- હાથરસની ઘટના બાદ મહિલાઓને સેલ્ફ ડિફેન્સ માટે તૈયાર કરવાનું આયોજન
- મહેસાણાથી દરેક ધર્મ જ્ઞાતિની બહેનોને તાલીમ આપવાનું શરૂ
- હાલમાં 45 જેટલી સ્ત્રીઓ આ તાલીમ શિબિરમાં જોડાઈ
મહેસાણા: એક તરફ દેશમાં સરકારનો દાવો છે કે, મહિલાઓ સુરક્ષિત બની છે. ત્યારે હાથરસમાં બનેલી ઘટનાના પડઘા આજે પણ શાંત નથી પડ્યા. જેને લઇને દલિત સમાજના સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને તેમની ટીમ દ્વારા સ્ત્રીઓ સાથે બનતી લાચારીભરી ઘટનાઓ સામે લાલ આંખ કરતા હવે સ્ત્રીઓને સેલ્ફ ડિફેન્સ માટે તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત મહેસાણાના બિલાડી બાગથી કરવામાં આવતા આજે 45 જેટલી મહિલાઓ સ્પેશિયલ ટ્રેનર પાસે પ્રતિદિન એક કલાક તાલીમ મેળવી રહી છે.
દલિત સમાજના આ સંગઠન દ્વારા તાલીમ આપતી સમયે મહિલાઓ, યુવતીઓ અને સગીરાઓ પોતાના પર આવેલ મુશ્કેલીમાં જડબાતોડ જવાબ આપવા તૈયાર થાય માટે કોઈ પણ ધર્મ જ્ઞાતિનો ભેદભાવ રાખ્યા વિના દરેક સ્ત્રી વર્ગને પંચિંગ-ચોપ સહિત હાથ અને પગની સેલ્ફ ડિફેન્સ માટેની ટેક્નિક શીખવવામાં આવી રહી છે.