ETV Bharat / bharat

2020માં બાળકોનું આરોગ્ય

author img

By

Published : Dec 30, 2020, 1:51 PM IST

Updated : Dec 31, 2020, 1:14 PM IST

બાળકનો જન્મ થાય ત્યારથી તે સ્વયંની કાળજી રાખવા માટે સક્ષમ થાય, ત્યાં સુધી તેની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને આ વર્ષે, કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને તેના ભરડામાં લીધું છે, ત્યારે માતા-પિતાને તેમનાં બાળકોને આ જીવલેણ વાઇરસથી દૂર રાખવા માટે તેમની વિશેષ કાળજી લેવાની તાકીદ કરવામાં આવી હતી. વાઇરસને કારણે જેની કદી કલ્પના પણ નહોતી કરવામાં આવી, તેવી સ્થિતિ ઉદ્ભવી, જેમ કે, આખું શૈક્ષણિક વર્ષ ઓન લાઇન વર્ગો લઇને પૂરું કરવામાં આવ્યું. આ સમય બાળકો માટે, શિક્ષકો માટે તેમજ માતા-પિતા માટે ભારે પડકારરૂપ હતો. બાળકોનો મોટાભાગનો સમય સ્ક્રીન સામે તાકતાં રહીને પસાર થયો, જેને કારણે તેમનું માનસિક અને શારીરિક આરોગ્ય ઘણું પ્રભાવિત થયું.

2020માં બાળકોનું આરોગ્ય
2020માં બાળકોનું આરોગ્ય

2020માં બાળકોનું આરોગ્ય

બાળકનો જન્મ થાય, ત્યારથી તે સ્વયંની કાળજી રાખવા માટે સક્ષમ થાય, ત્યાં સુધી તેની ખૂબ સંભાળ રાખવી જરૂરી છે. ખાસ કરીને આ વર્ષે, કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને તેના ભરડામાં લઇ લીધું છે, ત્યારે માતા-પિતાને તેમનાં બાળકોને આ જીવલેણ વાઇરસથી દૂર રાખવા માટે તેમની વિશેષ કાળજી લેવાની તાકીદ કરવામાં આવી હતી. વાઇરસને કારણે જેની કદી કલ્પના પણ નહોતી કરવામાં આવી, તેવી સ્થિતિ ઉદ્ભવી, જેમ કે, આખું શૈક્ષણિક વર્ષ ઓનલાઇન વર્ગો લઇને પૂરું કરવામાં આવ્યું. આ સમય બાળકો માટે, શિક્ષકો માટે તેમજ માતા-પિતા માટે ભારે પડકારરૂપ હતો. બાળકોનો મોટાભાગનો સમય સ્ક્રીન સામે તાકતાં રહીને પસાર થયો, જેને કારણે તેમનું માનસિક અને શારીરિક આરોગ્ય ઘણું પ્રભાવિત થયું. આ વર્ષે કોરોનાવાઇરસે સર્જેલી તબાહીની સાથે સમગ્ર વર્ષ દરમિયાન જે કેટલાક પ્રવાહો અને બાળકોના આરોગ્યલક્ષી પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી, તેના પર આપણે નજર નાંખીશું.

કોવિડ-19 મહામારી

શરૂઆતમાં જ્યારે આપણે આ બિમારી વિશે ઘણી ઓછી જાણકારી ધરાવતા હતા, ત્યારે બાળકો પર સૌથી વધુ જોખમ હોવાનું ચર્ચાતું હતું. પણ જેમ-જેમ આપણે આ વાઇરસ વિશે વધુને વધુ સમજૂતી મેળવતા ગયા, તેમ-તેમ આપણને ખબર પડી કે, પુખ્તોની તુલનામાં બાળકો વાઇરસથી ઓછા પ્રભાવિત થયા હતા. વળી, આ બિમારીનો ભોગ બનેલાં બાળકોમાં તેનાં લક્ષણો ઘણાં હળવાં જોવા મળ્યાં હતાં, જેના કારણે માતા-પિતાને અમુક અંશે રાહત થઇ.

જોકે, બિમારી સિવાય, કોરોનાએ બાળકોના માનસિક આરોગ્ય પર વિપરિત અસર ઉપજાવી હતી. મહામારીને કારણે બાળકો ઘરોમાંથી બહાર નિકળી શકતાં ન હતાં, શાળાઓ બંધ હતી અને આઉટડોર પ્રવૃત્તિઓ પણ બંધ કરી દેવાઇ હતી. આ તમામ સંજોગોને કારણે બાળકો કંટાળી ગયાં, અસ્વસ્થ થયાં, સ્વભાવમાં ચીડિયાપણું આવ્યું, તેઓ હતાશાનો ભોગ બન્યા અને આળસુ બની ગયાં. વળી, તેમને તેમનાં મિત્રોથી વિખૂટા પડી ગયા હોવાની પણ લાગણી થઇ. આ તમામ પરિબળોની તેમની માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી.

મેદસ્વીપણું

બાળકોના આરોગ્ય સંબંધિત વધુ એક ચર્ચાસ્પદ બનેલી સમસ્યા મેદસ્વીતા હતી. મહામારીના કારણે બાળકો ઘરોમાં કેદ થઇ ગયાં હોવાથી મોબાઇલ, લેપટોપ કે ટીવીની સ્ક્રીન જોવામાં તેમનો સમય વધી ગયો હતો અને તેની સાથે જ, આહારનું પ્રમાણ પણ વધી ગયું હતું. શારીરિક પ્રવૃત્તિના અભાવ, રૂટિનમાં શિસ્તબદ્ધતાની ગેરહાજરી અને આહાર લેવાની બિન-આરોગ્યપ્રદ પ્રણાલિના કારણે તેમનું વજન વધી ગયું હતું. નિષ્ણાતોએ એમ પણ જણાવ્યું હતું કે બાળકોનું વજન વધી જવાને કારણે તેમને થાક લાગવો, ઊંઘ ઊડી જવી, તણાવમાં વધારો થવો, વગેરે જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને કેટલાંક બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પણ પડી શકે છે. જો સમસ્યા વધી જાય, તો ડાયાબિટીસ, હૃદયની બિમારી, હાઇપર ટેન્શન અને અનિદ્રા જેવી ગંભીર બિમારીઓ પણ લાગુ પડવાની શક્યતા રહે છે. આમ, કોરોનાવાઇરસ સાથે બાળકો મેદસ્વી થઇ જવાના ભયે માતા-પિતાને ચિંતામાં નાંખી દીધાં હતાં.

શિશુનું આરોગ્ય

નવજાત શિશુ સાથે ઘણા પડકારો જોડાયેલા હોય છે, કારણ કે તે વયે તેમની વૃદ્ધિ અને શરીરના વિકાસ આડે અવરોધ ઊભો કરે, તેવાં ઘણાં પરિબળો મોજૂદ હોય છે. આ વર્ષે, શિશુ તંદુરસ્ત અને નિરોગી કેવી રીતે રહી શકે, તે અંગે અમે ચર્ચા કરી હતી, જેના અંશો અહીં પ્રસ્તુત છેઃ

માલિશ:
શિશુનો થાક દૂર થાય, તેના શરીરમાં રક્ત પરિભ્રમણમાં સુધારો થાય, પાચન શક્તિ વધે, ત્વચાની કાંતિ વધે અને વાળને પોષણ મળી રહે, તે માટે શિશુને સ્નાન કરાવતાં પહેલાં રોજ માલિશ કરવી જોઇએ. માલિશ કરવાથી તેનાં હાડકાં, સાંધા અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે. જન્મના એક સપ્તાહ બાદ હળવી માલિશ સાથે શરૂઆત કરી શકાય, પણ આ વયે શિશુ અત્યંત નાજુક હોવાથી તેની ખાસ કાળજી લેવી જરૂરી બની રહે છે. આ ઉપરાંત, જો સૂર્ય પ્રકાશમાં સવારના દસ વાગ્યાથી બપોરે બાર વાગ્યાની વચ્ચે માલિશ કરવામાં આવે, અથવા તો માલિશ કર્યા બાદ શિશુને થોડી વાર માટે સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે રાખવામાં આવે, તો બાળકને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી પણ મળી રહે છે.

પોષણ:
શિશુને યોગ્ય પોષણ મળે, તે અત્યંત જરૂરી છે. જન્મના પ્રથમ છ મહિના સુધી બાળકને માત્ર માતાનું દૂધ આપવું જોઇએ. પહેલું દૂધ કોલોસ્ટ્રમ તરીકે ઓળખાય છે અને ખાસ કરીને શિશુના જન્મ બાદ તે આપવું જોઇએ. આ દૂધ રસીની માફક ઘણી બિમારીઓ સામે બાળકનું રક્ષણ કરે છે. ધીમે-ધીમે છ મહિના બાદ દાળ-ચોખાનું ઓસામણ, ફળો-શાકભાજીનો જ્યુસ પણ આપી શકાય. સાત મહિના પૂરા થયે શિશુને સૂપ, દાળનો સૂપ, ભાત અને ચીઝ જેવો હળવો ઘન ખોરાક આપી શકાય છે. નિષ્ણાતો શિશુઓને મધ, ઇંડાં, માછલી, માંસ, સૂકો મેવો, વધુ પડતું મીઠું અને વધુ પડતી ખાંડ આપવાનું ટાળવાનું સૂચન કરે છે. દૂધ ઉપરાંત, શિશુના આહારમાં પનીર, દહીં, ઘી, બટર વગેરે જેવાં ડેરી ઉત્પાદનોનો પણ ઉમેરો કરવો જોઇએ.

6-18 મહિનાની વચ્ચેની વયે શિશુને દાંત આવવાના શરૂ થઇ જાય છે. આ તબક્કો તેમના માટે થોડો મુશ્કેલ હોઇ શકે છે. આથી, નિષ્ણાતો, બાળક છ મહિનાનું થાય, ત્યારે ડેન્ટિસ્ટની મુલાકાત લેવાનું સૂચન કરે છે. ઓછામાં ઓછાં ચાર વર્ષ સુધી બાળકને કોઇ ઉમેરારૂપ ખાંડ કે ચોકલેટ આપવી જોઇએ નહીં અને દાંતની યોગ્ય રીતે સફાઇ કરવામાં આવે, બ્રશ કરવામાં આવે, તે સુનિશ્ચિત કરવું જોઇએ.

કૃમિનું સંક્રમણ

એકથી 14 વર્ષનાં બાળકો પર કૃમિના સંક્રમણનું જોખમ તોળાતું હોય છે અને આવું જ એક ઇન્ફેક્શન સોઇલ-ટ્રાન્સમિટેડ હેલમિન્થ (STH) ઇન્ફેક્શન અથવા તો ઇન્ટેસ્ટાઇનલ વર્મ્ઝ છે. એક વખત કૃમિ બાળકના શરીરમાં દાખલ થાય, પછી તે આંતરડામાં પ્રવેશીને તેના પર કબ્જો જમાવી દે છે અને શરીરને મળતાં પોષક તત્વો આરોગવા માંડે છે. જો આ સમસ્યાની સમયસર સારવાર કરવામાં ન આવે, તો તેના કારણે આંતરિક રક્તસ્રાવ થવાના કારણે પાંડુ રોગ અથવા કુપોષણ જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે, કારણ કે બાળકને જરૂરી પોષક તત્વો મળતાં નથી. આથી, નિષ્ણાતો દર વર્ષે એક વાર બાળકોના શરીરમાંથી કૃમિ દૂર કરાવવાની સારવારની સલાહ આપે છે.

દ્રષ્ટિની સમસ્યા

મહામારી દરમિયાન આઉટડોર પ્રવૃત્તિઓ પર નિયંત્રણો આવી જવાના કારણે તેમજ ઓનલાઇન વર્ગોને કારણે સ્ક્રીન જોવામાં વધુ સમય પસાર કરવાને કારણે બાળકોમાં દ્રષ્ટિ સંબંધિત ઘણી સમસ્યાઓ ઉદ્ભવી હતી. એક પિડીયાટ્રિક ઓપ્થેમોલોજિસ્ટના જણાવ્યા પ્રમાણે, સ્ક્રીન જોવામાં વધુ સમય પસાર કરવાને કારણે બાળકોમાં ટૂંકી દ્રષ્ટિ અથવા માયોપિયાની સમસ્યા સર્જાઇ શકે છે. જો મ્યોપિયા વધે, તો બાળકો તણાવ, બેચેની, વર્તન સંબંધિત સમસ્યાઓ, સામાજિક કૌશલ્યોનો અભાવ અને સૂવાની આદતમાં ખલેલ પડવી વગેરે જેવી તકલીફોનો ભોગ બની શકે છે. આથી, નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છેઃ

જે બાળકોને ચશ્માં પહેરવાની સલાહ અપાઇ હોય કે ચશ્માં પહેરતાં હોય, તેમણે નિયમિતપણે ચશ્માં પહેરવાં જોઇએ.

20-20-20નો નિયમ અપનાવવો, અર્થાત્, દર 20 મિનિટે 20 સેકન્ડનો વિરામ લઇને તમારાથી 20ના અંતરે હોય, તેવી કોઇ ચીજવસ્તુ જોવી.

તમારા બાળકને બોર્ડ ગેમ કે અન્ય શારીરિક પ્રવૃત્તિઓ જેવી વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવા. સ્ક્રીનની ગ્લેરને એડજસ્ટ કરવા માટે સ્ક્રીન પ્રોટેક્ટરનો ઉપયોગ કરી શકાય.

તમારું બાળક રોજ આરોગ્યપ્રદ અને સંતુલિત આહાર લે, તે સુનિશ્ચિત કરવું.

આમ, તમારાં બાળકો તંદુરસ્ત અને ફિટ રહે, તે માટે તેમને યોગ્ય પોષણ લેવા માટે ઉત્તેજન આપવું અને તેઓ નિયમિતપણે શારીરિક પ્રવૃત્તિ કરે, તેનું ધ્યાન રાખવું જોઇએ. બાળકો તેમનાં માતા-પિતા અને વડીલોનાં પગલે ચાલતાં હોય છે, આથી તમારા સંતાનના રોલ મોડેલ બનો.

Last Updated :Dec 31, 2020, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.