ETV Bharat / opinion

ભારતની વિકાસગાથા : ઘટતી ગરીબીમાં કે વધતી જતી આર્થિક અસમાનતા ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2024, 1:28 PM IST

ભારતમાં ઘટતી ગરીબીમાં કે વધતી જતી આર્થિક અસમાનતા ?
ભારતમાં ઘટતી ગરીબીમાં કે વધતી જતી આર્થિક અસમાનતા ?

વર્ષ 2014 થી 2022 સુધીના આઠ વર્ષ દરમિયાન વપરાશ ખર્ચનો સર્વેક્ષણ નથી કરાયો, ત્યારે શું ભારત માટે NMPI ને ગરીબી સૂચક બનાવવું એ રાજકીય વ્યૂહરચનાનો એક ભાગ હોઈ શકે ? મિઝોરમ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કોમર્સના પ્રોફેસર ડો. NVR જ્યોતિ કુમારનો ખાસ લેખ...

હૈદરાબાદ : નીતિ આયોગ (NITI Aayog) દ્વારા જાન્યુઆરી માસમાં બહાર પાડવામાં આવેલ એક ચર્ચા પત્ર "સરકારની થિંક-ટેંક" દર્શાવે છે કે, ભારતમાં લગભગ 25 કરોડ લોકો છેલ્લા નવ વર્ષોમાં બહુપરીમાણીય ગરીબીમાંથી (MDP) નીકળી ગયા છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) અને ઓક્સફર્ડ પોલીસી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવના (OPHDI) ટેકનિકલ ઇનપુટ્સ સાથે આ પેપર નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ અને સિનિયર સલાહકાર યોગેશ સૂરી દ્વારા લખવામાં આવ્યું હતું.

આ ચર્ચાપત્રને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના (VBSY) લાભાર્થીઓને સંબોધિત કરતી વખતે તરત જ એવો દાવો કર્યો હતો કે, તેમની સરકારે બનાવેલી પારદર્શક પ્રણાલી દ્વારા જાહેર ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અશક્ય પણ શક્ય બન્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ તેમના માટે માત્ર આંકડા નથી કારણ કે દરેક નંબર એવા જીવનને દર્શાવે છે જે અત્યાર સુધી સરકારી યોજનાના લાભોથી વંચિત હતા.

જોકે, કોંગ્રેસ પક્ષે નીતિ આયોગના અહેવાલના તારણોને જુમલાની યાદીમાં લેટેસ્ટ જુમલા ગણાવતા આક્ષેપ કર્યો કે, સરકાર કલ્યાણકારી યોજનાઓ અને મફત રાશનની સલામતી જાળમાંથી સીમાંત વસ્તીને બાકાત રાખવાનું ષડયંત્ર રચી રહી છે. વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક શક્તિ તરીકે ઊભરી આવેલી ભારત અંગે કેન્દ્ર સરકારના સતત વક્તૃત્વની પૃષ્ઠભૂમિ સામે કેટલાક પ્રાસંગિક પ્રશ્નો ઉભા થાય છે જેમ કે, શું કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ગરીબી અને ભૂખ સાથે ભારત 2047 સુધીમાં વિકસિત ભારતના માર્ગ પર આગળ વધી રહ્યું છે ?

નિષ્ણાતો દ્વારા ઉઠાવવામાં આવેલા સૈદ્ધાંતિક, પ્રયોગમૂલક અને પદ્ધતિસરના પ્રશ્નો શું છે જેનો જવાબ નથી મળ્યો ? શું ભારતનું અધિકૃત આંકડાકીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાજકીયકરણ અને ઘટી રહેલી વિશ્વસનીયતાથી પીડાઈ રહ્યું છે ? ભારતમાં 2005-06 થી MDP પરના નીતિ આયોગના પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત 2030 પહેલા બહુપરિમાણીય ગરીબીને અડધી કરવાના UN-સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને (SDG 1.2) હાંસલ કરવા માટે સારી રીતે ટ્રેક પર છે.

આ પેપરમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે પોષણ અભિયાન, એનિમિયા મુક્ત ભારત અને ઉજ્જવલા યોજના જેવી વિવિધ સરકારી પહેલોએ વંચિતતાના વિવિધ સ્વરૂપોને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પેપરમાં જણાવ્યા અનુસાર ભારતે MDP માં વર્ષ 2013-14 ના 29.17 ટકાથી 2022-23 માં 11.28 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે.

BIMARU રાજ્યોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં 5.94 કરોડ લોકો MDP માંથી હટી ગયા હતા. ત્યારબાદ બિહારમાં 3.77 કરોડ, મધ્યપ્રદેશમાં 2.30 કરોડ અને રાજસ્થાનમાં 1.87 કરોડ લોકો MDP માંથી હટી ગયા હતા. ગરીબ રાજ્યોમાં ગરીબીમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે, જે અસમાનતામાં ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે, BIMARU એ બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનું ટૂંકું નામ છે. આ રાજ્યોના જૂથે સામાજિક અને આર્થિક સૂચકાંકમાં ઐતિહાસિક રીતે પ્રવેશ કર્યો છે.

ગરીબી માપવામાં શું ખોટું થઈ રહ્યું છે ?

નીતિ આયોગ અનુસાર આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણ 12 SDG-ગોઠવાયેલ સૂચકાંકો દ્વારા રજૂ થાય છે. રાષ્ટ્રીય બહુ-પરિમાણીય ગરીબી સૂચકાંક (NMPI) આ ત્રણ સમાન મહત્વ ધરાવતા પરિમાણોમાં વંચિતતાને એક સાથે માપે છે. નીતિ આયોગના પેપરના તારણોની માન્યતાના કેટલાક મુદ્દાઓ પર અર્થશાસ્ત્રીઓએ તેમના ટીકાત્મક અવલોકનો રજૂ કર્યા હતા, જે નીચે મુજબ છે.

  • ગરીબી માપવાના સૂચકાંક તરીકે MPI સ્વીકાર્ય નથી : જીન ડ્રેઝ સહિતના ઘણા અર્થશાસ્ત્રીઓએ ગરીબી માપવાના સૂચકાંક તરીકે MPI ના ઉપયોગ વિશે વિચારો વ્યક્ત કર્યા હતા. અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે, MPI માં ટૂંકા ગાળાની ખરીદ શક્તિના કોઈપણ સૂચકનો સમાવેશ થતો નથી. આથી આપણે વાસ્તવિક વેતનમાં ધીમી વૃદ્ધિના હાલના પુરાવા સહિતની અન્ય માહિતી સાથે MPI ડેટા વાંચવો જોઈએ. MPI ડેટા ભારતમાં લાંબા સમયથી મુદત વિત્યા બાદ થયેલા ઉપભોક્તા ખર્ચ સર્વેક્ષણમાંથી ગરીબીના અંદાજને પૂરક બનાવી શકે છે, પરંતુ તેને બદલી નહીં શકે.
  • ગ્લોબલ હંગર ઇન્ડેક્સ : એક મોટો અજ્ઞાત પ્રશ્ન છે કે, જો ગરીબીમાં આટલો સારો ઘટાડો થયો હોય તો તાજેતરના સમયમાં ગ્લોબલ હંગર ઇન્ડેક્સ (GHI) પર ભારતનું પ્રદર્શન કેમ નબળું છે. વર્ષ 2023 ના ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 125 દેશોમાંથી ભારત 111 માં ક્રમે હતું. જેમાં માત્ર અફઘાનિસ્તાન, લાઇબેરિયા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને સોમાલિયા જેવા દેશો ભારત કરતાં નીચા રેન્ક પર હતા. GHI સ્કોરના સંદર્ભમાં ભારતનું પ્રદર્શન છેલ્લા દસ વર્ષમાં નિરાશાજનક રીતે નીચું રહ્યું છે.
  • શું રેવડી કલ્ચર છે ? ભારત સરકારને તમામ સ્વરૂપોમાં ગરીબી નાબુદી અંગે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ અંદાજે રૂ. 11.8 લાખ કરોડના ખર્ચે 81 કરોડથી વધુ વ્યક્તિઓનું (વસ્તીનાં 57 ટકાથી વધુ) અસ્તિત્વ સુનિશ્ચિત કરવાનું છે. ત્યારે કોઈ રાષ્ટ્ર કેવી રીતે UN-SDG 1 હાંસલ કરી શકે છે ? દેશના સૌથી સંવેદનશીલ વર્ગોના લાભ માટે એપ્રિલ 2020 માં COVID-19 રોગચાળા દરમિયાન રજૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કદાચ વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના છે. હવે આ યોજનાને વધુ પાંચ વર્ષ માટે 2028 ના અંત સુધી લંબાવવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જ્યારે ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ત્યારે 57 ટકાથી વધુ ભારતીયો માટે આ યોજના ચાલુ રાખવા પાછળનો તર્ક શું છે ? શું તે રેવડી કલ્ચર છે કે ગરીબી ઘટાડવામાં હસ્તક્ષેપ છે ?
  • ગરીબીના સત્તાવાર ડેટાની ગરીબી : વર્ષ 2011 થી છેલ્લા એક દાયકા દરમિયાન ભારત સરકારે ગરીબીનો કોઈ સત્તાવાર ડેટા બહાર પાડ્યો નથી. આથી સમયાંતરે ટુકડે-ટુકડે ઉપલબ્ધ ન હોય તેવા વ્યાપક ડેટાના આધારે દેશમાં ગરીબીની ઘટનાઓનું અલગ-અલગ અર્થઘટન થયું છે. જેના પરિણામે ભારતમાં સત્તાવાર ડેટાની ગેરહાજરીમાં ગરીબી પરની કોઈપણ ચર્ચા વિવાદાસ્પદ અને અર્થહીન બની ગઈ છે.

જો ડેટા વિશ્વસનીય સ્ત્રોતોમાંથી અધિકૃત હોત તો સુશોભન વિશેષતાઓની જરૂર ન હોત. વધુમાં તાજેતરના વર્ષોમાં ભારતમાં આંકડાકીય પ્રણાલીની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થયા છે. વર્ષ 2017-18 માં નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન (NSSO) દ્વારા વપરાશ ખર્ચનો સર્વે હાથ ધરાયો હતો. કેન્દ્ર સરકારે તેના પરિણામો જાહેર કરવાનો ઈન્કાર કર્યો હતો.

વર્ષ 2021માં યોજાનારી વસ્તી ગણતરીને આગળના આદેશ સુધી 2024-25 સુધી પાછી ઠાલવવામાં આવી છે. અધિકૃત અને વ્યાપક સત્તાવાર ડેટાની ગેરહાજરીને કારણે સંશોધકો યોગ્ય આંકડા નક્કી કરવા માટે પ્રોજેક્ટેડ ડેટાનો (અંદાજિત ડેટા) ઉપયોગ કરી રહ્યા છે, જે વાસ્તવિકતાથી દૂર હોઈ શકે છે. છેલ્લા નવ વર્ષોમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર ઘટીને પ્રતિ વર્ષ 5.7 ટકા થયો છે. ત્યારે 7.9 ટકા વાર્ષિક GDP વૃદ્ધિ દર એક સમયગાળા માટે સમાન પરિણામો આપશે તેવું માની લેવાનું કોઈ પ્રાથમિક કારણ નથી.

આપણે બધા જાણીએ છીએ કે COVID-19 એ NMPI ના તમામ 12 પરિમાણોને પ્રતિકૂળ અસર કરી છે. જો કે, ખાસ કરીને નીતિ આયોગ પેપરમાં લેખકોએ કોવિડ-19 ના અંત પછી બે વર્ષ સુધી તેમના નિષ્કર્ષને લંબાવવા માટે વધુ એક રેખીય પ્રક્ષેપણ કર્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો આ પેપરમાં લેખકોએ કોરોનાકાળ સિવાયના વર્ષના ડેટાનો ઉપયોગ કોવિડ પછી બિન-COVID દરોને વિસ્તારવા માટે કર્યો હતો. આમ આવી અતાર્કિક ધારણાઓ અને પદ્ધતિસરની ભૂલોએ પેપરના તારણોને ખૂબ જ શંકાસ્પદ અને ખામીયુક્ત બનાવ્યા હતા.

'વિશ્વ ગુરુ' તરીકે દાવો કરતો અને 2047 સુધીમાં 'વિકસિત ભારત'નું લક્ષ્ય ધરાવતો ભારત દેશ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જોકે વિરોધાભાસ રૂપે ભારતને પોતાના આંકડાકીય સંસ્થા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસાયિક સંસ્થાને બદલે અમુક વ્યક્તિઓ અથવા બાહ્ય એજન્સીઓ દ્વારા લખાયેલા સંશોધન પેપર પર આધાર રાખવો પડ્યો છે.

શું કહે છે ભારતીય નોબેલ વિજેતા ?

અર્થશાસ્ત્રમાં 2019 નો નોબેલ પારિતોષિક જીતનાર અભિજિત બેનરજી અને એસ્થર ડુફ્લોના અનુસાર ભારતની ગરીબી પરના વિશ્વસનીય અને રાજકીય રીતે અસંતુલિત અધિકૃત સર્વેક્ષણ આધારિત ડેટાની ગેરહાજરીમાં યોગ્ય નીતિ પ્રતિભાવ વિકસાવવો મુશ્કેલ હશે. કારણ કે સમસ્યાનો ઉકેલ લાવવા માટે શું ચાલી રહ્યું છે તે જાણવું ખરેખર જરૂરી છે.

અભિજિત બેનર્જીના મતે ભારતની રાષ્ટ્રીય નીતિમાં અસમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું નથી તથા તેના વિશે કોઈ વાર્તાલાપ પણ નથી. સત્તાનો દુરુપયોગ એ અસમાનતાનો પ્રાથમિક સ્ત્રોત હતો. દરેકને તક આપવાના ઊંડા અર્થમાં લોકશાહી માટે ચાવીરૂપ શિક્ષણમાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. જોકે, બીજી બાજુ જો શ્રમ બજાર નોકરીઓ પ્રદાન ન કરે તો શિક્ષણ અર્થહીન બની શકે છે. અભિજિત બેનર્જીએ ચેતવણી આપતા કહ્યું કે, સત્તાનું વધુ પડતું કેન્દ્રીકરણ બિનજવાબદારીનું નિર્માણ કરે છે અને અંતે તે વધુ ગરીબી તરફ દોરી જાય છે.

યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના (UNDP) તાજેતરના રિપોર્ટમાં ખુલાસો કર્યો કે, ભારત ઉચ્ચ આવક અને સંપત્તિની અસમાનતા ધરાવતા ટોચના દેશોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. જોકે વર્ષ 2015-16 અને 2019-21 વચ્ચે MDP હેઠળની વસ્તીનો હિસ્સો 25 ટકાથી ઘટીને 15 ટકા થયો હતો. આ રિપોર્ટ માટે દરરોજ 2.15 US ડોલરના આંતરરાષ્ટ્રીય ગરીબી માપને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.

મુખ્યત્વે દક્ષિણ એશિયામાં આવક અને સંપત્તિની અસમાનતા વધુ છે, જ્યાં કુલ આવકના અડધા ભાગ પર સૌથી ધનિક 10 ટકા લોકોનું નિયંત્રણ છે. ઓક્સફેમ ઈન્ડિયાના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે માત્ર 5 ટકા ભારતીયો દેશની 60 ટકાથી વધુ સંપત્તિના માલિક છે. જ્યારે વસ્તીના 50 ટકા લોકો પાસે માત્ર 3 ટકા સંપત્તિ છે.

12 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલ ગોલ્ડમેન સાચ્સના અહેવાલમાં આપવામાં આવેલા આંકડાથી ભારતમાં કામકાજી વયની વસ્તીમાં આવકની વિસ્તરણની અસમાનતા સ્પષ્ટ થાય છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં 2022 દરમિયાન માત્ર 4.1 ટકા (60 મિલિયન) વર્કિંગ વસ્તીએ વાર્ષિક 10,000 ડોલરની આવક મેળવી છે. જ્યારે વર્કિંગ વસ્તીનો અડધો ભાગ એટલે કે 720 મિલિયન લોકો 1500 ડોલરની નજીવી વાર્ષિક આવક મેળવી શકે છે.

દેશોની અંદર અને તેમની વચ્ચે અસમાનતા ઘટાડવી એ UN-SDG 10 છે. અસમાનતા લાંબા ગાળાના સામાજિક અને આર્થિક વિકાસને જોખમમાં મૂકે છે તથા ગરીબી ઘટાડાને નુકસાન પહોંચાડે છે અને લોકોની પરિપૂર્ણતા અને સ્વ-મૂલ્યની ભાવનાને નષ્ટ કરે છે. 16 જાન્યુઆરીએ પ્રકાશિત થયેલા ઓક્સફેમ ઈન્ડિયાના હાલના રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે 800 મિલિયન કામદારોના વેતન ફુગાવાને જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા છે. જ્યારે 2020 થી પાંચ સૌથી ધનિક લોકોની સંપત્તિમાં 14 મિલિયન ડોલર પ્રતિ કલાકનો વધારો થયો છે.

ટોચના 1 ટકા શ્રીમંત લોકો તમામ વૈશ્વિક નાણાકીય સંપત્તિના 43 ટકાના માલિક છે ! ઓક્સફેમનો ખુલાસો છે કે UN SDGs માં દર્શાવેલ 2030 સુધીમાં વૈશ્વિક ગરીબી નાબૂદ કરવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં આપણે કદાચ બીજા 229 વર્ષ રાહ જોવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.