Mahashivratri 2024: સોમનાથ ખાતે સોમેશ્વર મહાદેવના પાર્થિવ શિવલિંગની પૂજા કરતાં શિવભક્તો
Published : Mar 8, 2024, 1:56 PM IST
સોમનાથ: મહાશિવરાત્રીનો મહાપર્વને અનુલક્ષીને આજના દિવસે દેવાધિદેવ મહાદેવનું વિવિધ સ્વરૂપનું પૂજન કરવાથી પણ કોઈ પણ શિવભક્તને મનવાંછિત ફળ મળતું હોય છે. ત્યારે શિવપુરાણમાં ઉલ્લેખ થયા મુજબ આજના દિવસે મહાદેવના પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી પણ ખૂબ જ પુણ્યશાળી ફળ મળતું હોવાની સનાતન ધર્મની પરંપરા છે. તે મુજબ આજના દિવસે સમુદ્ર નદી કે સરોવરની પવિત્ર માટીમાંથી શિવભક્તે સ્વયં તૈયાર કરેલા પાર્થિવ શિવલિંગની આજે પૂજા કરવામાં આવે તો તેને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. ત્યારે આજે શિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવા જોડાયા હતા. આ પ્રકારે એક સાથે અનેક શિવ ભક્તો મહાદેવના પાર્થિવ શિવલિંગની પૂજા કરીને શિવરાત્રીના દિવસે પુણ્યનું ભાથું બાંધતા જોવા મળતા હતા.