નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે હવાના પ્રદૂષણને ઓછુ કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. ગુરુવારે તેમણે લોકોને ટ્રાફિક સિગ્નલ પર વાહન રોકતા સમયે વાહનોનું એન્જિન બંધ કરવાની અપીલ કરી હતી.
બુધવારે દિલ્હી-NCRમાં હવામાં થોડો સુધારો જોવા મળ્યો હતો પરંતુ બીજા દિવસે વાતાવરણ વધારે ખરાબ થયો હતો. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તાનો સૂચકાંક 300 ને પાર કરી ગયો હતો. શાહદરા જિલ્લાના ઝિલમિલ વિસ્તારમાં આ ઇન્ડેક્સ 400 ની પાર થઇ ગયો હતો. આ હવાનું સ્તર લોકો માટે જોખમી છે.
વધતા પ્રદૂષણને રોકવા માટે દિલ્હી-NCRમાં આજથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન લાગુ કરવામાં આવશે. ડીઝલ-પેટ્રોલ જનરેટર્સ આખા શિયાળા માટે બંધ રહેશે, વધતા પ્રદૂષણના સ્તરને ઓછું કરવા માટે અન્ય પ્રતિબંધો પણ લગાવવમાં આવશે.
સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ પણ નિયમો લાગુ કરવાની કામગીરી હાથ ધરી છે.