ETV Bharat / state

પરષોત્તમ રૂપાલા અને હર્ષ સંઘવી વચ્ચે બંધ બારણે ચર્ચા, ભાજપ નેતાઓનું ભેદી મૌન તો પાટીદારે સમાજે આપ્યું સમર્થન - Parshottam Rupala Controversy

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 5, 2024, 8:16 AM IST

પરષોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. દિલ્હીથી પરત આવ્યા બાદ ગાંધીનગર નિવાસ્થાને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજી વચ્ચે પોણા કલાક બેઠક થઈ હતી. જો કે બેઠકમાં ચર્ચા અંગે હજી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Parshottam Rupala Controversy
Parshottam Rupala Controversy

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર પરસોતમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ ભાજપના ગળાની ફાંસ બનતો જાય છે. ગઈ કાલેે રૂપાલાના ઘરે મળેલી મિટિંગો પૂર્ણ થયા બાદ ભાજપ નેતાઓએ ભેદી મૌન ધારણ કર્યું હતું. ત્રણમાંથી એક પણ નેતાએ મિટિંગમાં થયેલી ચર્ચા અંગે એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો.

બેઠક અંગે ભાજપના નેતાઓનું ભેદી મૌન:

પરસોતમ રૂપાલા દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને આવ્યા હતા. ગાંધીનગર નિવાસ્થાને થોડીવારમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ આવ્યા હતા કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા અને હર્ષ સંઘવીએ બંધ બરણે ચર્ચા કરી હતી. થોડીવારમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ રૂપાલાના નિવાસ્થાને પહોંચ્યા હતા. આ ત્રણેય નેતાઓએ અંદાજિત પોણા કલાક સુધી ચર્ચા કરી હતી. ચર્ચાના અંતે રત્નાકરજી અને હર્ષ સંઘવી એક સાથે બહાર નીકળ્યા હતા તેઓ મીડિયા સમક્ષ એક શબ્દ પણ ઉચ્ચાર્યા વગર કારમાં બેસીને જતા રહ્યા હતા.

માત્ર ચા-પાાણી પીવા આવ્યા હતા - રૂપાલા

બાદમાં થોડીવારમાં પરસોતમ રૂપાલા પણ તેમના નિવાસ્થાનથી બહાર આવ્યા હતા મીડિયાએ તેમને ઘેરી લીધા હતા. મીટીંગ અંગે મીડિયાના સવાલના જવાબ આપતા તેમણે મીડિયા સમક્ષ હસતા મોઢે જણાવ્યું કે ભલા માણસ આવા કોઈ પ્રશ્નો પુછાય? નેતાઓ મારા ઘરે ચા પાણી પીવા માટે આવ્યા હતા. કોઈ બેઠક થઈ નથી. તેઓ માત્ર મળવા આવ્યા હતા. મારો પ્રચાર શરૂ જ છે બંધ નથી થયો. બાદમાં તેઓ પોતાની કારમાં બેસીને રાજકોટ જવા માટે રવાના થયા હતા. આમ મિટિંગ અંગે ભાજપના ત્રણમાંથી એક પણ નેતા એક શબ્દ પણ બોલ્યા ન હતા. પરસોતમ રૂપાલા મુદ્દે ભાજપ આગામી દિવસોમાં શું નિર્ણય લે તેની પર સમગ્ર ગુજરાતની નજર રહેશે.

એરપોર્ટ પર રુપાલાએ નિવેદન આપ્યુંઃ

રુપાલા દિલ્હીથી પરત ફર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ સહિત મને તમામ સમાજના લોકોનું પૂરેપૂરું સમર્થન છે. ક્ષત્રિય સમાજ મુદ્દે મારે હવે કંઇ કહેવું નથી. વિવાદને ભડકાવવાનો મારો કોઈ આશય નથી. મારા સમર્થનમાં તમામ સમાજ છે એટલે પાટીદાર અને ક્ષત્રિય કરવું નહીં. જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ મને સમર્થન કર્યું છે. કોઈ ક્ષત્રિય વર્સીસ પાટીદાર નથી. હાલમાં આ મુદ્દે કઈ પણ બોલીને આગ લગાવવા માંગતો નથી. ગઈકાલે બેઠક થઈ તે બાબતે હું કોમેન્ટ કરુ એ યોગ્ય નથી કારણ કે, તેમાં અમારા આગેવાનો હોય તો એમને જ ખ્યાલ હોય.

રાજ્યમાં રાજપૂત સમાજનો વિરોધ યથાવત:

બીજી તરફ રાજ્યમાં આજે પણ ઠેર-ઠેર રાજપૂત સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે. રાજપૂત સમાજનો વિરોધ યથાવત રહ્યો છે. જેમાં ગઈકાલે રાજપૂત સમાજ અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી હતી. જેના અંગેનો રિપોર્ટ પણ ભાજપના કમલમ કાર્યાલય પર રત્નાકરને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.

બોયકોટ રૂપાલા પોસ્ટર વોર :

ત્યારે ક્ષત્રિય સમાજ પુરષોત્તમ રૂપાલા વિરુદ્ધ બોયકોટ રૂપાલાનાં ઠેર-ઠેર પોસ્ટરો લગાવ્યા બાદ હવે ઘેર-ઘેર જઈને રૂપાલા વિરુદ્ધ મતદાન કરવા માટે અન્ય સમાજનાં લોકોને પણ અપીલ કરશે. ક્ષત્રિય યુવાનોએ રાજકોટ સ્થિત મા આશાપુરાનાં મંદિર ખાતે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનાં શપથ લીધા બાદ, આ મુદ્દો હવે ટૂંક સમયમાં શાંત પડે તેવા કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી. કારણ કે ક્ષત્રાણીઓ રૂપાલા વિરુદ્ધ જોહર કરવા સુધી પણ આંચકાશે નહીં તેવું નિવેદન પદ્મિનીબાએ ETV ભારત સાથેની વાતચીતમાં કરેલ હતું.

પાટીદારો રૂપાલાના સમર્થનમાં:

બીજી તરફ પુરષોત્તમ રૂપાલાની તરફેણમાં તેમનું સમર્થન કરતા પોસ્ટરો પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં લાગવાના શરુ થઈ ગયા છે. આ પોસ્ટરોમાં ચોટીલા પાસે આપા ગીગાના ઓટલાવાળા નરેન્દ્રભાઈ સોલંકી ઉર્ફે નરેન્દ્ર બાપુની તસ્વીર પુરષોત્તમ રૂપાલા સાથે અને અબકી બાર 400 પારવાળા નારા સાથે જોવા મળી રહી છે. પુરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર આગેવાનો આગળ આવી રહ્યા છે તેમજ પાટીદાર સમાજમાં પણ પુરષોત્તમ રૂપાલાને સમર્થન આપવાનાં મુદ્દાને વેગવાન કેમ બનાવવો તે દિશામાં પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારો, ગામોમાં પાટીદાર આગેવાનો વચ્ચે બેઠકોનો દોર અને ધમધમાટ શરુ થયાનાં અહેવાલો સાંપડી રહ્યા છે.

કેમ થઈ રહ્યો છે વિરોધ:

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાએ કહ્યું હતું કે, મહારાજાઓએ નમીને રોટી-બેટીના વ્યવહાર કર્યા. રૂખી સમાજ ઝૂક્યો નહોતો, હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા છે. જો કે વીડિયો વાયરલ થતાં પરશોત્તમ રુપાલાએ દિલગીરી વ્યક્ત કરી હતી. જો કે રાજપૂત સમાજે રૂપાલાની આ માફી પણ ક્ષત્રિય સમાજને મંજૂર ન હોય તેમ રૂપાલાની ટિકિટ રદ્દ કરી અન્ય કોઈને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

  1. પદ્મિનીબા વાળાના રૂપાલા સામે ઉપવાસ, કહ્યું ' આ ક્ષત્રાણીઓની લડાઈ માત્ર રૂપાલાની ટિકિટ પૂરતી સીમિત નથી' - Padminiba Vala Fasting
  2. ગાંધીનગરમાં પુરૂષોત્તમ રૂપાલાની હર્ષ સંઘવી અને રત્નાકર વચ્ચે 'બંધ બારણે' બેઠક !!! - Parsottam Rupala
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.