Circus: મોબાઈલ યુગમાં લુપ્ત થઈ રહ્યું છે સર્કસ, નથી મળી રહ્યા પ્રેક્ષકો

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2024, 10:29 PM IST

મોબાઈલ યુગમાં લુપ્ત થઈ રહ્યું છે સર્કસ

મનોરંજનનું ઉતમ સાધન ગણાતા સર્કસનો ઈતિહાસ ખૂબ જૂનો છે. ગામડું હોય કે શહેર દરેક લોકો સર્કસ નિહાળવાનો આનંદ માણતા હતા પરંતુ વર્તમાનમાં ડિજિટલ યુગમાં મોબાઇલ અને ઈન્ટરનેટે આ આનંદ ઝુંટવી લીધો છે, સર્કસ લુપ્ત થઈ રહ્યું છે. તેની સાથે સંકળાયેલા કલાકારોની દશા બદતર થઈ રહી છે. Kutch The Great Golden Circus Mobile Digital Media Economical Crisis

મોબાઈલ યુગમાં લુપ્ત થઈ રહ્યું છે સર્કસ

કચ્છઃ આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સર્કસ લુપ્ત થઈ રહ્યા છે. 5 વર્ષ બાદ ફરી એક વાર અનેક આશાઓ સાથે ભુજમાં ગોલ્ડન સર્કસ શરૂ થયું છે. જો કે સર્કસ જોવા માટે લોકોની ભીડ અગાઉની સરખામણીએ ખૂબ ઓછી જોવા મળી રહી છે. એક સમય હતો જ્યારે સર્કસ જોવા માટે લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. આજની જનરેશનને સર્કસ એટલે શું તેનો ખ્યાલ પણ નહિ હોય કારણ કે તે તો યુટ્યુબમાં કાર્ટૂન અને ગેમ્સ રમવામાં સમય વેડફે છે.

સર્કસ તો છે પણ પ્રેક્ષકો નથીઃ એક સમય હતો જ્યારે શહેરોમાં સર્કસ આવતાં તેમાં બાળકોથી લઈને મોટી વયના તમામ શહેરીજનો ઉત્સાહથી ભાગ લેતા. સર્કસનો ટેન્ટ, તેની ઉપર રંગબેરંગી વિવિધ લાઈટો, દેશ-વિદેશના કલાકારોના કરતબો, ઘોડા-હાથી-વાઘ-સિંહના ખેલ અને જોકરોની રમૂજોથી સર્કસની ટિકિટના પૂરા પૈસા વસૂલ થાય એવું આ મનોરંજન બની રહેતું હતું પરંતુ આજે શેહરોમાં સર્કસ તો આવી રહ્યા છે પરંતુ પ્રેક્ષકો નથી રહ્યા.સર્કસને લુપ્ત થતું કરવાનું કામ આજના ડિજિટલ યુગે કર્યું છે, સર્કસના અદભુત ખેલો કે જે આપણને આશ્ચર્યની અનુભૂતિ કરતા હતા તેને સ્માર્ટ ફોને ખતમ કરી નાખ્યાં છે.

નથી મળી રહ્યા પ્રેક્ષકો
નથી મળી રહ્યા પ્રેક્ષકો

સર્કસના મેનેજર નિરાશઃ ભુજમાં ટીન સિટી ગ્રાઉન્ડમાં શરૂ થયેલા ગ્રેટ ગોલ્ડન સર્કસમાં અનેક વિદેશી કલાકારો કામ કરે છે. ગ્રેટ ગોલ્ડન સર્કસમાં રશિયા, સાઉથ આફ્રિકા, ઇથોપિયા અને મંગોલિયન જેવા દેશના કલાકારો પણ છે. ભુજમાં એક માસ માટે આવેલા ગોલ્ડન સર્કસમાં મેનેજર તરીકે કામ કરતાં મહેન્દ્ર દાસે જણાવ્યું કે, તેઓ નાનપણથી જ સર્કસ સાથે જોડાયેલા છે અને 50 વર્ષથી વધુની તેમને આ સર્કસમાં કામ કરવાનો અનુભવ છે.ગ્રેટ ગોલ્ડન સર્કસ એક માત્ર ગુજરાતી સર્કસ છે જે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે અને ગુજરાતના ખૂણે ખૂણે સરકસ યોજાય છે માત્ર એક વખત આ સર્કસ મુંબઈ માટે ગયું હતું. આ સર્કસમાં 150થી વધુ લોકોનો સ્ટાફ કાર્યરત છે અને સર્કસનો તંબુ ઊભો કરતા 10 દિવસનો સમય લાગે છે.

પ્રાણીઓના પ્રતિબંધ બાદ સર્કસનો ક્રેઝ ઘટ્યોઃ સર્કસ નિહાળવા વાળાઓની સંખ્યા માં દિનપ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે તો અધુરામા પુરૂ સર્કસમાં પશુઓ રાખી બતાવવામાં આવતા કરતબો પર વર્ષ 2001 માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારબાદ સર્કસ પ્રત્યે નો પ્રજામાં ક્રેઝ ઓછો થવા લાગ્યો હતો. કારણ કે જંગલી પ્રાણીઓ લોકોને ઝુ અને જંગલ સિવાય ક્યાંય પણ જોવા મળતા ના હતા પરંતુ સર્કસમાં તેમને વિવિધ ખેલ કરતા જોવાની તક પ્રેક્ષકોને મળતી હતી તે હવે નથી મળી રહી.હવે દેશ વિદેશના ઉત્સાહી કલાકારો, જોકર, હવાઇ ઝુલા, નાનો મોતનો કુવો, બાઇક જંપ, ડાન્સ, સ્ટંટ વગેરે જેવા કરતબો કરતા હોય છે તે જોવા માટે કેટલાક સર્કસ રસિયાઓ તેને પસંદ કરતા હતા પરંતુ આજે તેમાં પણ ધીરેધીરે ક્રેઝ ઓછો થવા લાગતા સર્કસથી સંકળાયેલા કલાકારોનું જીવન સંઘર્ષમય બન્યું છે.

એક સમયે સર્કસ માટે લાંબી લાઈનો લાગતીઃ સર્કસમાં પ્રાણીઓના અભાવે ધીમે ધીમે લોકો સર્કસમાં આવતા ઓછા થતાં ગયા જેથી આર્થિક નુકશાની વેઠવાનો પણ સમય આવ્યો છે. અગાઉ સર્કસના તંબુમાં પ્રવેશ સમયે જ વાઘ, સિંહ, હાથી તથા વાંદરાના આવજો આવતા હોય અને જો તમે તંબુમાં અંદર નજર કરો તો લોકોની ભારે ભીડ વચ્ચે લાઈટોની ચમક વચ્ચે પ્રાણીઓ અવનવા કરતબ કરતા હતા અને કલાકારો પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની કળાનું પ્રદર્શન કરતાં જોવા મળે છે. એક સમય હતો જ્યારે સર્કસ જોવા માટે લોકોની લાંબી લાઈનો લાગતી અને મોડી રાત સુધી થાક્યા વગર કલાકારો લોકોનું મનોરંજન કરતાં. પણ હવે સર્કસની કળા જાણે લુપ્ત થવા લાગી છે તેવું જણાઈ રહ્યું છે.

સર્કસની કમર ભાંગી ગઈઃ લોકોના ચહેરા પર પોતાની રમૂજથી સ્મિત લાવીને દુઃખ દૂર કરતા સર્કસના કલાકારો જ સંકટમાં છે. લોકોને અવનવા કરતબ કરી હસાવતા, ક્યારેક કાર્ટૂન તો ક્યારેક જોકર, ક્યારેક સ્ટંટબાજ જેવા પાત્ર નિભાવીની લોકોના ચહેરા પર સ્માઈલ લાવીને મનોરંજન પૂરું પાડતા ગ્રેટ ગોલ્ડન સર્કસના કલાકારોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. પ્રાચીન સમયથી ચાલ્યા આવતા વ્યવસાયની કમર ટીવી, ઈન્ટરનેટ અને મોબાઈલે ભાંગી નાખી છે.

હું નાનપણથી જ સર્કસ સાથે જોડાયેલા છે અને 50 વર્ષથી વધુનો મને સર્કસમાં કામ કરવાનો અનુભવ છે. ગ્રેટ ગોલ્ડન સર્કસ એક માત્ર ગુજરાતી સર્કસ છે જે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે અને ગુજરાતના ખૂણે ખૂણે સરકસ યોજાય છે. માત્ર એક વખત આ સર્કસ મુંબઈ માટે ગયું હતું. આ સર્કસમાં 150થી વધુ લોકોનો સ્ટાફ કાર્યરત છે અને સર્કસનો તંબુ ઊભો કરતાં 10 દિવસનો સમય લાગે છે. અત્યારનો સમય સર્કસ માટે બહુ નિરાશા જનક છે..મહેન્દ્ર દાસ(મેનેજર, ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ, કચ્છ)

સમય પ્રમાણે સર્કસમાં અને પ્રેક્ષકોની સંખ્યામાં ફેરફારઃ ભુજના ક્રિએટિવિટી સાથે જોડાયેલ તેમજ નાટકો અને ફિલ્મ ક્ષેત્રે કાર્યરત રહેતા નયન રાણાએ જણાવ્યું હતું કે, સર્કસ એક ખૂબ ઉતમ કળા છે કે જેમાં શારીરિક અને માનસિક રીતે કેળવાયેલા લોકો તેમાં કામ કરી શકે છે. જેમાં પ્રાણીઓનો પણ ખૂબ સારી રીતે ઉપયોગ થતો હતો.અગાઉ ભૂજમાં દર વર્ષે સર્કસ આવતા હતા અને અત્યારે જેમ થીયેટરમાં ફિલ્મ જોવા માટે ભીડ એકથી થાય છે તેમ સર્કસ જોવા માટે ભીડ ઊમટતી હતી.સમય પ્રમાણે સર્કસમાં પણ ફેરફારો આવતા ગયા અને સરકારે પણ પ્રાણીઓના ખેલ પર પ્રતિબંધ લગાવી દીધો છે.ત્યાર બાદથી સર્કસ જોનારા લોકોની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે.

સર્કસ એક ઈતિહાસ બની ને રહી જશેઃ અગાઉ મનોરંજનના સાધનો ઓછા હતા જે આજે વધી ગયા છે માટે સર્કસને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે કે આજે જે સર્કસ આવી રહ્યા છે તે મુંબઈમાં 2-3 મહિના ચાલતું જે અહી માત્ર 1 મહિના માટે કરી રહ્યા છે. આજે આવડા મોટા સ્ટાફના ખર્ચા કાઢવા પણ અઘરું પડી રહ્યું છે.જો લોકો સર્કસ,જાદુગરોના મનોરંજનના શોને નિહાળવા આવશે જ નહીં અને આ લુપ્ત થતા આ વ્યવસાયને લોકો નહીં બચાવે તો આવનારા સમયમાં સર્કસ એક ઇતિહાસ બની ને રહી જશે, સર્કસનો જોકર હવે માત્ર ફોટોમાં જ રહેશે.

એશિયાર્ડ સર્કસમાં બાળપણથી ધૂમ મચાવતા કલાકારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.