ETV Bharat / state

Republic Day : રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉપલેટામાં શાનદાર ઉજવણી, કુલ 13 આકર્ષક ટેબ્લો રજૂ થયાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 7:33 PM IST

Republic Day : રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉપલેટામાં શાનદાર ઉજવણી, કુલ 13 આકર્ષક ટેબ્લો રજૂ થયાં
Republic Day : રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉપલેટામાં શાનદાર ઉજવણી, કુલ 13 આકર્ષક ટેબ્લો રજૂ થયાં

રાજકોટ જિલ્લા કક્ષાના 26 જાન્યુઆરી 2024ના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉપલેટા શહેરમાં ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં શાનદાર રીતે ઉજવવામાં આવી હતી. જુઓ આ અહેવાલમાં.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી

રાજકોટ : 75માં પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટાની હેરિટેજ તાલુકા શાળા ખાતે ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તેમજ રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીએ ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરીને રાજકોટ કલેક્ટર પ્રભવ જોષી અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

સ્વાતંત્ર્યવીરોને સ્મરણાંજલિ : આ પ્રસંગે મંત્રી રાધવજી પટેલે ઉપલેટા ખાતે પ્રજાજનોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી સ્વાતંત્ર્યવીરોને સ્મરણાંજલિ આપીને પૂ.મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ડૉ. બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. નવા સ્વતંત્ર ભારતના નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પરિણામલક્ષી અભિગમથી વિકાસના નવા આયામો સ્થાપિત થઈ રહ્યા છે. વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે.

7 પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી : પ્રજાસતાક પર્વ નિમિત્તે યોજાયેલ પરેડમાં પરેડ કમાન્ડર ડી.કે.પટેલની આગેવાની હેઠળ કુલ 7 પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી અને મંત્રીએ તેમની સલામી ઝીલી હતી. પરેડમાં બે પુરુષ પ્લાટુન, એક મહિલા પ્લાટુન, હોમગાર્ડ પ્લાટુન, જી.આર.ડી., એસ.પી.સી., બેન્ડ પ્લાટુને ભાગ લીધો હતો.

યોજનાઓની સિદ્ધિઓ રજૂ કરી : વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી દુનિયાભરના રોકાણકારોનું માનીતું સ્થળ ગુજરાત બન્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા, મેરી મિટ્ટી મેરા દેશ, સેવા સેતુ, સ્વાગત ફરિયાદ જેવા કાર્યક્રમો થકી ઠેર ઠેર લોકસેવાના કામો અસરકારક રીતે થઈ રહ્યા છે. મંત્રી રાઘવજી પટેલે છેલ્લા એક દાયકામાં રાજ્ય કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વક સિદ્ધિઓ હાંસલ કરી હોવાનું તેમજ કૃષિ વિકાસ દર સતત વધતો હોવાનું ગૌરવપૂર્વક જણાવ્યું હતું. તેઓએ સૌની યોજના, વિધવા સહાય યોજના, આયુષ્માન ભારત, આવાસ યોજના સહિતની લોક કલ્યાણકારી યોજનાઓની સિદ્ધિઓ રજૂ કરી હતી.

વિકાસ વધુ વેગવાન બનાવાશે : રાજકોટ જિલ્લાના વિકાસ કામો વિશે રાજીપો વ્યક્ત કરતા મંત્રીએ કહ્યું હતું કે, એઈમ્સ હોસ્પિટલ, હીરાસર પાસેનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અનેક ફ્લાય ઓવર બ્રીજ, આધુનિક બસપોર્ટ સહિતની અનેક માળખાકીય સુવિધાઓ વિકસી છે. ઈમીટેશન અને ઓટોમોબાઇલ ઉદ્યોગ, હેરિટેજ ઇમારતોથી ગૌરવવંતા રાજકોટ જિલ્લાનો વિકાસ વધુ વેગવાન બનાવાશે.

કુલ 13 આકર્ષિત ટેબ્લો પ્રદર્શિત : રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ થકી આજીવિકા, પ્રાદેશિક વાહવ્યવહાર કચેરી દ્વારા હિટ એન્ડ રનમાં અપાતી સહાયની યોજના, બાગાયત તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ, બાગાયત અંગેની યોજનાઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા PMJAY યોજના, માતૃવંદના યોજના, આભા કાર્ડ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' તેમજ મહિલાલક્ષી યોજનાઓ, આઈ.સી.ડી.એસ. દ્વારા પૂર્ણા યોજના, પાણી પુરવઠા બોર્ડ તેમજ વાસ્મો દ્વારા હર ઘર જલ, નલ સે જલ, લીડ બેન્ક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય યોજનાઓ, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા યોજનાકીય માહિતી, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ખેલ મહાકુંભ, પી.જી.વી.સી.એલ. દ્વારા રીન્યુએબલ એનર્જી, ચુંટણી આયોગ દ્વારા મતદાતા જાગૃતિ અને ઈ.વી.એમ. નિદર્શન વગેરે થીમ આધારિત કુલ 13 આકર્ષિત કરે તેવા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.

સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયાં : મહાનુભાવોના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીના પરિજન જશુમતિબેન રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યસરકાર દ્વારા રાષ્ટ્રીય પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે મંત્રી દ્વારા વિકાસ કાર્યો માટે રૂ.25 લાખ ઉપલેટા વહીવટી તંત્રને અર્પણ કરવામાં આવ્યા હતાં. વિવિધ સ્થાનિક શાળાના કુલ 116 જેટલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિ ગીતો પર દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓ, સેલ્ફ ડિફેન્સની કૃતિ રજુ કરાયા હતા. વહીવટી તંત્ર દ્વારા જુદાં જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા આશરે 50 જેટલા નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

  1. 75th Republic Day 2024: જુનાગઢમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો ફરકાવ્યો
  2. Republic Day 2024 : પોરબંદરના સમુદ્રમાં લહેરાયો ત્રિરંગો, 23 વર્ષથી અવિરત ચાલતી રાષ્ટ્રપ્રેમ ધારા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.