. રાગી એવા લોકો માટે પણ ફાયદાકારક છે જેઓ ધાન્યના લોટમાં રહેલા ગ્લુટન દ્રવ્ય પ્રત્યે સંવેદનશીલ હોય છે. કારણ કે રાગી કાર્બનિક રુપમાં જ ગ્લુટન ફ્રી છે તેથી તેને ઘઉંનો સારો વિકલ્પ પણ માનવામાં આવે છે.

સવારના નાસ્તા માટે આદર્શ છે રાગી

રાગીમાં વિટામિન સી, વિટામીન ઇ, બી કોમ્પ્લેક્સ વિટામિન, આયર્ન, કેલ્શિયમ, એન્ટીઓકિસડન્ટ, પ્રોટીન, ફાઇબર, પર્યાપ્ત કેલરી અને સારી ચરબી જેવા મુખ્ય પોષક તત્વો મળી આવે છે. ન્યુટ્રિશનિસ્ટ દિવ્યા શર્મા જણાવે છે કે રાગી આધારિત ખોરાક જેમ કે રાગી ઉપમા, ઇડલી અથવા રોટલી અથવા સવારના પહેલા ભોજન તરીકે રાગીમાંથી બનાવેલ પરોઠાનો નાસ્તો શરીરને દિવસભર ઊર્જાવાન રાખે છે. રાગીમાં ડાયેટરી ફાઈબર ભરપૂર હોય છે અને ડાયેટરી ફાઈબર જલ્દી પચતું નથી, તેથી નાસ્તામાં રાગીમાંથી બનેલા ખોરાકનું સેવન કરવાથી આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન પણ ઘટે છે.

એ નોંધવું અગત્યનું છે કે રાત્રે રાગી ખાવી ખાસ કરીને જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેમના માટે સારો વિચાર નથી, કારણ કે રાગીને પચવામાં સમય લાગે છે.

રાગીનું સેવન કેવી રીતે કરવું જોઇએ

રાગી સામાન્ય રીતે દળીને અથવા ફણગાવીને ખાવામાં આવે છે. શુદ્ધ રાગીના લોટમાંથી રોટલી બનાવવી મુશ્કેલ છે તેથી તેને ઘઉંના લોટમાં ભેળવી શકાય છે. તેમાંથી ઇડલી અને ઉપમા પણ બનાવી શકાય છે. રાગીના દાણા અનાજના સ્વરૂપમાં ખૂબ જ નાના હોવાથી તે પોલિશ કરવા કે પ્રોસેસ કરવામાં મુશ્કેલી પડે છે. આ કારણથી રાગીમાં ભેળસેળની શક્યતા પણ ઓછી હોય છે.

સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે રાગી

  • રાગીમાં અલગઅલગ પ્રકારના એમિનો એસિડ મળે છે જે ત્વચા, દાંત-પેઢાં અને વાળને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે.
  • રાગીમાં ભરપુર માત્રામાં એન્ટિ ઓક્સિડન્ટ પણ મળે છે જે તણાવ ઘટાડવામાં સહાયક નીવડે છે. તે ઉપરાંત ચિંતા, ડિપ્રેશન અને અનિદ્રા સામે રાગીનું નિયમિત સેવન ઘણું ફાયદાકારક બને છે.
  • રાગી કેલ્શિયમનો પ્રાકૃતિક સ્ત્રોત છે જેના નિયમિત ઉપયોગથી વધતી વયનાં બાળકોના હાડકાં મજબૂત બને છે. સાથે જ વૃદ્ધોમાં બોન ડેન્સિટી પણ સુધરે છે. તે ઓસ્ટિઓપોરોસિસના લક્ષણો કમ કરવામાં સહાયક બને છે.
  • રાગી વજન ઓછું કરવામાં, ડાયાબિટીસ અને મેદસ્વિતા જેવી સમસ્યાઓ સામે પણ લાભકારી બને છે કારણ કે તેમાં ફાયબરની માત્રા સમૃદ્ધ હોય છે.
  • રાગીમાં આયર્ન પણ ભરપુર માત્રામાં મળે છે તેથી રાગીથી લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ મળે છે.

આ પણ વાંચોઃ બાજરી જેવા આખા અનાજ કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ ઘટાડી શકે છે

આ પણ વાંચોઃ તંદુરસ્ત શરીર માટે પહેલી આવશ્યકતા: ભરપૂર Protein

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.