રોશનીથી ઝળકી ઉઠ્યું સમગ્ર પરિસર પોરબંદરઃ દિવાળી પર્વમાં પ્રકાશનું અનેરુ મહત્વ છે. ઝુંપડી હોય કે મહેલ દરેક આવાસને દિવાળી નિમિતે દીવાથી શણગારવામાં આવે છે. પોરબંદરના દરિયામહેલમાં 5000 દીવા પ્રગટાવીને દિપોત્સવ ઉજવવામાં આવ્યો છે. આ પ્રસંગે પોરબંદરના મહાનુભાવો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પોરબંદર કન્ઝર્વેટરી દ્વારા આયોજનઃ શહેરના દરિયામહેલને 5000 દીવાથી શણગારીને દિપોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ આયોજન પોરબંદર કન્ઝર્વેટરી નામની સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ દિપોત્સવના સાક્ષી બનવા પોરબંદરના વિખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વસંત બાવા, લાયન્સ કલબના આગેવાન હિરલબા જાડેજા, ખારવા સમાજના આગેવાન પવન શિયાળ, પોરબંદર બોટ એસોસિયેશનના પ્રમુખ મુકેશ પાંજરી અને રેડક્રોસના પ્રમુખ લાખણશી ગોરાણીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
દરિયામહેલ એક ઐતિહાસિક ધરોહરઃ પોરબંદરના પ્રજાપ્રેમી બરડાધિપતી મહારાણા શ્રી નટવરસિંહજીએ પોતાનો દરિયામહેલ ભારત સરકારને ભેટ આપ્યો હતો. 1953માં મહારાણા શ્રી નટવરસિંહજી બહાર ગામ હોવાથી યુવરાજ શ્રી ઉદયભાણસિંહજી ભારત સરકારને દરિયામહેલ સોંપ્યો હતો. આ મહેલની સોંપણી વખતે તેમાં આર.જી.ટી. કોલેજ શ્રી રામબા કોલેજ હતી. દરિયામહેલનું બાધકામ મહારાણા શ્રી નટવરસિંહજીના પિતાશ્રી મહારાણા શ્રી ભાવસિંહજી એ 1903માં કરાવ્યું હતું. આ મહેલનો પ્લાન રાજ્યના ઈજનેર શ્રી ફુલચંદ ડાહ્યાભાઈ(L.C.E.)એ તૈયાર કર્યો હતો. કલુ રુપિયા 1,18,700ના ખર્ચે ભાવસિંહજીના કહેવા પ્રમાણે આ મહેલ તૈયાર થયો હતો. મહેલના પાછળ ના ભાગે જોતા રાજસ્થાની શીલ્પકલા દ્રશ્યમાન થાય છે. આ રાજમહેલના દરબારખંડની છત આજે પણ મૂલ્યવાન 'છતચિત્રો'થી સજ્જ છે. 'રામાયણ'ના વનવર્ણનનાં દશ્યોથી આ રાજમહેલના કાચના બારીબારણા સૌરાષ્ટ્રના ચિત્રકલાના ઈતિહાસમાં આજે માનભેર ઉલ્લેખિત છે. આ ચિત્રો તે સમયના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્મા એ બનાવેલા છે. આજ મહેલના દરબાર હોલની અંદર મહારાણા શ્રી નટવરસિંહજીનો રાજ્યાભિષેક થયો હતો અને આજ મહેલની અંદર યુવરાજ શ્રી ઉદયભાણસિંહજીની યુવરાજ તરીકે જાહેરાત થઈ હતી.
પોરબંદર કન્ઝર્વેટરી નામક સંસ્થા દ્વારા આ સુંદર દિપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરિયામહેલમાં 5000 દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે. જે રીતે રાજા મહારાજાઓ દિવાળીની રોશની કરતા તેવી રોશની સામાન્ય જનતા જોઈ શકે તેવું આયોજન મને ખૂબ ગમ્યું છે...આકાશ લાખણી(મુલાકાતી, પોરબંદર)
- Junagadh News : અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરે 1100 પકવાનોનો ભરાયો અન્નકૂટ, કરો દર્શન
- Diwali 2023: ગોંડલમાં કષ્ટભંજન હનુમાનજીની 8X12 સ્કેવર ફિટની આબેહુબ રંગોળી બનાવાઈ, જે બની રહી છે આકર્ષણનું કેન્દ્ર