જૂનાગઢ: માણાવદર વિધાનસભા મતદાન પૂર્ણ થયા બાદ હવે ભાજપમાં વિરોધનો સુર સામે આવ્યો છે. ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા અને ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર અરવિંદ લાડાણીએ માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરીને ભાજપના સત્તાવાર ઉમેદવાર અરવિંદ લાડાણીને વ્યક્તિગત રીતે હરાવવાની પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાની ફરિયાદ પ્રદેશ પ્રમુખ પાટીલને પત્રના મારફતે કરી છે. જેમાં જવાહર ચાવડાની સાથે માણાવદર વિધાનસભાના ભાજપના અન્ય પદાધિકારીઓ સામે પણ શંકા ઊભી કરવામાં આવી છે.
અરવિંદ લાડાણીના આક્ષેપો: પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલને લખેલા પત્રમાં અરવિંદ લાડાણીએ જે આક્ષેપોનો ઉલ્લેખ કર્યો છે તે મુજબ જવાહર ચાવડાના પુત્ર દ્વારા માણાવદરમાં આવેલી તેમની સ્થાવર મિલકતમાં કેટલાક પાયાના કાર્યકરોને એકઠા કરીને માણાવદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાને ચૂંટણીમાં હરાવવાને લઈને તેમજ કોંગ્રેસ તરફી કામ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સિવાય મતદાનના દિવસે જવાહર ચાવડાના પુત્ર સમગ્ર માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં ફરીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અને તેમના તરફી મતદાન કરાવતા જોવા મળ્યા હતા. આ પ્રકારનો આક્ષેપ ભાજપના ચૂંટણી લડી રહેલા અરવિંદ લાડાણીએ પત્ર મારફતે પ્રદેશ પ્રમુખ પાટીલને કર્યો છે.
જવાહર ચાવડા સિવાય અન્ય સામે પણ આરોપ: અરવિંદ લાડાણીએ પ્રદેશ પ્રમુખ પાટીલને જે પત્ર લખ્યો છે તેમાં જવાહર ચાવડાની સાથે માણાવદર તાલુકા પ્રમુખ ગોવિંદ સવાણી, તાલુકા મંત્રી જગદીશ મારુ, જિલ્લા પંચાયતના સભ્ય રીનાબેન મારડીયાના સસરા જીવાભાઇ મારડીયા તેમજ માણાવદર શહેર મહામંત્રી વિક્રમસિંહ ચાવડાએ પણ માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને પોરબંદર લોકસભા બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરીને ભાજપના ઉમેદવારને હરાવવા અને કોંગ્રેસના ઉમેદવારને મદદ કર્યાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલામાં જવાહર ચાવડા હાલ ભારતની બહાર હોય તેમનો સંપર્ક થઈ શક્યો નથી પરંતુ જે રીતે આક્ષેપો ચૂંટણી લડતા ઉમેદવારે કર્યા છે તે મુજબ એ સ્પષ્ટ કહી શકાય કે, માણાવદર વિધાનસભા બેઠકનું પરિણામ ભાજપ તરફથી આવવું હાલના તબ્બકે મુશ્કેલ જણાઈ રહ્યું છે.