ETV Bharat / opinion

Defence Budget 2024 : આધુનિકીકરણ અને સ્વ-નિર્ભરતા તરફ આગેકૂચ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2024, 3:30 PM IST

તાજેતરના વચગાળાના અંદાજપત્રમાં સંરક્ષણ ક્ષેત્ર માટે ઉન્નત બજેટની ફાળવણી ડિફેન્સ સેક્ટરને અનેક સિદ્ધિ સાથે વેગ આપે તેવી શક્યતા છે. જોકે, ભવિષ્યમાં ચીનના સંરક્ષણ બજેટ સાથે કેટલાક વધુ બજેટ જનરેટ થઈ શકે છે. ડો. રવેલ્લા ભાનુ કૃષ્ણ કિરણનો ખાસ લેખ...

સંરક્ષણ બજેટ 2024-25 : આધુનિકીકરણ અને સ્વ-નિર્ભરતા તરફ આગેકૂચ
સંરક્ષણ બજેટ 2024-25 : આધુનિકીકરણ અને સ્વ-નિર્ભરતા તરફ આગેકૂચ

હૈદરાબાદ : તાજેતરના વર્ષ 2024-25 માટેના વચગાળાના બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે રુ. 6,21,540.85 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, ગયા વર્ષના રુ. 5.93 લાખ કરોડની ફાળવણી કરતા થોડો વધારો કરાયો છે. વર્ષ 2024-25 ના કુલ બજેટનો 13.04% ભાગ ડિફેન્સ બજેટનો છે. જે આત્મનિર્ભરતા અને નિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ચીન તરફથી વધતા જોખમ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા તરફ ભવિષ્યવાદી પગલાનો સંકેત આપે છે. વર્ષ 2024-25 માટે સંરક્ષણ માટેની આ ફાળવણી 2022-23 ની ફાળવણી કરતાં 18.35% અને 2023-24 ની ફાળવણી કરતાં 4.72% વધુ છે.

સંરક્ષણ બજેટને સંરક્ષણ મંત્રાલય (MoD) નાગરિક ખર્ચ, સંરક્ષણ સેવાઓ આવક ખર્ચ, સંરક્ષણ સેવાઓ મૂડી ખર્ચ, પગાર-ભથ્થા અને સંરક્ષણ પેન્શન એમ ચાર શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે. સંરક્ષણ બજેટનો 4.11% હિસ્સો સંરક્ષણ મંત્રાલય (MoD) હેઠળના નાગરિક સંગઠનો માટે, 14.82% હિસ્સો શસ્ત્રો અને દારૂગોળાની નિર્વાહ તથા ઓપરેશનલ તૈયારીના આવક ખર્ચ માટે, 27.67% હિસ્સો નવા શસ્ત્રો અને લશ્કરી પ્રણાલીઓ ખરીદવા માટેના મૂડી ખર્ચમાં જાય છે. ઉપરાંત 30.68% હિસ્સો સંરક્ષણ કર્મચારીઓના પગાર- ભથ્થા અને 22.72% હિસ્સો સંરક્ષણ પેન્શન માટે જાય છે.

સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા માટે ભારત સરકારે ગત વર્ષના બજેટની તુલનામાં મૂડી ખર્ચમાં વધારો કર્યો છે. વર્ષ 2024-25 ના વચગાળાના બજેટમાં સૈન્ય પરના મૂડી ખર્ચ માટે રૂપિયા 1.72 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે 2023-24 માં કરાયેલ રુ. 1.62 લાખ કરોડની ફાળવણી કરતા 6.2% વધારે છે. એરક્રાફ્ટ અને એરો એન્જિન માટે સંરક્ષણ સેવાઓનો મૂડી ખર્ચ રુ.40,777 કરોડ છે, જ્યારે અન્ય સાધનો માટે કુલ રુ. 62,343 કરોડ ફાળવવામાં આવ્યા હતા. નૌકાદળના કાફલા માટે રુ. 23,800 કરોડ અને નેવલ ડોકયાર્ડ પ્રોજેક્ટ્સ માટે રુ. 6,830 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ ફાળવણી આર્મી, નૌકાદળ અને વાયુસેનાના લાંબા ગાળાના સંકલિત પરિપ્રેક્ષ્ય યોજના (LTIPP) સાથે સુસંગત છે. આ યોજનાનો હેતુ નવા શસ્ત્રો, એરક્રાફ્ટ, યુદ્ધ જહાજો અને અન્ય લશ્કરી હાર્ડવેર ખરીદીને સશસ્ત્ર દળોના આધુનિકીકરણ દ્વારા નિર્ણાયક ક્ષમતાના અંતરને ભરવાનો છે. તેમાં બોર્ડ પર એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમ સાથેની કન્વેન્શનલ સબમરીન, 4.5 જનરેશન લડાયક જેટ અને શિકારી ડ્રોનનો સમાવેશ થાય છે.

કુલ મહેસૂલ ખર્ચ રુ.4.39 લાખ કરોડ મૂકવામાં આવ્યો છે. જેમાંથી રુ.1.41 લાખ કરોડ સંરક્ષણ પેન્શન માટે, રુ.2.82 લાખ કરોડ સંરક્ષણ સેવાઓ માટે અને રુ. 15,322 કરોડ MoD હેઠળના નાગરિક સંગઠનો માટે અલગ રાખવામાં આવશે. વર્ષ 2024-25 માં ભારતીય સેના માટે આવક ખર્ચ રુ.1,92,680 કરોડ તથા નૌકાદળ અને વાયુસેના માટે અનુક્રમે રુ.32,778 કરોડ અને રુ.46,223 કરોડ ફાળવવામાં આવ્યા છે. આમ 2023-24 ના બજેટની સરખામણીમાં આવક ખર્ચમાં વધારો જોવા મળ્યો છે. જે સ્ટોર્સ, સ્પેર, રિપેર અને અન્ય સેવાઓ માટેની ફાળવણીમાં વધારો દર્શાવે છે.

સરકારનો ઉદ્દેશ્ય વિમાનો અને જહાજો સહિત તમામ પ્લેટફોર્મને શ્રેષ્ઠ જાળવણી સુવિધા અને સહાયક પ્રણાલી તેમજ દારૂગોળાની પ્રાપ્તિ અને સંસાધનોની ગતિશીલતા આપવાનો છે. તે કોઈપણ સંભવિત ઘટનાની કાળજી લેવા માટે ફોરવર્ડ વિસ્તારોમાં વ્યૂહ ગોઠવણીને મજબૂત કરવા માટે સશસ્ત્ર દળોના દૈનિક ખર્ચની પણ સુવિધા આપે છે.

ભારત-ચીન સરહદ પર સતત ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સરકારે વ્યૂહાત્મકતાને પ્રોત્સાહન આપવા વર્ષ 2024-25 માટે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનને રુ.6,500 કરોડ ફાળવ્યા છે, જે વર્ષ 2023-24 કરતા 30% વધુ અને 2021-22 કરતા 160% વધુ છે. જેનો ઉદ્દેશ લદ્દાખમાં 13,700 ફૂટની ઉંચાઈ પર ન્યોમા એરફિલ્ડના વિકાસ, આંદામાન અને નિકોબાર ટાપુમાં ભારતની સૌથી દક્ષિણી પંચાયત સાથે બ્રિજ કનેક્ટિવિટી અને હિમાચલ પ્રદેશમાં વ્યૂહાત્મક ટનલ શિંકુ લા ટનલ અને અરુણાચલ પ્રદેશમાં નેચીફુ ટનલ સહિતના સરહદી વિસ્તારોમાં વ્યૂહાત્મક માળખાગત વિકાસને પ્રોત્સાહન આપવો છે.

વર્ષ 2024-25 માટે ભારતીય કોસ્ટ ગાર્ડને (ICG) રુ. 7.651.80 કરોડની ફાળવણી કરાઈ છે, જે 2023-24 ની ફાળવણી કરતાં 6.31% વધુ છે. તેમાંથી રુ.3,500 કરોડ ફાસ્ટ મૂવિંગ પેટ્રોલિંગ વાહનો, અદ્યતન ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ અને શસ્ત્રોના સંપાદનની સુવિધા માટેના મૂડી ખર્ચ પર જ ખર્ચવાના છે. આનાથી સમુદ્રમાં ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા અને અન્ય રાષ્ટ્રોને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પ્રોત્સાહન મળશે.

‘આત્મનિર્ભર ભારત અભિયાન’ ના ભાગરૂપે 2020 ના સુધારાના પગલાંથી આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતા સંરક્ષણ મૂડી ખર્ચમાં વધારો ચાલુ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એરોસ્પેસ, કેમિસ્ટ્રી જેવી 'ડીપ-ટેક' ટેક્નોલોજીને મજબૂત કરવા માટે એક લાખ કરોડની કોર્પસ સ્કીમની જાહેરાત ટેક-કંપનીઓને લાંબા ગાળાની લોન આપવા અને સ્ટાર્ટઅપ્સને કરવેરામાં લાભ આપી સંરક્ષણ ક્ષેત્રમાં આધુનિકીકરણને વધુ વેગ આપશે. સંરક્ષણ નિષ્ણાતોના મતે નવી જાહેર કરાયેલ યોજનાની સંશોધન, વિકાસ સુવિધાઓ અને ઉત્પાદનો પર ભારે ખર્ચ કરતી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ., અશોક લેલેન્ડ લિ., ઝેન ટેક્નોલોજીસ લિ., મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ. જેવી કંપનીઓ અને અન્ય સ્ટોક પર સકારાત્મક અસર થઈ શકે છે.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) માટે અંદાજપત્રીય ફાળવણી વર્ષ 2023-24 ના રુ. 23,263.89 કરોડથી વધારીને વર્ષ 2024-25 માં રુ. 23,855 કરોડ કરવામાં આવી છે. આ રકમમાંથી રુ.13,208 કરોડનો મોટો હિસ્સો મૂડી ખર્ચ પર ફાળવવામાં આવ્યો છે. જેનો આશય મૂળભૂત સંશોધન અને 'ડેવલપમેન્ટ-કમ-પ્રોડક્શન પાર્ટનર' (DcPP) મોડલ દ્વારા ખાનગી પક્ષોને ટેકો આપવા સાથે નવી ટેકનોલોજી વિકસાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને DRDO મજબૂત કરવાનો છે.

ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) યોજના માટે રૂ. 60 કરોડની ફાળવણી છે. આ યોજન ખાસ કરીને નવા સ્ટાર્ટ-અપ્સ, MSME અને એકેડેમિયા માટે નવીનતામાં રસ ધરાવતા યુવાનોને આકર્ષવા અને DRDO સાથે મળીને વિશિષ્ટ ડિફેન્સ ટેકનોલોજી વિકસાવવા માટે બનાવવામાં આવી છે.

વર્ષ 2020 થી ભારત, US અને ચીન પછી સૈન્ય પર સૌથી વધુ ખર્ચ કરનાર ત્રીજું રાષ્ટ્ર છે. ભારતીય સંરક્ષણ બજેટ 2018 થી ધીમે ધીમે વધી રહ્યું છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) અનુસાર 2018 માટે ભારતનું સંરક્ષણ બજેટ 66.26 બિલિયન ડોલર હતું, જે વર્ષ 2017 કરતા 2.63% થી વધુ છે. વર્ષ 2019 માટે 71.47 બિલિયન ડોલર હતું, જે વર્ષ 2018 કરતાં 7.86% વધારે હતું. વર્ષ 2020 માટે 72.94 બિલિયન ડોલર હતું, જે વર્ષ 2019 થી 2.05% વધારે હતું. ઉપરાંત વર્ષ 2021 માટે 76.60 બિલિયન ડોલર હતું, જે વર્ષ 2020 કરતા 5.02% વધારે છે.

લોવી ઇન્સ્ટિટ્યૂટ એશિયા પાવર ઇન્ડેક્સ તેની "અંદાજિત લશ્કરી ખર્ચની આગાહી"ની 2023 ની આવૃત્તિમાં જણાવેલા અંદાજ અનુસાર વર્ષ 2030 સુધીમાં USA ના 9777 બિલિયન ડોલર અને ચીનના 531 બિલિયન ડોલર બાદ ભારતનો લશ્કરી ખર્ચ 183 અબજ ડોલર થશે. ચીનનું સંરક્ષણ બજેટ ભારતના કરતા વધુ છે. ભારતે 2023-24 માં સૈન્ય પાછળ 72.6 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો, જ્યારે ચીનનો સૈન્ય ખર્ચ 225 બિલિયન ડોલર હતો.

સંરક્ષણ બજેટમાં વધારો વાજબી છે, પરંતુ વર્તમાન ભૌગોલિક રાજકીય પરિદ્રશ્યમાં લશ્કરી આધુનિકીકરણ માટેની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા તે પૂરતો નથી. ભારત અને ચીનના સૈન્ય ખર્ચમાં વ્યાપક વિસંગતતા હોવાથી ચીનના સંરક્ષણ બજેટ સાથે ભારતનું બજેટ મેળ ખાતું નથી. જોકે, ભારત ટેકનોલોજી આધારિત આધુનિકીકરણ અને આત્મનિર્ભરતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ચીનના વર્ચસ્વને અટકાવી શકે છે.

હકીકતમાં અમુક હદ સુધી ઉન્નત અંદાજપત્રીય ફાળવણી સશસ્ત્ર દળોને વિશિષ્ટ ટેકનોલોજીના ઘાતક શસ્ત્રો, એરક્રાફ્ટ, યુદ્ધ જહાજો અને અન્ય લશ્કરી હાર્ડવેરથી સજ્જ કરવામાં મદદ કરશે. આ દરમિયાન સ્થાનિક ઉપલબ્ધિમાં વધેલો હિસ્સો સ્થાનિક ઉદ્યોગને વેગ આપે અને વિદેશી ઉત્પાદકોને મેક ઈન ઈન્ડિયાનો ભાગ બનવા આકર્ષે તેવી શક્યતા છે. ભવિષ્યમાં પેન્શન પરના ખર્ચમાં ઘટાડો કરીને શોર્ટ ટર્મ ડ્યુટી સ્કીમ ‘અગ્નિપથ’ દ્વારા કેટલાક વધુ ફંડ જનરેટ કરવામાં આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.