ETV Bharat / state

ભાજપમાં "ડેમેજ કંટ્રોલ" કે સંગઠન "આઉટ ઓફ કંટ્રોલ", જૂનાગઢમાં આંતરિક અસંતોષના અણસાર ! - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 5:32 PM IST

જૂનાગઢમાં આંતરિક અસંતોષના અણસાર !
જૂનાગઢમાં આંતરિક અસંતોષના અણસાર !

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત થયા બાદ ભાજપ સંગઠનમાં આંતરિક અસંતોષની લાગણી જોવા મળી રહી છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના કાર્યકરો અને નેતાઓમાં રોષ છે. પરંતુ ગતરોજ સ્વંય સીએમ પટેલ જૂનાગઢ પહોંચી બંધ બારણે બેઠક યોજી ગયા, ત્યારે લોક ચર્ચાએ જોર પકડ્યું છે કે, શું જૂનાગઢમાં પણ આંતરિક વર્ગ વિગ્રહ !

ભાજપમાં "ડેમેજ કંટ્રોલ" કે સંગઠન "આઉટ ઓફ કંટ્રોલ"

જૂનાગઢ : લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જોકે સંગઠનમાં છાને ખૂણે અસંતોષ જોવા મળતો હતો, જે ખુલીને વડોદરાથી સામે આવ્યો છે. આજે જામનગરને છોડીને સૌરાષ્ટ્રની મોટાભાગની લોકસભા બેઠકો પર ભાજપમાં અસંતોષ જોવા મળે છે. ત્યારે 48 કલાકની અંદર સરકાર અને સંગઠને જૂનાગઢમાં પાર્ટીના કાર્યકરો સાથે બંધ બારણે બેઠક કરવાની નોબત આવી છે. આ ઘટનાક્રમ જૂનાગઢ બેઠકમાં પણ બધુ સમુ સુથરું નથી તેવું સ્પષ્ટ નિર્દેશ પણ કરે છે.

જૂનાગઢમાં પણ આંતરિક વર્ગ વિગ્રહ ! લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ વડોદરાથી ભાજપમાં અસંતોષ ખુલીને સામે આવ્યો છે, જે હવે ધીમે ધીમે રાજ્યની વિવિધ બેઠકોમાં કાર્યકરોનો ઘુઘવાટ રોષના સ્વરૂપમાં સામે આવી રહ્યો છે. જામનગર બેઠક સિવાય સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકોમાં આ જ પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ અને સુરેન્દ્રનગર બેઠકમાં તો ભાજપની આબરૂના લીરેલીરા થતા જોવા મળ્યા છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં કાર્યકરો વચ્ચેનો આંતરિક વર્ગ વિગ્રહ ખુલીને આંદોલનના રૂપે કે માર્ગ પર જોવા મળતો નથી. પરંતુ ભાજપ સંગઠન અને સરકાર ડેમેજ કંટ્રોલમાં લાગી ગયેલું જોવા મળે છે.

સ્વયં સીએમ પહોંચ્યા જૂનાગઢ : જૂનાગઢમાં સ્થાનિક કાર્યકરો અને પક્ષના નેતાઓ વચ્ચે સંકલન અને મતભેદ હોવાનો સ્પષ્ટ નિર્દેશ ભાજપની પાછલા 48 કલાકની ગતિવિધિ દ્વારા સામે આવ્યો છે. 48 કલાકમાં સરકાર અને સંગઠન બંને જૂનાગઢના આંગણે આવી પહોંચ્યા હતા. બે દિવસ પૂર્વે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યકર્તાઓ અને નેતાઓ સાથેની બેઠકમાં એક સાથે કામ કરવાની શીખ આપી હતી. તેના એક દિવસ બાદ મુખ્યપ્રધાન સ્વયં જૂનાગઢ પહોંચ્યા હતા. સીએમ પટેલે બંધ બારણે કાર્યકર્તાઓ, નેતાઓ અને ધારાસભ્યો, સાંસદ સાથે બેઠક યોજી હતી. તેમાં પણ તમામ મતભેદો ભૂલીને કામ કરવાની શીખ આપી હતી.

સંગઠન દ્વારા ડેમેજ કંટ્રોલ : મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખની જૂનાગઢ બેઠક ભાજપમાં ડેમેજ કંટ્રોલના ભાગરૂપે જોવામાં આવતી હતી. પરંતુ સી. આર. પાટીલની મુલાકાત બાદ પક્ષના નેતાઓ અને પૂર્વ ધારાસભ્યોમાં મતભેદોનું નિરાકરણ થયું નથી. તેને ધ્યાને રાખીને મુખ્યપ્રધાન સ્વયં જૂનાગઢ આવ્યા અને તમામ નેતાઓને એક સાથે લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

એક કરવાના એજેન્ડાનો ફિયાસ્કો ? આ બેઠકમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા, વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને ભુપત ભાયાણીને એક સાથે બેસાડી જૂનાગઢ જિલ્લાના સંગઠનના નેતાઓ સાથે સુમેળ સધાય તેવો પ્રયાસ હતો. ઉપરાંત લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપને જીત મળે તે માટેનો પ્રયાસ થયો હતો. પરંતુ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં પણ હર્ષદ રીબડીયા, જવાહર ચાવડા અને ભુપત ભાયાણીની સાથે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ આ બેઠકથી દૂર રહેતા જોવા મળ્યા હતા.

જવાહર ચાવડાની ગેરહાજરી : માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા પાછલા એક વર્ષ કરતાં વધુ સમયથી ભાજપના તમામ કાર્યક્રમથી દૂર રહેતા જોવા મળી રહ્યા છે. છેલ્લે મુખ્યપ્રધાન ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ કરવા આવ્યા ત્યારે જવાહર ચાવડાની મુલાકાત થઈ હતી. ત્યારબાદ તેઓ સંગઠન અને સરકારના તમામ કાર્યક્રમથી દૂર રહ્યા છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય પણ છે.

પૂર્વ ધારાસભ્યો નારાજ ? બીજી તરફ વંથલી ખાતે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીને ભાજપમાં જોડાવાના પ્રસંગે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને ભુપત ભાયાણી ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ જૂનાગઢ ખાતે ભાજપના સંગઠન અને સરકારના આયોજિત કાર્યક્રમમાં જવાહર ચાવડાની સાથે ભુપત ભાયાણી અને હર્ષદ રીબડીયા ગેરહાજર જોવા મળ્યા હતા. જે ભાજપમાં કંઈક આઘુ પાછું છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરે છે.

  1. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢના આંગણે, લોકસભાની ચૂંટણીને લઈને બંધ બારણે બેઠક શરૂ
  2. જૂનાગઢ ક્ષત્રિય સમાજે રૂપાલાનો ટિકિટ પરત લેવાની માંગ સાથે કર્યો વિરોધ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.