ગુજરાત

gujarat

Tapi News: ખનીજ વહન કરતા વાહનોમાં GPS લગાવવાની મુદ્દત 90 દિવસ વધારવાની માંગ, તાપી કલેક્ટરને ક્વોરી લિઝ હોલ્ડર્સ દ્વારા અપાયું આવેદન

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2023, 8:45 AM IST

ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ લગાવવા મુદ્દે પડતી અગવડતા બાબતે તાપી જિલ્લા રેતી ક્વોરી લિઝ હોલ્ડર્સ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું, જેમાં ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ લગાવવાની મુદત 90 દિવસ વધારવા અંગે રજુઆત કરવામાં આવી હતી. અચાનક જીપીએસનો કાયદો લાદી દેતા હજારોની સંખ્યામાં રેતી તેમજ ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની રોજગારીને અસર થઈ રહી હોવાનું આગેવાનોએ જણાવ્યું છે.

વાહનોમાં GPS લગાવવાની મુદ્દત 90 દિવસ વધારવાની માંગ
વાહનોમાં GPS લગાવવાની મુદ્દત 90 દિવસ વધારવાની માંગ

તાપી: ગુજરાત રાજ્યના ખાણ-ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી બંધ થાય તેના ભાગ રૂપે ખનીજ વહન કરતા વાહનોમાં GPS સિસ્ટમ લગાવવાનું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરનાર એજન્સીઓ પાસે પૂરતા પ્રમણમાં ડીવાઈસો ન હોવાના કારણે હજારો ટ્રકોના પૈડાં થંભી ગયા છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખનીજ વહન કરતા ટ્રક માલિકો અને ટ્રક ડ્રાઈવરો તથા હજારો મજૂરોની રોજગારી બંધ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. GPS સિસ્ટમ ન મળતાં રેતી કપચીનો સપ્લાય અટકી જવાથી બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા હજારો ગરીબ મજૂરો પરિવારો પણ બેરોજગાર થઈ ગયા છે.

શ્રમિક વર્ગની રોજગારીને અસર: હજારો ટ્રકોના પૈડાં બંધ થઈ જવાથી કેટલાક મજૂર વર્ગ પરિવારો પર તેની આર્થિક અસર પડી છે. દિવાળીના સમયમાં લોકો પૈસા કમાઈને પોતાના વતન જતા જોવા મળે છે. અને તેમના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે, ત્યારે સરકાર આવા પરિવારોનું ધ્યાન રાખીને 90 દિવસની મુદત વધારશે તેવી તેમને આશા છે.

ક્વોરી લિઝ હોલ્ડર્સની મુશ્કેલી: તાપી જિલ્લાના રેતી લિઝ ધારક મનીષ લીંબાણીના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ખનીજ ચોરી અંગે ખનીજ વહન કરતી ટ્રકોમાં જીપીએસ સિસ્ટમ લાગવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેનો અમે સ્વીકાર કરીએ છીએ, પરંતુ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સીઓ પાસે ડીવાઈસ પૂરતા પ્રમાણમાં ન હોવાથી 8,000 હજારમાં મળતું જીપીએસ 15,000 હજારના ભાવે મળે છે, તે પણ કોઈકને જ મળે છે. તેથી હજારો ટ્રક માલિકો અને ડ્રાઇવરો તથા મજૂરો બેરોજગાર બન્યાની લાગણી અનુભવી રહ્યાં છે. બીજી તરફ રેતી-કપચી નો સપ્લાઈ અટકી જવાના લીધે બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા અને મજૂર વર્ગના નાના માણસો હાલમાં બેરોજગાર બન્યા છે, તેથી સરકારને જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે તેમાં 90 દિવસની મુદત વઘારવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે.

  1. Tapi News: વ્યારા વન વિભાગ દ્વારા જિલ્લાના ઈકો ટુરીઝમ સ્થળે વન્ય પ્રાણી સપ્તાહ યોજાયો
  2. National Ayurveda Day : તાપીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી, જિલ્લા કક્ષાએ આયુષ મેળાનું આયોજન

ABOUT THE AUTHOR

...view details