વલસાડ: હવામાન વિભાગે કરેલી આગાહી સાચી પડતાં દક્ષિણ ગુજરાતના અનેક ક્ષેત્રમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી માંહોલ બન્યો છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સહિત ધરમપુરના બોર્ડર વિલેજોમાં પણ આજે તીવ્ર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેના કારણે કેરીનો પાક જમીન દોષ થઈ જવા પામ્યો છે અને ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે.
કેરીના ઉભા પાકને થયું નુકસાન: ઝડપી પવન સાથે પડેલા વરસાદને કારણે આંબે ઝૂલતી અને તૈયાર થયેલી અનેક કાચી કેરી પવનના કારણે જમીન દોષ થઈ જવા પામી છે. વરસાદના કારણે તીવ્ર ઝડપે ફૂકાયેલા પવનથી આંબા ઉપર ઝૂલતી કેરીઓના ઢગલે ઢગલા વૃક્ષોની નીચે પડેલા જોવા મળ્યા. જેના કારણે આખા વર્ષ દરમિયાન મહેનત કરતા જગતના તાત ને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.
ધરમપુરના સરહદી ગામોમાં વરસાદ: ધરમપુરના મહારાષ્ટ્રની બોર્ડર તરફ આવેલા અનેક ગામો બોપી, જાગીરી, ભવાડા, હનુમંત માળ, ખાંડા, આંબા તલાટ, સહિતના અનેક ગામોમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ તીવ્ર ગતિથી ફુકાયેલા પવન બાદ વરસાદ તૂટી પડ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
કેટલા ગામોમાં વરસાદ સાથે કરા પડ્યા: ધરમપુર ની બોર્ડર વિલેજોના કેટલા ગામોમાં બપોર બાદ વરસાદ આવ્યો હતો, જેમાં અનેક ગામોમાં વરસાદની સાથે સાથે બરફના કરા પડ્યા હોવાની માહિતી મળી રહી છે, જેને જોતા અનેક બાળકો અને વડીલો પણ આશ્ચર્ય માં મુકાયા હતા. ભર ઉનાળે બરફનો વરસાદ થતાં બાળકો નીચે પડેલા કરા વીણવા માટે દોડતા જોવા મળ્યા.
હવામાન વિભાગની આગાહી: તારીખ 11 થી 16 સુધી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે અનેક સ્થળે હાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જો કે કમોસમી વરસાદ કેરીના પાકને નુકસાન પહોંચાડે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. જેના કારણે ખેડૂતમાં ચિંતાની સ્થિતિ છે.
નુકશાની સર્વે માટે કોઈ સૂચના કે મૌખિક જાણ નથી: વલસાડ જિલ્લાની પંચાયત ખેતીવાડી વિભાગના અધિકારી અરુણ ગરાસિયાએ જણાવ્યું કે, જિલ્લામાં કોઈ મોટું નુકસાન નોંધાયું હોય એવા કોઈ કિસ્સાઓ ધ્યાન પર આવ્યા નથી. તેમ જ વરસાદ પણ એટલી માત્રામાં વરસ્યો નથી. જો કે, હજુ સુધી નુકસાનીના સર્વે માટે કોઈ મૌખિક કે લેખિતમાં પરિપત્ર પહોંચ્યો નથી જો એક બે દિવસમાં ઉચ્ચ સ્તરેથી સર્વે માટે મૌખિક કે લેખિત રજૂઆત આવશે તો તે બાદ જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરાશે.