ગુજરાત

gujarat

Patan Farmer Issue : રાધનપુર તાલુકાના ખેડૂતો અર્ધનગ્ન થઈ કર્યો વિરોધ, જાણો શું છે સમસ્યા...

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 9:57 PM IST

રાધનપુર તાલુકામાં આવેલા 4 જેટલા ગામના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી સિંચાઈ માટે અપૂરતા પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. આ અંગે તંત્રમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા નછૂટકે આજે ખેડૂતો કેનાલોમાં અર્ધનગ્ન ઉતરી દેખાવ કર્યો હતો. બાદમાં પાણી આપવાની માંગને લઈને રાધનપુર ખાતે નર્મદા વિભાગના અધિકારીને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું.

Patan Farmer Issue
Patan Farmer Issue

રાધનપુર તાલુકાના ખેડૂતો અર્ધનગ્ન થઈ કર્યો વિરોધ, જાણો શું છે સમસ્યા...રાધનપુર તાલુકાના ખેડૂતો અર્ધનગ્ન થઈ કર્યો વિરોધ, જાણો શું છે સમસ્યા...

પાટણ :નર્મદા કેનાલનું પાણી છેવાડાના ગામો સુધી સિંચાઈ માટે બ્રાન્ચ કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા આવી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કઈ અલગ જ છે. પાટણ જિલ્લાના રણકાંધીએ આવેલા રાધનપુર તાલુકાના કેટલાક ગામડાઓને હજુ પણ કેનાલનું પાણી મળતું નથી. જેથી ખેડૂતોને ખેતી કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

શોભના ગાંઠિયા સમાન કેનાલ : રાધનપુર તાલુકાના નાતવાડા, મોટી પીપળી, ભિલોટ, કલ્યાણપુરા જેવા ગામમાંથી મોટી પીપળી ડિસ્ટ્રીબ્યુટરી માઇનોર કેનાલ પસાર થાય છે. પરંતુ આ કેનાલ હાલમાં ખાલીખમ જોવા મળી રહી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ પોતાની મનમાની કરી કેનાલમાં પાણી ન છોડતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સિંચાઈ માટે પાણી ન હોવાના કારણે હાલમાં ખેડૂતોના ખેતરોમાં ઉભા પાક મુરજાઈ રહ્યા છે.

ખેડૂતોનો અનોખો વિરોધ : બીજી તરફ કેનાલમાં સાફ સફાઈના અભાવને કારણે ઝાડી-ઝાંખરા તેમજ માટીના થર જામી ગયા છે. તેમ છતાં પણ કેનાલની કોઈ સફાઈ કે મરમત કરવામાં આવતી નથી. ત્યારે આજે 4 ગામના ખેડૂતોએ નર્મદાની માઇનોર કેનાલમાં ઉતરી અર્ધનગ્ન થઈ કેનાલની સફાઈ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. બાદમાં રેલી યોજી નર્મદા વિભાગના અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

શું છે ખેડૂતોની માંગ ?ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અનેકવાર રજૂઆતો કરવા છતાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. હાલમાં ખેડૂતોએ ખેતરમાં વિવિધ રવિ પાકનું વાવેતર કર્યું છે. ત્યારે ઉભા મોલને સાચવવા પાણીની અત્યંત જરૂરિયાત છે. માટે ખેડૂતોના હિતમાં મોટી પીપળી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી.

તંત્ર વાયદો પૂરો કરશે ?ખેડૂતોની રજૂઆતને પગલે નર્મદા વિભાગના અધિકારીએ પાંચ દિવસના અંદર કેનાલની સાફ સફાઈ કરાવી પાણી છોડવામાં આવશે તેવી હૈયા ધારણા આપી હતી. હાલ તો નર્મદા વિભાગ દ્વારા આગામી સમયમાં પાણી છોડવાની ખાતરી ખેડૂતોને આપવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નર્મદા વિભાગ કેનાલમાં પાણી છોડે છે કે પછી વાયદાઓ કરશે.

  1. Patan News : 1300 અગરિયા પરીવારે અર્ધનગ્ન થઈ રાધનપુર પ્રાંત કચેરી ખાતે રોષ ઠાલવ્યો, જાણો શું છે માંગ...
  2. Assistance kit to beneficiaries : પાટણમાં લાભાર્થીઓને આપવામાં આવેલ સહાય કીટમાંથી નિકળી ઉધઈ, તંત્ર થયું દોડતું

ABOUT THE AUTHOR

...view details