નવી દિલ્હી : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ન્યૂઝ ક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ અને એચઆર હેડા અમિત ચક્રવર્તીની ન્યાયિક કસ્ટડી 17 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધી છે. એડિશનલ સેશન જજ હરદીપ કૌરે આ આદેશ આપ્યો હતો. સોમવારે પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી, ત્યારબાદ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. 20 જાન્યુઆરીએ કોર્ટે બંનેની ન્યાયિક કસ્ટડી 29 જાન્યુઆરી સુધી લંબાવી હતી. ત્યારે ફરી એકવાર આ બંનેની કસ્ટડી લંબાવાઇ છે.
અમિત ચક્રવર્તીને સરકારી સાક્ષી બનવાની મંજૂરી 22 ડિસેમ્બર 2023ના રોજ કોર્ટે બંનેને 20 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. 22 ડિસેમ્બર, 2023 ના રોજ જ, કોર્ટે યુએપીએ UAPA હેઠળ ન્યૂઝ ક્લિક પરના આરોપોની તપાસ કરવા માટે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને 60 દિવસનો વધુ સમય આપ્યો હતો. દિલ્હી પોલીસે કહ્યું હતું કે આ મામલાની તપાસ માટે વધુ સમયની જરૂર છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તપાસ માટે વધુ 90 દિવસનો સમય આપવાની માંગ કરી હતી. 9 જાન્યુઆરીએ કોર્ટે અમિત ચક્રવર્તીને સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી હતી.
અમેરિકન કરોડપતિની સંડોવણી આપને જણાવીએ કે પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીની દિલ્હી પોલીસે 3 ઓક્ટોબર 2023ના રોજ ધરપકડ કરી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા સમાચારના આધારે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સમાં સમાચાર પ્રકાશિત થયા હતા કે ન્યૂઝ ક્લિકને ચાઈનીઝ પ્રચારને પ્રોત્સાહન આપવા માટે તગડાં નાણાં મળ્યાં હતાં. સમાચાર અનુસાર, અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમે ચીનના પ્રચારને પ્રોત્સાહન આપવા માટે ન્યૂઝ ક્લિકને પૈસા આપ્યા હતાં.
દેશને બદનામ કરવા પેઈડ ન્યૂઝ આ મામલામાં 3 ઓક્ટોબર, 2023ના રોજ ઘણાં પત્રકારો, યુટ્યુબર્સ અને કાર્ટૂનિસ્ટના ઘર પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ પછી દિલ્હી પોલીસે પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર, ન્યૂઝ ક્લિક ચલાવતી કંપની પીપીકે ન્યૂઝક્લિક સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડ દેશને બદનામ કરવા પેઈડ ન્યૂઝ દ્વારા વિદેશમાંથી પૈસા મેળવતી હતી.