જુનાગઢ : માણાવદરના પૂર્વ સીપીઆઈ તરલ ભટ્ટની જૂનાગઢ સહિત અન્ય કેસોમાં તોડ કરવાના મામલાને લઈને એટીએસએ ગઈકાલે અટકાયત કરી છે. પોલીસ દ્વારા અટકાયત કરેલા પૂર્વ સીપીઆઈ તરલ ભટ્ટને આજે જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે. વહેલી સવારથી જ કોર્ટમાં આરોપી અને ફરિયાદી પક્ષ વચ્ચે સતત દલીલો ચાલી હતી. તેની વચ્ચે સીપીઆઈ તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડ માગતી દલીલો એટીએસ દ્વારા જુનાગઢ કોર્ટમાં કરી હતી. પરંતુ જુનાગઢ એડિશનલ ડીસ્ટ્રીક સેશન્સ જજે તરલ ભટ્ટના પાંચ દિવસના રિમાન્ડ આજે મંજૂર કરતા જુનાગઢ કોર્ટમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે એટીએસની ટીમ તરલ ભટ્ટને લઈને અમદાવાદ રવાના થઈ હતી.
તોડકાંડના માસ્ટર માઈન્ડ : જુનાગઢનો તોડકાંડ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બની રહ્યો છે. એસઓજીના પીઆઇ હજુ પણ ફરાર છે. ત્યારે પોલીસ પકડમાં રહેલા તરલ ભટ્ટ સમગ્ર તોડકાંડના માસ્ટર માઈન્ડ હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે હવે પાંચ દિવસના પોલીસ રિમાન્ડમાં તરલ ભટ્ટ દ્વારા કોઈ ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
સમગ્ર મામલો માણાવદરના દડવા ગામ સાથે જોડાયો : દડવા ગામના એક યુવકે સેક્સટોર્સનના કારણે આપઘાત કરી લીધો હતો. તે કેસમાં સીપીઆઈ તરલ ભટ્ટ તપાસ કરી રહ્યા હતાં. તેમણે સુરતથી બે આરોપીને પકડી પાડ્યા હતાં. ત્યારબાદ પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓના બેંક ખાતામાં 67 કરોડ જેટલા નાણાકીય વ્યવહારો સામે આવ્યા હતાં. જેમાં કોઈપણ આરોપીને પકડવામાં આવ્યાં ન હોવાથી સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બનતા જુનાગઢ આઈજીએ ફરિયાદ અંગે ફેરતપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે શંકાસ્પદ બેંક એકાઉન્ટો હતાં તેમાં ઓરિસ્સા આસામ અને મણિપુર જેવા રાજ્યનો સમાવેશ થતો હતો. પરંતુ એક એકાઉન્ટ સુરતનું મળ્યું હતું, જેમાં 67 કરોડના વ્યવહારો થયા હોવાનું તપાસ અધિકારી તરીકે સીપીઆઈ તરલ ભટ્ટના ધ્યાને આવ્યું હતું.
સુરતના સટ્ટાખોરો સકંજામાં : સમગ્ર મામલામાં સુરતના પૂર્ણા વિસ્તારમાંથી ક્રિકેટનો સટ્ટો સેક્સટોર્શન અને બ્લેકમેલિંગ કરનારા માસ્ટર માઈન્ડ વિશાલ તળાવીયા અને મનોજ ઉર્ફે સની નામના બે શખ્સને પકડ્યા હતા. તેના સંપર્કમાં તેલંગાણાના પાંચથી છ ઈસમો પણ સમગ્ર મામલામાં શામેલ જોવા મળતા હતાં. ત્યારબાદ તરલ ભટ્ટ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તેની એક પણ વિગતો જાહેર કરાઈ નથી. જેથી તરલ ભટ્ટની તપાસ ખુદ શંકાના દાયરામાં આવીને ઊભી હતી. ત્યારબાદ દડવાના યુવાને 19 જુલાઈના રોજ આત્મહત્યા કરી છે તેમાં મૃતક યુવાનને મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ આઈજીમાં નોંધાઇ હતી ત્યારથી સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો હતો.
સમગ્ર મામલામાં ક્રિકેટનો સટ્ટો : જૂનાગઢનો તોડકાડનો મામલો રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન પણ બની રહ્યો છે ત્યારે સમગ્ર મામલામાં ક્રિકેટ સટ્ટો કારણભૂત હોવાનું પણ માનવામાં આવે છે. ક્રિકેટના સટ્ટા દરમિયાન તરલ ભટ્ટ અને એસઓજી પીઆઈ ગોહેલ દ્વારા કેટલાક શંકાસ્પદ ખાતાંઓને તપાસ દરમિયાન ફ્રીઝ કરીને ફરીથી તેને અનફ્રીઝ કરવાના બદલામાં મોટી રકમનો તોડ થયો હોવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. ફ્રીજ થયેલા તમામ ખાતાની વિગતો તરલ ભટ્ટે એસઓજી પીઆઇ ગોહિલને આપી હોવાની પણ શક્યતા છે. જેને કારણે તોડકાંડના મુખ્ય આરોપી તરીકે તરલ ભટ્ટને ગણવામાં આવી રહ્યાં છે. એટીએસની પકડમાં રહેલા સી.પી.આઈ તરલ ભટ્ટ સાઇબર ક્રાઈમ નિષ્ણાત તરીકે પીએસઆઇના પદ પર પોલીસ ખાતામાં કામગીરી શરૂ કરીને પીઆઈ સુધી પહોંચ્યા હતાં. ત્યારે તરલ ભટ્ટનો સાયબર ક્રાઇમનો અનુભવ તેને આ તોડકાંડ સુધી લઈ ગયો હશે તેવી પણ વિગતો સામે આવી શકે છે.
309 પૈકી 35 એકાઉન્ટ ફ્રીજ : ક્રિકેટ સત્તાકાંડમાં 390 જેટલા એકાઉન્ટ શામેલ હોવાની વિગતો એસઓજીને મળી હતી. જે પૈકીના 35 એકાઉન્ટ એસઓજી દ્વારા સીઝ કરવામાં આવ્યા હતાં. તે પૈકીના કેટલાક એકાઉન્ટમાં ત્રણ કરોડ રૂપિયા બ્લોક કરવામાં આવ્યા હતાં. જુનાગઢ એસઓજીએ 390 ખાતા ફ્રીઝ અને અનફ્રીજ કરવાના કિસ્સામાં તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસ કર્મચારી કે અધિકારીઓએ કુલ કેટલા લાખનો તોડ કર્યો છે તેને લઈને એટીએસ પણ તપાસ કરી રહી છે. તે મામલામાં આજે એટીએસની પકડમાં રહેલા તરલ ભટ્ટને જુનાગઢ કોર્ટમાં રજૂ કરાયાં હતાં જેમાં પાંચ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યાં છે.