ETV Bharat / state

Maths Teacher: મળો એવા શિક્ષિકાને જેઓ ગીતો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવે છે ગણિત

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 27, 2024, 9:59 AM IST

ગીતો દ્વારા વિદ્યાર્થીઓને ગણિત ભણાવતા શિક્ષિકા
ગીતો દ્વારા વિદ્યાર્થીઓને ગણિત ભણાવતા શિક્ષિકા

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન જેવા કહેવાતા અઘરા વિષયથી દૂર ભાગતા હોય છે, પરંતુ જો તેને રોજબરોજના જીવન અને પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે તો તેને ખૂબ સરળ બનાવી શકાય છે. એવું જ કંઈક કરવામાં સફળતા મેળવી છે ચીખલી તાલુકાના મજીગામ પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષી સરદારે. તેમણે વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયના જટિલ સિદ્ધાંતો પણ સરળતા મગજમાં ઉતરી જાય તેવી પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરી રહ્યા છે.

ગીતો દ્વારા વિદ્યાર્થીઓને ગણિત -વિજ્ઞાન ભણાવતા મજીગામના શિક્ષિકા

નવસારી: ચીખલી તાલુકામાં આવેલા મજીગામ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષિકા મીનાક્ષીબેન સરદાર અનોખી રીતે શિક્ષણ આપે છે. અઘરા દાખલા હોય કે કોયડા હોય ક્લાસરૂમમાં આ શિક્ષક ગાતા-ગાતા ગણિત શીખવે છે. તેમની સંગીત સાથે શિક્ષણ પીરસવાની રીતને વિદ્યાર્થીઓ ખૂબ પસંદ કરી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓ પણ હોંશે હોંશે ગીતો ગાયને સંગીતના સથવારે ગણિત શીખી રહ્યા છે.

ગીતો દ્વારા વિદ્યાર્થીઓને ગણિત -વિજ્ઞાન ભણાવતા મજીગામના શિક્ષિકા
ગીતો દ્વારા વિદ્યાર્થીઓને ગણિત -વિજ્ઞાન ભણાવતા મજીગામના શિક્ષિકા

ગીતો દ્વારા ગણિતનું જ્ઞાન: અઘરા, જટિલ અને બોરિંગ લાગતા ગણિત વિષયને માત્ર ગોખણપટ્ટીથી નહીં, પણ હોંશે હોંશે શીખે એ માટે ચીખલી તાલુકાના મજીગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાએ ગણિત અને વિજ્ઞાન વિષયના એક પછી એક 70 જેટલા ગીતો રચી એને બાળગીતો, ભજન, લોકગીતો , ફિલ્મી ગીતોના ઢાળમાં ઢાળીને શાળાના ક્લાસરૂમમાં પોતે પણ ગાઈને અને વિદ્યાર્થીઓ પાસે પણ ગવડાવીને સરળતાથી મગજમાં ઉતરી રહ્યાં છે. હોંશે હોંશે ગણિતના ગીતો ગાયને વિદ્યાર્થીઓનું ગણિત પણ અપગ્રેડ થયું છે.

ગીતો દ્વારા વિદ્યાર્થીઓને ગણિત -વિજ્ઞાન ભણાવતા મજીગામના શિક્ષિકા
ગીતો દ્વારા વિદ્યાર્થીઓને ગણિત -વિજ્ઞાન ભણાવતા મજીગામના શિક્ષિકા

કેવી રીતે આવ્યો વિચાર: ગીતો દ્વારા ગણિત ભણાવવાના વિચાર વિશે વાત કરતા શિક્ષક મીનાક્ષીબેન જણાવે છે કે, જ્યારે 2010ની સાલમાં મજીગામ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે હાજર થયા, ત્યાર બાદ ક્લાસરૂમમાં બાળકોને ગણિત વિષયો પર ભણાવવાનું શરૂ કર્યું ત્યારે અમુક વિદ્યાર્થીઓ ભણવામાં કોઈ ખાસ રસ ન લેતા હતા. તેથી તે વર્ષમાં તેઓના ક્લાસનું રીઝલ્ટ ગણિત વિષયમાં ઘણું ઓછું આવતા તેઓને વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ચિંતા થવા લાગી હતી. ગણિત અને વિજ્ઞાન જેવા વિષય ઘણા વિદ્યાર્થીઓને બોરિંગ લાગતા હોય છે ,સૂત્ર આપી દો ,લખી નાખો ,ગોખી નાખો ,અને દાખલા ગણી નાખો આવું થતું હોય એટલે બાળક પણ કંટાળતું હોય છે. તેથી બાળકો ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં હોંશે હશે ભણે અને અભ્યાસમાં પરોવાયેલા રહે અને આવા અઘરા વિષયોને સરળતાથી સમજી શકે તે હેતુસર તેમણે ઘણું મનોમંથન કર્યું. ત્યારબાદ તેમને પોતાના બીએડ કોલેજના સમય વખતે કરેલા એક પ્રોજેક્ટ કાવ્યઅંક વિશે ધ્યાન આવતા અને પોતે પણ સંગીત વિષયમાં ઊંડો રસ ધરાવતા હોવાથી ગુજરાતીના પિરિયડમાં કાવ્ય ગવડાવીને શીખવવામાં આવે છે તેમ ગણિતને ગાઈને કેમ સમજાવી ન શકાય? તેવો વિચાર આવ્યો.

ગીતો દ્વારા વિદ્યાર્થીઓને ગણિત -વિજ્ઞાન ભણાવતા મજીગામના શિક્ષિકા
ગીતો દ્વારા વિદ્યાર્થીઓને ગણિત -વિજ્ઞાન ભણાવતા મજીગામના શિક્ષિકા

બાળકોને શીખવી અનોખી ટેકનીક: મીનાક્ષીબેને વધુમાં જણાવ્યું કે, 'મેં માર્ક કર્યું છે કે, બાળકો ગોખવાથી ભૂલી જતા હોય છે પરંતુ હોંશભેર ગીતો કંઠસ્થ કર્યા હોય તો યાદ રહી જાય છે, અને જો આવું કરીએ તો બાળકોને પણ અભ્યાસ કરવામાં રસ જાગે અને મજા પણ આવે તેથી મેં કાવ્ય અંક પ્રોજેક્ટની થીમ પર ગણિત અને વિજ્ઞાનના વિષયો પર ગીતો લખવાનું શરૂ કર્યું. આ ગીતો વિદ્યાર્થીઓમાં લોકભોગ્ય બને એ માટે બાળગીતો ,ભજન ફિલ્મી ગીતોમાં એનો રાગ બેસતો હોય અને ટ્યુનિંગ થતું હોય તો એના ઢાળમાં ગણિતના શબ્દોને ઢાળીને રાગ બેસાડું છું. ગણિત વિષયોમાં ભૂમિતિ, બીજ ગણિત ,અંક ગણિત, અને વિજ્ઞાન વિષયમાં તત્વોની સંઘના રુધિરાભિસરણ તંત્ર, શ્વસનતંત્ર ,માપન, આમ અત્યાર સુધીમાં મેં ગણિત અને વિજ્ઞાન વિષયોમાં 70 ગીતોની રચના કરી છે. ત્રિકોણ ,બહુકોણ સમય સંખ્યા ,ગુણધર્મ, ખૂણાઓના પ્રકાર, ખૂણા ની જોડ ના પ્રકાર સહિત બધું જ ગીતમાં આવી જતું હોવાથી અને એ વિદ્યાર્થીઓ ગાતા હોવાથી એમને પણ મજા આવે છે અને યાદ રહી જાય છે એને કારણે બાળકોના રીઝલ્ટ માં અપગ્રેડેશન થયું છે. કોઈક વિદ્યાર્થીને આ વિષયમાં રસ ન પડે તો પણ ગીતો દ્વારા રસ કેળવાય છે અને એના દ્વારા ગણિતને હળવાશથી શીખે છે.

મહેનતનું સારૂં 'પરિણામ': વિદ્યાર્થીઓ જણાવે છે કે, ગણિત અને વિજ્ઞાન વિષય અને એમાં પણ ગણિત વિષય અમને ઘણો બોરિંગ લાગતો હતો અને કંટાળો આવતો હતો, જ્યારે પણ અમારા ટીચર ગણિતનો વિષય ભણાવવા આવે ત્યારે અમને સમજ ના પડતી હોવાથી ઊંઘ આવવી કંટાળો આવવો અને ક્યારે પિરિયડ પૂરો થાય તેની રાહ જોતા હતા તેથી ગણિત અને વિજ્ઞાનના વિષયમાં ઓછા માર્ક્સ આવવાના કારણે અમે નાપાસ પણ થતા હતા પરંતુ જ્યારથી અમારા ગણિતના શિક્ષકે ગાતા ગાતા ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કરી છે જેમાં અમે પણ ખૂબ ઉત્સાહ લઈએ છીએ અને ગીત ગાયને ગણિત શીખીએ છે જેથી અઘરા લાગતા વિષય અમને હવે સરળ લાગવા લાગ્યા છે જેના કારણે હવે અમારું રીઝલ્ટ પણ ઘણું સારું આવતું થયું છે.

ગીત ગાયને ગણિત શીખવી રહેલા આ શિક્ષકના પ્રયાસથી વિદ્યાર્થીઓને અભ્યાસનો અલગ માહોલ મળી રહ્યો છે, રીઝલ્ટમાં ઘણું અપગ્રેડેશન થયું છે, સંગીત સાથે શિક્ષણનું ભાથું પીરસવાની આ રીત શિક્ષકોને નવી દિશા તરફ રાહ ચીંધી રહી છે.

  1. Dr. Yazdi italiya: સિકલસેલના દર્દીઓની સારવાર પાછળ જાત ઘસી નાખનારા ડો. યઝદી ઈટાલિયાએ કરી આ મોટી વાત
  2. Edible Dish: લ્યો હવે, મકાઈના કોટિંગવાળી ખાઈ શકાય તેવી ડિશ બનાવવામાં આવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.