ગુજરાત

gujarat

મહિલા અને સિનિયર સિટીઝનની સુરક્ષા અર્થે રચાયેલી વીરાંગના સ્કોર્ડ હવે ઓળખાશે "સી ટીમ" તરીકે

By

Published : Sep 23, 2021, 4:07 PM IST

Updated : Jun 27, 2022, 12:13 PM IST

વીરાંગના સ્કોર્ડ હવે ઓળખાશે સી ટીમ તરીકે

ગુજરાત પોલીસ સદાય પ્રજાની પડખે છે, સરહદી જિલ્લા કચ્છમાં પણ પ્રજાનો પોલીસ પ્રત્યે અતૂટ વિશ્વાસ છે. આ વિશ્વાસને વધુ મજબૂત બનાવવા માટે પશ્ચિમ ક્ચ્છ પોલીસ દ્વારા ભુજ શહેરમાં ખાસ વિરાંગના સ્પેશિયલ સ્કોર્ડ શરૂ કરવામાં આવી હતી. આ સ્કોર્ડની કામગીરીને પોલીસવડા સૌરભસિંઘે બિરદાવી છે અને હવેથી આ વીરાંગના સ્કોર્ડની ટીમ સી ટીમ તરીકે ઓળખાશે.

  • મહિલાઓની સુરક્ષા માટે રચાઈ હતી વીરાંગના સ્કોર્ડ ટીમ
  • 8 મહિલા પોલીસ કર્મચારીઓ બાઈક પર કરે છે રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ
  • હવેથી આ સ્પેશિયલ ટીમ "સી ટીમ" તરીકે ઓળખાશે

કચ્છ- પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એપ્રિલ મહિનામાં ભુજ શહેરમાં મહિલા પોલીસ કર્મચારીઓની વીરાંગના સ્કોર્ડની રચના કરવામાં આવી હતી. આ સ્કોર્ડમાં 8 મહિલા પોલીસ કર્મચારીઓને ડ્યૂટી સોંપાઈ છે. તેઓ દ્વારા ભુજ સીટી તેમજ માધાપર અને મિરજાપર વિસ્તારમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરવામાં આવે છે. આ માટે બે બુલેટ અને અન્ય બે બાઇક મળી 4 ટુ વ્હીલરની ફાળવણી કરાઈ છે.

વીરાંગના સ્કોર્ડ હવે ઓળખાશે "સી ટીમ" તરીકે

ટીમ દ્વારા સિનિયર સિટીઝનની મુશ્કેલી જાણી મદદ કરાઇ છે

આ વીરાંગના સ્કોર્ડનું મેઈન કામ મહિલાઓની સુરક્ષાનું છે. બાગ-બગીચા, વોક વે, જાહેર સ્થળો, બજાર વિસ્તારો તેમજ જે સ્થળોએ મહિલાઓની અવરજવર વધુ છે ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. ઉપરાંત સિનિયર સિટીઝન જોડે વાર્તાલાપ કરી તેમની મૂશ્કેલી જાણી મદદ કરવામાં આવે છે. આ ટીમ દ્વારા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ગુનેગારોને સાચો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે તથા જરૂરિયાતમંદોને મદદ પણ કરવામાં આવે છે.

વીરાંગના સ્કોર્ડ મહિલા અને સિનિયર સિટીઝનની મદદે આવી

પ્રોહિબિશન તથા અન્ય મુદ્દામાલ પણ કબ્જે કરાયો

આ ઉપરાંત વીરાંગનાઓ દ્વારા પ્રજાને દરેક રીતે મદદ કરવામાં આવી રહી છે. સાથે-સાથે લોકોમાં કોવિડને લઈને જાગૃતતા પણ લાવવામાં આવે છે. વીરાંગનાઓનો સ્વભાવ સંવેદનશીલ હોવાથી લોકો તેમને પોતાની મુશ્કેલીઓ જણાવતા ખચકાતા નથી અને વીરાંગનાઓ તેમને મદદ કરીને તેમની મુશ્કેલી દૂર કરી રહી છે. આ સ્કોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. ઉપરાંત આ વીરાંગના સ્કોર્ડ દ્વારા પ્રોહિબિશનનો તથા અન્ય મુદ્દામાલ પણ કબ્જે કરી ગુનેગારોને સજા કરવામાં આવે છે.

વીરાંગના સ્કોર્ડ હવે ઓળખાશે "સી ટીમ" તરીકે

અનેક ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરાઇ છે

આ વીરાંગના સ્કોર્ડ દ્વારા ભુજમાં માસ્ક ડ્રાઇવ દરમિયાન વાહન ચેક કરતા 25 હજારથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો હતો. વર્ષોથી હમીરસર કિનારે એકલા રહેતા વૃદ્ધ મહિલાનો પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. ખેંગાર બાગમાં દારૂ પીને પડ્યા રહેતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા, હિલગાર્ડન પાસે શંકાસ્પદ વ્યક્તિને અટકાવી છરી કબ્જે કરવામાં આવી હતી. આ સહિતના કામો કરી ક્રાઈમ રેશિયો ઘટાડવામાં પણ આ ટીમ મદદરૂપ રહી છે.

વીરાંગના સ્કોર્ડ મહિલા અને સિનિયર સિટીઝનની મદદે આવી

ડીજીના પરિપત્ર અનુસાર એકસૂત્રતા જાળવવા હવે આ ટીમ સી ટીમ બનશે

હાલમાં આ વીરાંગના સ્કોર્ડમાં ફેરફાર થયો છે. ડીજી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ જિલ્લાઓમાં વીરાંગના સ્કોર્ડ જેવી ટીમો કાર્યરત છે, જેમકે અમદાવાદ, વડોદરા, સુરતમાં સી ટીમ કરીને ટીમ છે. કોઈક જિલ્લામાં દુર્ગા શક્તિ નામની ટીમ છે, ત્યારે કચ્છ જિલ્લામાં આવી ટીમનું નામ વીરાંગના સ્કોર્ડ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે રાજ્ય સ્તરે એકસૂત્રતા લાવવા માટે ગુજરાત ડીજી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં એક સી ટીમ બનાવવાનો હુકમ કરવામાં આવ્યો છે, તો કચ્છમાં પણ દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ બનાવવામાં આવી છે.

સી ટીમનું કામ પણ મહિલાઓ અને સિનિયર સિટીઝનની મદદ કરવાનો

ડીજીના પરિપત્રના હુકમની અમલવારીથી હવેથી વીરાંગના સ્કોર્ડ પણ હવે સી ટીમ તરીકે ઓળખાશે અને સી ટીમનું કામ મહિલા અને સિનિયર સિટીઝનની સુરક્ષા કરવાનું તથા તેમને મદદરૂપ થવાનું અને તેમની સમસ્યાઓ દૂર કરવાનું રહેશે અને આ સી ટીમમાં હવે પુરુષોને પણ સામેલ કરવામાં આવશે. સી ટીમ હાલમાં જ કાર્યરત કરવામાં આવી છે. તેથી ટૂંક સમયમાં જ તેમના દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે.

વીરાંગના સ્કોર્ડ મહિલા અને સિનિયર સિટીઝનની મદદે આવી

એકલા રહેતા સિનિયર સિટીઝનની મદદ કરવામાં આવે છે: વીરાંગના સ્કોર્ડ

ભીડભાડવાળા વિસ્તારોમાં અમારી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જે સિનિયર સિટીઝન એકલા રહેતા હોય તેની સાથે વાતચીત કરી તેમની જરૂરિયાતો પૂરી કરીએ છીએ. મેડિકલ સેવા તથા રાશન પહોંચાડીએ છીએ. ઉપરાંત પેટ્રોલિંગ દરમિયાન અસામાજિક તત્વો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

મહિલાઓની સુરક્ષા માટે સતત પેટ્રોલિંગ: વીરાંગના સ્કોર્ડ

પશ્ચિમ કચ્છ પોલીસવડાની સૂચના અનુસાર અમે લોકો મહિલા અને સિનિયર સિટીઝનની સુરક્ષા માટે બાગ- બગીચા, મંદિર, માર્કેટ કે જ્યાં વધારે ભીડ જમા થતી હોય છે, ત્યાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને મહિલા કે સિનિયર સિટીઝનની સમસ્યા દૂર કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ.

વીરાંગના સ્કોર્ડ હવે ઓળખાશે "સી ટીમ" તરીકે

વીરાંગના સ્કોર્ડ દ્વારા ખૂબ ઉમદા કામગીરી કરવામાં આવી છે: પશ્ચિમ કચ્છ પોલીસ વડા

જેમણે આ સ્કવોર્ડની રચના કરી છે તેવા પશ્ચિમ ક્ચ્છ જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ સ્કવોર્ડની કામગીરીથી ઘણા ખુશ થયા છે. જે હેતુ માટે સ્કવોર્ડની રચના થઈ હતી તે હેતુ સાર્થક થઈ રહ્યો છે. એસપી સૌરભસિંઘે જણાવ્યું કે, આ વીરાંગના સ્કોર્ડની ટીમ દ્વારા મહિલા સલામતી, સિનિયર સિટીઝનને મદદ તેમજ લોકજાગૃતિ અને પેટ્રોલીગની કામગીરી તો કરવામાં આવે જ છે સાથે અન્ય ઉમદા કામગીરીઓ પણ કરાય છે, પરંતુ હવે પરિપત્ર અનુસાર એકસૂત્રતા જાળવવા આ ટીમને સી ટીમ તરીકે ઓળખવામાં આવશે.

આ પણ વાંચો:કચ્છમાં પોલીસની વીરાંગના સ્પેશિયલ મહિલા સ્કોડે શાકભાજીની આડમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

આ પણ વાંચો:જે બાળકનું બે વાર અપહરણ થયું હતું, તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતી પોલીસ

Last Updated :Jun 27, 2022, 12:13 PM IST

ABOUT THE AUTHOR

...view details