રુદ્રપ્રયાગ (ઉત્તરાખંડ): કેદારનાથ યાત્રાના પડાવા ગૌરીકુંડ (ગૌરી ગામ)માં નેપાળી મૂળના ત્રણ બાળકો ભૂસ્ખલનના મલબામાંં દટાયા હતા. સ્થાનિક પોલીસે એનડીઆરએફ અને સ્થાનિક લોકોની મદદથી ત્રણેય બાળકોને મલબામાંથી બહાર કઢાયાં હતાં. બાળકોને સારવાર માટે ગૌરીકુંડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં, જ્યાં ડોક્ટરોએ બે બાળકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક બાળકને સારવાર આપવામાં આવી રહી છે. ઘટના બની ત્યારે બાળકો માતા સાછે સૂઇ રહ્યાં હતાં. જ્યારે બાળકોના પિતા નેપાળ ગયાં હોવાનું બહાર આવ્યું છે.
પરિવાર પર ઉપરની તરફથી મલબો ધસી આવ્યો : જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદનસિંહ રજવારે જણાવ્યું હતું કે ગૌરીકુંડ ગામમાં હેલિપેડની આગળ ગામની નીચે એક નેપાળી પરિવારના ઉપરના ખેતરમાંથી માટીનો મલબો ધસી આવ્યો હતો. ત્રણ બાળકો કાટમાળ નીચે દટાયા હોવાની માહિતી મળી હતી. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક ગૌરીકુંડ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. જોકે ડોક્ટરોએ બે બાળકોને મૃત જાહેર કર્યા હતાં જ્યારે એકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
માતા સાથે સૂતાં હતાં બાળકો : જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રજવારેે વધુમાં જણાવ્યું કે આ અકસ્માતમાં 5 વર્ષની પિંકી નામની બાળકી અને નાનકડા બાળકનું મોત થયું છે. જ્યારે 8 વર્ષની સ્વીટી અકસ્માતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકોના પિતા સત્યરાજ નેપાળમાં તેમના ગામ ગયા છે. જ્યારે માતા જાનકી બાળકો સાથે શિબિરમાં સૂઈ રહી હતી. ઉપરના ખેતરમાંથી માટીનો મલબો ધસી આવ્યા બાદ જાનકી કેમ્પમાંથી સુરક્ષિત બહાર આવી ગઈ હતી, જ્યારે બાળકો કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં.
ગૌરીકુંડ દુર્ઘટનાની યાદ તાજી થઇ : આપને જણાવીએ કે ગયા ગુરુવારે 3 ઓગસ્ટની રાત્રે કેદારનાથ યાત્રાના મુખ્ય પડાવ ગૌરીકુંડમાં ભયંકર ભૂસ્ખલન થયું હતું. માટી ધસી પડી તેમાં ત્રણ દુકાનો ધરાશાયી થઈ ગઈ હતી. ત્રણ દુકાનોમાં સૂઈ રહેલા 23 લોકો ગુમ થયાં હતાં, જેમાંથી ત્રણ લોકોના મૃતદેહ પોલીસ અને પ્રશાસન દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારથી લાપતા 20 લોકોની હજુ શોધ ચાલુ છે. મંદાકિની નદીમાં જલ પોલીસની ટીમ, સ્થાનિક પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે.
પૌડીમાં કાર ઊંડી ખાઇમાં પડી : તો ઉત્તરાખંડમાં જ બીજા બનાવમાં 4 લોકોના મોતની ઘટના નોંધાઇ છે. જેમાં લેન્સડાઉન-દેવડોલી રોડ પર એક કાર દુર્ઘટના સર્જાઇ છે. આ બનાવમાં પિતાપુત્ર સહિત ચાર વ્યક્તિના મોત થયાં છે. જણાવાઇ રહ્યું છે કે કારમાં સવાર ગુમખાલ બજારમાંથી પોતાના ગામ દેવડાલી પૌડી ગઢવાલ જઇ રહ્યાં હતાં. અકસ્માતની ઘટનાની જાણકારીના પગલે સ્થળ પર પહોંચેલી પોલીસ અને એસડીઆરએફ ટીમે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને મૃતદેહ બહાર કાઢ્યાં હતાં. જે બાદ પોલીસને ઘટનાની જાણકારી મૃતકોના પરિવાર દ્વારા આપવામાં આવી હતી.