ETV Bharat / state

Death Journey: અંબાજીમાં ખાનગી વાહનોમાં કરાવાય છે 'મોત'ની મુસાફરી, તંત્ર કડક પગલાં ભરે તેવી માંગણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 3:48 PM IST

Updated : Mar 4, 2024, 4:18 PM IST

અંબાજીમાં ખાનગી વાહનોમાં કરાવાયા છે 'મોત'ની મુસાફરી
અંબાજીમાં ખાનગી વાહનોમાં કરાવાયા છે 'મોત'ની મુસાફરી

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં અનેક ખાનગી વાહન ચાલકો બેફામ બન્યા છે. ક્ષમતા કરતા વધુ મુસાફરોને વાહનોમાં ભરીને બેફામ ગતિએ ખાનગી વાહનો હંકારવાની જાણે કે હોડ લાગી હોય તેવું ભાસી રહ્યું છે. જીપની ઉપર બેસાડી, પાછળ લટકાવી ક્ષમતા કરતાં વધુ મુસાફરોને જીપમાં ભરીને અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તંત્ર આ બેફામ બનેલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરે તેવી પ્રબળ લોકમાંગણી ઉઠી રહી છે. Banaskantha Ambaji Death Journey More than Capacity Passengers Horrible Accident

તંત્ર કડક પગલાં ભરે તેવી માંગણી

અંબાજીઃ ગઈકાલે રવિવારના રોજ અંધારીયા મુમણવાસ વચ્ચે સર્જાયેલ અકસ્માતને લઈ લોકોમાં ભય સેવાઈ રહ્યો છે. જીપમાં ખીચોખીચ મુસાફરો ભરી અને મોતની મુસાફરી કરાવતા બેફામ જીપ ચાલકો સામે તંત્ર કડક પગલાં ભરે તેવી માંગણી પણ પ્રબળ થઈ રહી છે. અંતરિયાળ વિસ્તારોમાં જીપની પાછળ લટકાવી અને જીપની ઉપર બેસાડી ક્ષમતા કરતાં વધુ મુસાફરોને જીવના જોખમે મુસાફરી કરાવવામાં આવે છે. ખાનગી વાહન ચાલકો તંત્ર કે પોલીસનો કોઈ જ જાતનો ડર રાખ્યા વગર છડે ચોક મુસાફરોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે.

તાલુકા પંચાયતના પૂર્વ સભ્યની પ્રતિક્રિયાઃ આ મામલે દાંતા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય વિજય દેસાઈએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ખાનગી વાહન ચાલકો બેફામ બન્યા છે. ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડી મોતની મુસાફરી કરાવી રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના બની શકે છે તેવું અમને દેખાઈ રહ્યું છે તો તંત્ર આવા લોકો સામે આંખ આડા કાન કેમ કરે છે? લબર મુછિયા યુવાનો જે બાઈક સહિતના વાહનો બેફામ ચલાવતા હોય છે તેમની સામે પણ તંત્ર કાર્યવાહી કરે. તાજેતરમાં હવે જ્યારે બોર્ડની એક્ઝામ આવી રહી છે તેવામાં બસની અનિયમિતતા સાથે જ વાહનો ન મળતા વિદ્યાર્થીઓ પણ જીપની ઉપર બેસી કે જીપની પાછળ લટકી અને મુસાફરી કરવા મજબૂર બનશે. જો કોઈ દુર્ઘટના ઘટી તો અનેક નિર્દોષો શિકાર બની શકે છે. કોઈ ઘટના ઘટે તે પહેલાં તંત્ર કડક પગલાં ભરે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ.

લાયસન્સ રદ કરવાની માંગઃ આ મામલે અંબાજી ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ લોકેશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અંબાજી અને આસપાસના અનેક વિસ્તારોમાં આ પ્રમાણે ખાનગી વાહન ચાલકો બેફામ રીતે લોકોને મોતની મુસાફરી કરાવી રહ્યા છે. તાજેતરમાં અનેક એવા અકસ્માત સર્જાયા છે જેમાં અનેક નિર્દોષ મુસાફરોના મૃત્યુ પણ થયા છે. વધુ કોઈ આવા અકસ્માત ન થાય તે માટે તંત્ર કડક પગલાં ભરે અને આ બેફામ બનેલા જીપ ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે.

આરટીઓ અને અંબાજી ટ્રાફિક પોલીસ કુંભકરણ નિંદ્રામાંઃ અંબાજી વિસ્તારમાં આરટીઓના નિયમોને નેવે મૂકી મોતની મુસાફરી કરાવતા દ્રશ્યો સામે આવતા પોલીસ અને આરટીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. અંબાજી પોલીસ સ્ટેશનથી માત્ર 10 મીટર અંતરે લોકોને મોતની મુસાફરી ખાનગી જીપ ચાલકો કરાવી રહ્યા છે. અંબાજી પોલીસ સ્ટેશનની સામેથી જીપ ચાલકો આડેધડ લોકોને જીપની ઉપર અને અંદર ખીચો ખીચ ભરી લઈ જઈ રહ્યા છે. તેમ છતાં પોલીસ કોઈ જ પ્રકારે કાર્યવાહી કરતી નથી. અંબાજી ટ્રાફિક પોલીસની ઢીલી નીતિના કારણે જો કોઈ મોટી ઘટના સર્જાય તો નવાઈ નહીં. શું હજી કોઈ મોટો અકસ્માત સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે ? રવિવારે સર્જાયેલ અકસ્માતમાં 2 લોકોના મોત જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલે અંબાજી પોલીસ તંત્ર કુંભકરણ નિંદ્રામાંથી જાગે અને સમયસર કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે.

શું કહે છે પોલીસ?: આ મામલે અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈ જે. આર. રબારી એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પોલીસ હંમેશા કાર્યવાહી કરતી હોય છે અને ડ્રાઇવ પણ ગોઠવતી હોય છે. સાથે જ ભવિષ્યમાં કોઈ બનાવ ન બને તે માટે પણ પોલીસ આંકરા પગલાં લેતી હોય છે. વાહન ડીટેઇન કરતી હોય છે અને કાર્યવાહી પણ કરતી હોય છે.

  1. Tragic Road Accident: બસ્તર નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ 7નો ભોગ લેવાયો, 3ના ઘટના સ્થળે મોત
  2. ભરૂચના નેત્રંગ મોવી રોડ પર કાર ખાઈમાં ખાબકતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત
Last Updated :Mar 4, 2024, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.