સાબરકાંઠા:સાબરકાંઠાના વિજયનગર ખાતેથી 90 કિલોમીટર દૂર આવેલા ભાખરા ગામની નિરમા ભગોરા સરહદી વિસ્તારમાંથી નીકળીને આજે શિખર પર પહોંચી છે. નિરમા અસારીએ કર્ણાટક ખાતે યોજાયેલી તિરુવન્નામલાઈ (ચેન્નઈ)માં 21માં નેશનલ ફેડરેશન કપ જુનિયર 20 વર્ષથી અંડર 5.88 મીટરના પ્રદર્શન સાથે લોંગ જમ્પ ઈવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાજસ્થાનના સરહદી વિસ્તારમાં રહેતી આ દીકરી છેલ્લા બે વર્ષથી હિંમતનગર એકેડેમી અંતર્ગત વિશેષ તાલીમ મેળવી રહી છે.
ગુજરાતના છેવાડાના ગામની યુવતીની 'લાંબી છલાંગ':ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં આવેલું ગામ ભાખરાના રહેવાસી ભુરાભાઇ અસારીની મોટી દીકરી નિરમાએ આજે તેમના ગામનું નામ રોશન કર્યું છે. નિરમાના માતા-પિતા ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અગાવ પણ બે મેડલ જીતી ચુકેલી નિરમા સિલ્વર મેડલ જીતીને ગુજરાત સહીત તેમના ગામનું પણ નામ રોશન કર્યું છે. નિરમા વિજયનગર ખાતે અભ્યાસની સાથે રમતગમતની તાલીમ લઇ રહી છે.
ઓલમ્પિકમાં મેડલ જીતવાની અપેક્ષા: નિરમા અસારી તેની ઉપલબ્ધી માટે સ્પોર્ટ્સ સંકુલનો આભાર માન્યો હતો. તેને જણાવ્યું હતું કે, 'મારી જીત પાછળ હિંમતનગર સ્પોર્ટ્સ સંકુલનો વિશેષ ફાળો છે. 2019 માં મને ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. આગામી સમયમાં મને આશા છે કે ઓલમ્પિક ભાગ લઈને દેશનું પ્રતિનિધિત્વ કરું અને દેશને મેડલ અપાવું.'
દરરોજ 5 કલાક કરે છે પ્રેક્ટિસ: નિરમા અસારીના કોચ સંજય યાદવ જણાવે છે કે નિરમા અસારી ગુજરાત તરફથી લાંબી કુદમાં ભાગ લીધો હતો. તેને આ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે. હવે તેની નજર આવનારા ઓલમ્પિક અને દેશની બહાર યોજાતી સ્પર્ધાઓ પર છે. નિરમા હાલ દરરોજ 5 કલાક જેટલો સમય પ્રેક્ટિસમાં વિતાવે છે. અગાવ પણ તેને શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 2019માં પંજાબ ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2020 માં ખેલો ઇન્ડિયા અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં પણ તેને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.