ETV Bharat / bharat

બિનગાંધી કોંગ્રેસ પ્રમુખનો વિચાર આકર્ષક લાગે છે, પણ અમલ અઘરો છે

author img

By

Published : Aug 26, 2020, 10:29 PM IST

બિનગાંધી કોંગ્રેસ પ્રમુખનો વિચાર આકર્ષક લાગે છે, પણ અમલ અઘરો છે
બિનગાંધી કોંગ્રેસ પ્રમુખનો વિચાર આકર્ષક લાગે છે, પણ અમલ અઘરો છે

કોંગ્રેસના પ્રમુખ તરીકે ગાંધી પરિવાર બહારના કોઈ નેતાને મૂકવાની વાત ઘણા સમયથી ચાલે છે. તે માટે અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, મુકુલ વાસનિક અથવા સુશિલ કુમાર શિંદે સહિતના નામો ચાલે છે. જોકે આ પીઢ નેતામાંથી કોઈને પ્રમુખ બનાવાય તેવી શક્યતા ઓછી છે.

નવી દિલ્હી: કોંગ્રેસના પ્રમુખ તરીકે પરિવાર સિવાયની વ્યક્તિને મૂકવાની વાત આકર્ષક લાગે છે, કદાચ તેવું થાય પણ ખરું, પણ તે કેટલું અસરકારક તે સવાલ રહેશે.

બિનગાંધીને કોંગ્રેસના પ્રમુખ બનાવવાની વાત નવી નથી. ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ અને તેમના અનુગામી સીતારામ કેસરી કોંગ્રેસ પ્રમુખ હતા અને ત્યાર બાદ 1998માં સોનિયા ગાંધી પક્ષ પ્રમુખ બન્યા હતા.

ગયા વર્ષે પણ ગેહલોત, શિંદે, વાસનિક અને ખડગે જેવા જૂના જોગીઓના નામ પ્રમુખ તરીકે ચર્ચાવા લાગ્યા હતા. રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને પ્રમુખપદ છોડી દીધું હતું તે પછીની આ ચર્ચા હતી. જાણકારો કહે છે કે રાહુલ ગાંધીને ફરીથી પ્રમુખ બનાવવા મનાવી લેવામાં ના આવે ત્યાં સુધી આ નેતામાંથી કોઈને સૂકાન સોંપવાની ચર્ચા થઈ હતી.

આ બધા જ નેતાઓ પક્ષમાં અગત્યનું સ્થાન ધરાવે છે, પણ કોઈ એક નામ પર સમગ્ર દેશમાંથી સહમતી થાય તેવું શક્ય બન્યું નહોતું. રાજ્યોના એકમોમાંથી અભિપ્રાયો માગવામાં આવ્યા ત્યારે જુદા જુદા નામો આવ્યા હતા. તેના કારણે એક નામ નક્કી થઈ શક્યું નહોતું.

આખરે સોનિયા ગાંધીને જ વચગાળાના પ્રમુખ તરીકે રાખવા પર સૌ એકમત થયા હતા. 19 વર્ષ સુધી પક્ષનું સૂકાન સંભાળનારા સોનિયા વધુ એક વર્ષ માટે તે હોદ્દો સ્વીકારવા તૈયાર થયા હતા, પરંતુ તેમણે કહ્યું હતું કે એક વર્ષ માટે જ તેઓ રહેશે અને ત્યાં સુધીમાં નવા પ્રમુખ પસંદ કરી લેવા જોઈએ.

જોકે તે પછીના 12 મહિના વીતિ ગયા પણ કોઈ સ્પષ્ટતા થઈ શકી નહી. તેના બદલે રાહુલ ગાંધી ફરીથી પ્રમુખ બને તે માટેનો ગણગણાટ જ ચાલતો રહ્યો.

રાહુલ ગાંધી હજી પણ તૈયાર જણાતા નહોતા તેથી પક્ષમાંથી સોનિયાના ટેકેદાર નેતાઓએ કહેવાનું ચાલુ કર્યું કે નજીકના ભવિષ્ય સુધી તેમણે જ પ્રમુખપદે રહેવું જોઈએ.

છેલ્લા એક વર્ષ દરમિયાન પક્ષના નેતાઓ અસહાય થઈને જોતા રહ્યા કે કેવી રીતે ભાજપને મોકળું મેદાન મળી ગયું. પ્રથમ મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્યને તોડીને માર્ચ 2020માં કમલ નાથની સરકારને પણ ઉથલાવી નાખવામાં આવી.

વારંવારની ચેતવણી છતાં મધ્ય પ્રદેશનું જ પુનરાવર્તન રાજસ્થાનમાં થયું. જુલાઈમાં અશોક ગેહલોતની સરકારને તોડી પાડવાની તૈયારી થઈ ત્યાં સુધી પક્ષના નેતાઓ ઉંઘતા જ રહ્યા હતા.

આ બે બનાવોએ દર્શાવી આપ્યું કે કોંગ્રેસમાં કોઈ રણીધણી નથી. સ્થિતિને વકરતી જોઈને પક્ષના 23 પીઢ નેતાઓએ એક પત્ર સોનિયા ગાંધીને લખ્યો. તેમની માગણી હતી કે પૂર્ણસમયના અને સક્રિય દેખાતા પ્રમુખની પક્ષને જરૂર છે અને સંગઠનમાં મોટા પાયે ફેરફારો સાથે આંતરિક ચૂંટણીઓ યોજાવી જોઈએ.

આ પત્ર પછી 24 ઑગસ્ટે કોંગ્રેસ કારોબારીની બેઠક મળી હતી. તેમાં સ્પષ્ટ થઈ ગયું કે પત્રો લખીને ચિંતા વ્યક્ત કરનારા નેતાઓને સમર્થન નથી અને ગાંધી પરિવારના હાથમાં જ હજી કોંગ્રેસ છે. આ સંદર્ભમાં બિનગાંધી નેતાને પ્રમુખ બનાવવાની વાતનો કોઈ અર્થ રહેતો નથી. બળવાખોરો હિંમત કરીને પક્ષમાં ભંગાણ પાડે તો જ કંઈક થશે શકે, પરંતુ તેની શક્યતા પણ દેખાતી નથી.

પક્ષમાં પ્રમુખ તરીકે અન્ય નેતાને મૂકવામાં આવે અને તેને પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળે તે વાત દલીલોમાં આકર્ષક લાગે છે, પણ તેનો અમલ કરવો મુશ્કેલ છે.

મહત્ત્વની વાત એ છે કે કોઈ એક નેતાના નામ પર પીઢ નેતાઓ પણ સહમત થઈ શક્યા નહોતા. આઝાદ, ખડગે, શિંદે, સિબ્બલ કે વાસનિક જેવા નેતાઓ માટે બધાને પોતાની તરફેણમાં કરવા શક્ય નથી.

તેની સામે બધી જ મર્યાદાઓ છતાં ગાંધી પરિવારના નામે કોંગ્રેસને એક રાખી શકાય છે અને ભાજપ સામે લડવા માટે એક મોટો પક્ષ છે એવો સંતોષ લઈ શકાય છે.

બીજું કે દાયકાઓથી કોંગ્રેસનું સંગઠન એવી રીતે રચાયું છે કે તેમાં કોઈને પણ પ્રમુખ બનાવવામાં આવે, ગાંધી પરિવારનો સહયોગ ના હોય તો તેમનાથી કામ ચાલી શકે નહિ. કાર્યકરો અને નેતાઓ પર ગાંધી પરિવારનો પ્રભાવ યથાવત જ રહેવાનો છે, તેના કારણે પ્રમુખે તે પ્રમાણે જ કામ કરવાનું રહે.

એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે ભાજપના નેતાઓ પણ કોંગ્રેસના બીજા નેતાઓ નહિ, પણ ગાંધી પરિવારના સભ્યો પર જ પ્રહારો કરે છે.

જોકે તેના કારણે ગાંધી પરિવાર પર એ જવાબદારી છે કે તેમણે પક્ષને ચેતનવંતો રાખવા માટે પ્રયાસો કરવા પડે. તેમણે સૌથી જૂના પક્ષને ચાલતો રાખવા માટે જરૂરી કડક પગલાં લેવાં પડે.

સુધારાનું કામ જેટલું ઝડપથી થાય તેટલું સારું. મોડું થશે તેટલો અસંતોષ વધશે અને બળવાખોરો અત્યારે ચૂપ બેસી રહેશે, પરંતુ ભવિષ્યમાં ફરીથી નેતાગીરીના મુદ્દે કટોકટી ઊભી થઈ શકે છે.

ગાંધી પરિવારે આઝાદનો સંપર્ક કર્યો (સહિ કરનારા 23માંના એક નેતા) અને તેમને મનાવવા કોશિશ કરી કે યોગ્ય પગલાંઓ લેવામાં આવશે. આ સારી વાત છે, પણ આવા ઘણા પ્રયાસો કરવાની જરૂર છે.

-અમિત અગ્નિહોત્રી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.