ETV Bharat / state

Cervical cancer : સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે લેઉવા પાટીદાર સમાજે બીડું ઝડપ્યું, પાટણમાં વેક્સિનેશન કેમ્પ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2024, 5:09 PM IST

પાટણમાં લેઉવા પાટીદાર સમાજે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણની દિશામાં આગવી પહેલ કરી છે. લેઉઆ પાટીદાર સમાજ દ્વારા પાટણમાં 9 વર્ષથી 26 વર્ષની યુવતીઓને સર્વાઇકલ કેન્સરની રસીનો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

પાટણમાં વેક્સિનેશન કેમ્પ
પાટણમાં વેક્સિનેશન કેમ્પ

સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે લેઉવા પાટીદાર સમાજે બીડું ઝડપ્યું

પાટણ : ગર્ભાશયના કેન્સર સામે યુવતીઓએ રક્ષણ મળી રહે તે હેતુથી પાટણ લેઉવા પાટીદાર સમાજે ઉમદા પહેલ કરી છે. પાટણની લેઉવા પાટીદાર બોર્ડિંગ ખાતે 9 વર્ષથી 26 વર્ષની યુવતીઓને સર્વાઇકલ કેન્સરની રસીનો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. બે દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 675 યુવતીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ : વર્તમાન સમયમાં મહિલાઓને ગર્ભાશયના કેન્સર થઈ રહ્યા છે. જે અંગે તાજેતરમાં સંડેર મુકામે ખોડલધામ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના પૂર્વ મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ સમાજના દાતાઓ થકી યુવતીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મળી રહે તે માટે વેક્સિનેશન આપવા હાકલ કરી હતી.

ગર્ભાશય કેન્સર સામે રક્ષણ માટે પહેલ : પાટીદાર સમાજે આ બાબતે જાગૃત બની વિવિધ ગામડા અને શહેરોમાં પાટીદાર સમાજની યુવતીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવાના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત પાટણ લેઉવા પાટીદાર સમાજ મંડળ પણ આ ભગીરથ કાર્યમાં જોડાયું છે. જે અંતર્ગત લેઉવા પાટીદાર સમાજની યુવતીઓને કેન્સરની રસી આપવા માટે બે દિવસથી કેમ્પનું આયોજન કર્યું છે.

પાટણમાં વેક્સિનેશન કેમ્પ : પાટણ શહેરના ખોખરવાડા વિસ્તારમાં આવેલી લેઉવા પાટીદાર સમાજ બોર્ડિંગ ખાતે કેન્સરની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 9 થી 14 વર્ષની યુવતીઓને છ મહિનામાં બે ડોઝ અને 15 થી 26 વર્ષની યુવતીઓને છ મહિનામાં રસીના ત્રણ ડોઝ આપવામાં આવશે. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સમાજની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી. દરેક યુવતીને વિનામૂલ્યે સરકાર દ્વારા રસી આપવામાં આવે તે અંગે કિરીટ પટેલે રાજ્ય વિધાનસભામાં રજૂઆત કરી છે.

નિષ્ણાંત તબીબની સલાહ : ગાયનેક તબીબ ડોક્ટર જય પટેલે જણાવ્યું હતું કે, કેન્સર જેવી ગંભીર બીમારી જટિલ અને ખર્ચાળ પણ હોય છે, જેમાં મોત પણ થાય છે. પાટીદાર સમાજ દ્વારા આપવામાં આવતી વેક્સીન શિરમ કંપનીની છે. જે ગર્ભાશયના કેન્સર સામે 95 ટકા કરતા વધુ રક્ષણ આપે છે. આ રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ રસીની કોઈ આડઅસર થતી નથી, જેથી દરેક યુવતીએ આ રસી ચોક્કસ લેવી જોઈએ.

ઉદાર દાતાનો સહયોગ : પાટણ લેવા પાટીદાર સમાજ મંડળ દ્વારા સમાજની 675 યુવતીઓનું રસીકરણ કર્યું છે. જેમાં અંદાજે 25 લાખ કરતાં વધુનો ખર્ચ થશે, જે ખર્ચ સમાજના દાતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સહિત સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ સહિત સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પના આયોજનમાં ઉદાર હાથે સહયોગ આપનાર સમાજના દાતા પરિવારની સરાહના કરી હતી.

  1. Voting Awareness Campaign: મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'બલૂન આવે છે....' અભિયાન શરૂ કરાયું
  2. Vasant Panchmi 2024: પાટણ શહેરમાં બહુચર માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.