ETV Bharat / state

Morbi Intoxicating syrup : સફેદ ચોખાની આડમાં નશાકારક સીરપનો કાળો કારોબાર, 90 હજાર બોટલ સાથે ત્રણ ઝડપાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 11:17 AM IST

90 હજાર બોટલ સાથે ત્રણ ઝડપાયા
90 હજાર બોટલ સાથે ત્રણ ઝડપાયા

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ એક ગોડાઉનમાંથી મોરબી LCB પોલીસે નશાકારક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. આશરે 2.04 કરોડના મુદામાલ સહિત 90 હજાર બોટલ સાથે ત્રણ ઈસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સફેદ ચોખાની આડમાં નશાકારક સીરપનો કાળો કારોબાર

મોરબી : મોરબી LCB પોલીસે ચોખાની આડમાં લાવવામાં આવેલ 90 હજાર બોટલ કફ સીરપની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી અંદાજે રુ.2.04 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે પોલીસ તપાસમાં અન્ય 3 ઈસમોના નામ ખુલ્યા છે. આ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નશાકારક સીરપનો વેપલો : મોરબી LCB પોલીસને બાતમી મળી હતી કે, રંગપર ગામની સીમમાં આવેલ સીતારામ હાર્ડવેર પાછળ એક ગોડાઉનમાં અમુક ઈસમો નશાકારક કોફીન યુક્ત કફ સીરપનો ગેરકાયદેસર જથ્થો રાખીને અનધિકૃત રીતે વેચાણ અને હેરફેર કરે છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર રેડ કરી હતી. આ દરમિયાન સંદીપ રમણભાઈ કાચરા, રંજનદાસ સુરેશ રવિદાસ અને ગોડાઉનના પ્રવેશદ્વાર પાસે ટ્રકચાલક સરફરાજ રબ્બાની સૈયદ, ક્લીનર મહમદ અબ્દુલ રહીમ મહમદ અબ્દુલ રહેમાન તેમજ મનીષ ઝાલાવાડીયા ગોડાઉનમાં બોક્સ ઉતારતા મળ્યા હતા. તેઓ ગોડાઉન ભાડે રાખનાર રવિ કંડિયાની સુચના મુજબ કામ કરતા હોવાનું જણાવ્યું હતું.

90 હજાર સીરપ બોટલ જપ્ત : પોલીસને રેડ દરમિયાન ગોડાઉનમાંથી 100 મિલી ક્ષમતા વાળી કુલ 90 હજારથી વધુ નશાકારક સીરપનો જથ્થો મળી આવ્યો હતો. કફ સીરપની બોટલમાં કોડીન ફોસ્ફેટની હાજરી મળી હતી, જે કફ સીરપનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી નશો થાય છે અને વારંવાર સેવન કરવાથી આદત પડે છે. આ સીરપ ડોક્ટરની સૂચના વગર ઉપયોગ કરી શકતા નથી તથા કફ સીરપનો જથ્થો લાયસન્સ વગર રાખવો કે વેચાણ કરવો ગુનો બને છે.

2.04 કરોડોનો મુદ્દામાલ : પોલીસે સ્થળ પરથી રૂ. 1.84 કરોડ કિંમતની 90 હજાર કફ સિરપની બોટલ, 630 ચોખાની બોરીઓ અને ટ્રક સાથે રોકડ અને મોબાઈલ સહિત રુ. 2 કરોડ 4 લાખ 56 હજારની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપી મનીષ હરિભાઈ ઝાલાવાડિયા તેમજ ટ્રકચાલક અને ટ્રક ક્લીનરને ઝડપી લીધા હતા. જ્યારે ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર રવિકુમાર મહિપત કંડિયા, ત્રિપુરાથી માલ મોકલનાર સાજેદા ટાઇલ્સ વાળા મસૂદ આલમ અને મોબાઈલનો વપરાશ કરનાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ક્યાંથી આવ્યો સીરપનો જથ્થો ? આ મામલે માહિતી આપતા મોરબી SP રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ઝારખંડથી કોડીન કફ સીરપનો જથ્થો ચોખાની બોરીની આડમાં લાવ્યા અને ગોડાઉનમાં રીપેરીંગ કરી ફરીથી માલ અન્ય સ્થળે મોકલવાના હોવાનું ખુલ્યું છે. હાલ ત્રણ આરોપી ઝડપાયા છે, તો ત્રણના નામો ખુલ્યા છે જે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ અન્ય કોઈ કાયદાકીય જોગવાઈનો ભંગ થતો હોય તો તે કલમનો ઉમેરો કરવામાં આવશે.

પોલીસ તપાસ : SP રાહુલ ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં કોડીન સીરપ મેન્યુફેક્ચરિંગ કંપની બનાવેલ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. જેમાં ડુપ્લીકેટ કે મિક્સિંગ કરાયું છે કે કેમ તેનો અભિપ્રાય લેવામાં આવશે. સીરપ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ મળી શકે, લાયસન્સ વગર વેચાણ કે સંગ્રહ કરી શકાતો નથી. ત્યારે આવડો મોટો જથ્થો લાયસન્સ વગર કેવી રીતે મેળવી લીધો તેની તપાસ ચાલુ છે. કંપનીના કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.

  1. Morbi Intoxicating Syrup : વાંકાનેર સેન્સો ચોકડી પાસેથી કારમાં નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો
  2. અમદાવાદના દાણીલીમડામાં નશાકારક સીરપ બનાવી વેચતો શખ્સ ઝડપાયો, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કયું દ્રવ્ય પકડ્યું જૂઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.