અમરેલીમાં સિંહ-દીપડાના હિંસક હુમલાની ઘટના વધી, વન વિભાગ દ્વારા જનજાગૃતિ માટે ખાસ કાર્યક્રમનું આયોજન
ગીર બોર્ડર નજીક આવેલા ગામડાઓમાં વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Published : November 30, 2025 at 5:10 PM IST
અમરેલી : જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રહેણાંક વિસ્તારોમાં તેમજ વાડી વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાઓ વધી રહ્યા છે. આ વિસ્તાર ગીર જંગલ વિસ્તાર નજીકનો હોવાથી અહીંયા વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે, અનેક લોકો પર હુમલાઓ કરતા મોત નીપજ્યા હોવાની ઘટનાઓ બનતા વન વિભાગ સફાળે જાગ્યું છે. વન્ય પ્રાણીઓના હુમલાથી માનવને બચવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.
વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા માટે જનજાગૃતિ કાર્યક્રમ
ધારી વન વિભાગ દ્વારા ગીર બોર્ડર નજીક આવેલા ગામડાઓમાં વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને વન્ય પ્રાણીઓથી થતા સંભવિત જોખમો અને તેમાંથી બચવા માટે લેવાતી તકેદારીઓ વિશે માહિતગાર કરવાનો છે.

ધારી સરસિયા રેન્જના રેન્જ ફોરેસ્ટર ઓફિસર જ્યોતિ વાંઝાના માર્ગદર્શન હેઠળ ધારી તાલુકાના ગરમલી ગામ ખાતે આ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સામાન્ય પ્રાણીઓ દ્વારા થતા હુમલાઓને અટકાવવા માટે લોકોને વિશેષ સમજણ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન, વન વિભાગના કર્મચારીઓ દ્વારા ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરો સાથે વિશેષ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. તેમને વન્યજીવો સાથેના સંઘર્ષને ટાળવા અને સુરક્ષિત રહેવા માટે જરૂરી સૂચનો અને માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો...

